Get The App

40 અબજ ડોલરની ટેમ્પલ ઇકોનોમી મંદિરો રોજગારીના સર્જક

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
40 અબજ ડોલરની ટેમ્પલ ઇકોનોમી મંદિરો રોજગારીના સર્જક 1 - image


- નેશનલ સર્વે ઓફિસના જણાવ્યા અનુસાર ભારતમાં 18 લાખ મંદિરો છે,૫૨ શક્તિપીઠો છે, 12 જ્યોતિર્લિંગ છે..

- વર્ષે દહાડે 4.74 લાખ શ્રધ્ધાળુઓ ધાર્મિક યાત્રા પર જાય છે. આ ધાર્મિક યાત્રા કરનારા 8 કરોડ લોકોને નાની મોટી રોજગારી આપે છે

- વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે ગોવા કરતા વધુ પ્રવાસીઓ કાશી વિશ્વનાથના દર્શને આવે છે. સાબરમતીથી ઉપડતી શાંતિ એક્સપ્રેસ ઉજ્જૈનમાં અડધી ખાલી થઇ જાય છે. રોજ હજારો લોકો ઉજ્જૈન જાય છે.

- ભારતમાં ટેમ્પલ ઇકોનોમી સાથે રોજગારી પણ જોડાયેલી છે. જે લોકો પાસે કોઇ શિક્ષણ નથી એવા લોકો પણ અહીં નાની લારી લગાવીને બે પાંદડે સુખી થઇ શકે છે. કોઇ ક્ષેત્રની ઇકોનોમી ટેમ્પલ ઇકોનોમીની જેમ સામાન્ય વર્ગ માટે રોજગારી ઉભી કરતું નથી

ભારતના મંદિરોની આવક ૪૦ અબજ ડોલરને (૩.૨ લાખ કરોડ રૂપિયા) સ્પર્શી રહી છે. જે દેશના જીડીપીના ૨.૩૨ ટકા જેટલી છે. માત્ર મંદિરોની પવિત્રતા અને તેની આધ્યાત્મિક શક્તિના જોરે આવેલી આવક શ્રધ્ધાળુઓએ તેને પ્રસાદ રૂપે, ભોગ રૂપે, ચઢાવા રુપે આપી હોય છે.

નેશનલ સર્વે ઓફિસના જણાવ્યા અનુસાર ભારતમાં ૧૮ લાખ મંદિરો છે. જેમાં ૩૩,૦૦૦ ખાસ મંદિરો છે,૫૨ શક્તિપીઠો છે,૧૨ જ્યોતિર્લિંગ છે. વર્ષે દહાડે ૪.૭૪ લાખ શ્રધ્ધાળુઓ ધાર્મિક યાત્રા પર જાય છે. આ ધાર્મિક યાત્રા કરનારા ૮ કરોડ લોકોને નાની મોટી રોજગારી આપે છે.

તાજેતરમાં ૨૬ ફેબુ્રઆરી સુધી મહા કુંભમેળો ચાલશે જેની આવક ૨.૫ લાખ કરોડ રૂપિયાને વટાવી જશે એમ મનાય છે. દરેક નાના મોટા ક્ષેત્રો આવકની આ ગંગામાં ડૂબકી મારીને આર્થિક સદ્ધરતા મેળવી શકસે. વારંવાર આવા ભવ્ય આયોજનો શક્ય નથી. કુંભની એડવાન્સ તારીખ નક્કી હતી તે પ્રમાણે આયોજન પણ કરાયું હતું.

જો કોઇ માર્કેટીંગ કંપની કૃત્રિમ કુંભમેળો ઉભો કરેતો ત્યાં કાગડા ઉડે તે નક્કી છે. કુંભમેળા સાથે જોડાયેલું આધ્યત્મિક તત્વ ૪૦ કરોડ લોકોને પ્રયાગરાજ તરફ ખેંચી રહ્યું છે. દરેક ધાર્મિક સ્થળ સાથે કોઇ ચેતના જોડાયેલી હોય છે.

ભારતમાં ટેમ્પલ ઇકોનોમી સાથે રોજગારી પણ જોડાયેલી છે. જે લોકો પાસે કોઇ શિક્ષણ નથી એવા લોકો પણ અહીં નાની લારી લગાવીને બે પાંદડે સુખી થઇ શકે છે. કોઇ ક્ષેત્રની ઇકોનોમી ટેમ્પલ ઇકોનોમીની જેમ સામાન્ય વર્ગ માટે રોજગારી ઉભી કરતું નથી. ટેમ્પલ ઇકોનોમીની ખાસિયત એ છે કે તે લાખોને રોજગારી પુરી પાડે છે. આ ઇકોનોમીના પાયામાં ભણેલો વર્ગ માંડ બે ટકા હોય છે. બાકીના ૯૮ ટકા નોન સ્કીલ્ડ લોકો અને નાના વેપારીઓ તેમજ નબળા વર્ગના અને ભિખારીઓનો સમુહ હોય છે. માટીના નાના રમકડા વેચવાથી માંડીને બાળકોના તૈયાર કપડાં, વાસણો, ફૂલો, પ્રસાદ વગેરે વ્યવસાય કરનારા, રીક્ષાવાળા વગેરે આસાનીથી રોજી મેળવે છે.

દરેક ધાર્મિક સ્થળો પર અનેક સંપ્રદાયના મંદિરો સહીત નાની દેરી પણ ઉભી કરાઇ હોય છે. તેમની આવક પણ  મોટા મંદિરોના પગલે થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે ગુજરાતના કાશી કહેવાતા ડાકોરના રણછોડરાયજી મંદિરની વાત કરીયે તો રણછોડરાયજી મંદિરની આવકના પગલે અન્ય નાના મંદિરોના દ્વાર પણ ઝળહળતા હોય છે.  બે ડઝન જેટલા મંદિરોના દર્શને લોકો રીક્ષા લઇને જતા હોય છે.

શ્રધ્ધાળુઓ દરેક મંદિરમાં ફૂલ  નહીં તો ફૂલની પાખડી રૂપે ભેટ મુકે છે. કેટલાક તિથી લખાવે છે તેમજ બહુ ભાવથી દર્શન કરે છે. શ્રધ્ધાળુઓની આસ્થા અડગ રહે એટલે સત્તાવાળાઓએ વિવિધ મંદિરોને વિશાળ કોમ્પલેક્ષમાં ફેરવી નાખ્યા છે એટલેકે તેની આસપાસનો ભાગ હસ્તગત કરીને તેને સ્વચ્છ બનાવી દીધો છે. ત્યાં બેસી શકાય એવા બાંકડા અને સુશોભનની ચીજો ગોઠવવામાં આવે છે. મંદિરોમાં ગંદકી અને સંકડાશના કારણે અનેક લોકો ત્યાં જવાનું ટાળતા હતા પરંતુ હવે લોકો વ્યવસ્થા જોવા માટેનો પણ લ્હાવો લઇ રહ્યા છે.

જેમકે વારાણસીનું કાશી વિશ્વનાથ, ઉજ્જૈનનું મહાકાલ કોમ્પલેક્ષ, અયોધ્યામાં શ્રી રામ મંદિરનું કોમ્પલેક્ષ, સોમનાથ મંદિર,ગુજરાતમાં અંબાજી મંદિર વગેરે સ્થળો પર શ્રધ્ધાળુ જાય ત્યારે તેને સંતોષ થાય છે અને ભીડભાડ વગર દર્શન કરી શકે છે. આ બધાની પાછળ મંદિરોને થતી આવક અને સતત રોજગારી મળી રહે  તેમજ સ્કીલ્ડ વિહોણા લોકો પણ કમાઇ શકે છે. આ આયોજન કોઇ સરકારનો આઇડયા નથી પણ સ્વયંભૂ ઉભો થયેલો આઇડયા છે જેની પાછળ શ્રધ્ધાળુઓની આસ્થા રહેલી છે. ટૂંકમાં જેને કોઇ સહારો નથી તેને મંદિરના ઓટલા સહારો આપે છે. 

જે મંદિર વિસ્તારમાં લાખો લોકોની અવરજવર હોય ત્યાં નાના ખુમચાવાળાથી માંડીને ચા-નાસ્તાની હોટલો, રહેવાની સવલતો વાળી એસી હોટલો, તૈયાર ડ્રેસીસ વાળા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા, રીક્ષા વાળા,પાનના ગલ્લાવાળા વગેરે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. આ દરેક લોકો આર્થિક ઉપાર્જન માટે આવતો હોય છે. આવી અવર જવર કાયમી સ્તરે મંદિરોમાં હોય છે. પૂનમ હોય અગિયારસ હોય, સંકષ્ઠ ચતુર્થી હોય , બેસતો મહિનો હોય કે અમાસ હોય ત્યારે લોકો મોટા પ્રમાણમાં દર્શને આવે છે.મદિરોમાં પૈસો આસાનીથી આવતા હોય છે. જે મંદિરોમાં લોકોને વધુ શ્રધ્ધા છે તે મંદિરોમાંતો પૈસાના ઘડા ભરાઇ જાય છે. ભારતના મંદિરોની ઇકોનોમી એક તરફી હોય છે. તેમાં પૈસા લખલૂટ આવે છે પરંતુ દર્શનાર્થીઓને અપાતી સવલતો પાછળ આવકના માંડ ૧૦ ટકા વપરાય છે. 

અહીં આશ્ચર્ય તો એ વાતનું છે કે કમાણી થતી હોય ત્યાં કોઇ હિન્દુ-મુસ્લિમ નથી જોતું. અમરનાથ અને વૈશ્નોદેવી યાત્રામાંથી આવક રળનારા ૯૦ ટકા તો મુસ્લિમ વેપારીઓ હોય છે. સોમનાથ મંદિરની બહાર કમાણી કરનારા પૈકી ૬૦ ટકાતો નાના મુસ્લિમ વેપારીઓ હોય છે. કેટલાક લોકો મંદિર બાંધવાનો વિરોધ કરતા હોય છે પરંતુ તેમને એ ખબર નથી હોતી કે ફૂલો,કોડીયાં,બંગડી, પૂજાપો વગેરે વેચનારા મંદિરના એાટલા પર બેસીને કમાય છે.

ઉદાહરણ સાથે લખીયે તો વર્તમાન કુંભમેળામાં એક દાતણ વેચનાર ભાઇ રોજ એક લાખ રૂપિયા કમાણી કરે છે. લીમડાના દાતણ એવું બોર્ડ મારીને તે બેઠા હતા. તેમને માંડ એક પૈસામાં દાતણ પડયું હતું જેના તે દશ રૂપિયા લેતા હતા. નો જીએસટી, કોઇ ભાડું નહીં માત્ર સવારના ત્રણ કલાક બેસવાનું હતું. ૪૫ દિવસ કુંભમેળો ચાલવાનો છે. તે માત્ર દાતણ વેચીને ૩૫-૪૦ લાખ કમાવવાનું ટાર્ગેટ રાખીને બેઠા છે. 

ભારતમાં ટેમ્પલ ઇકોનોમીની ચર્ચા ભાગ્યેજ થતી આવી છે. પરંતુ તાજેતરમાં જેને એક વર્ષ પુરૂં થયું છે તે અયોધ્યાના રામ મંદિરની આવક પર નજર કરીયેતો આંખો ફાટી જાય એમ છે. હજુ તો મંદિરની સ્થાપનાને માંડ એક વર્ષ થયું છે પણ તેની આવક વર્ષો જુના પ્રાચીન મંદિરોને ટક્કર મારે એવી છે. 

અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા બાદ દર મહિને બે કરોડ શ્રધ્ધાળુઓ દર્શને આવે છે. અયોધ્યા અને તેની આસપાસના છ જીલ્લાઓના આર્થિક તંત્રની કાયાપલટ કરી નાખી છે. અયોધ્યાની ફરતે હોટલોમાં ૩૫૦ કરોડનું રોકાણ આવ્યું છે. કહે છે કે અયોધ્યામાં આવતો દરેક પ્રવાસી વિવિધ સ્તરે ૨૫૦૦ રૂપિયાનો ખર્ચ કરે તો વાર્ષિક સ્તરે  આવતા પ્રવાસીઓ પાસેથી ૫૫,૦૦૦ કરોડ રૂપિયાની આવક થઇ શકે છે.  અયોધ્યામાં હોસ્પિટાલીટી ઉદ્યોગે ૨૦,૦૦૦ જોબનું નિર્માણ કર્યું છે. 

ઉત્તર પ્રદેશની સરકારે પ્રવાસીઓ માટે શરૂ કરેલી હોમસ્ટેની સ્કીમે તો ેઅનેક ઘરોમાં આવક શરૂ કરી દીધી છે. જેમાં પ્રવાસી હોટલના બદલે આ ઘરોમાં સસ્તા દરે રહી શકે છે.વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે ગોવા કરતા વધુ પ્રવાસીઓ કાશી વિશ્વનાથના દર્શને આવે છે. સાબરમતીથી ઉપડતી શાંતિ એક્સપ્રેસ ઉજ્જૈનમાં અડધી ખાલી થઇ જાય છે. રોજ હજારો લોકો ઉજ્જૈન જાય છે.

એવીજ રીતે મથુરા, તિરૂપતિ, જગન્નાથ પુરી, અમૃતસર, શિરડીના સાંઇબાબા, હરિદ્વાર, કેદારનાથ, રામેશ્વરમ, સોમનાથ, દ્વારકા, નાથદ્વારા વગેરે સ્થળો પર જતા લાખો દર્શનાર્થીઓ ટેમ્પલ ઇકોનોમી વધારવાની સાથે ટ્રાન્સપોર્ટેશન, હોટલો અને સ્થાનિક વેપારીઓની ઇકોનોમીમાં પણ વધારો કરે છે.

40 અબજ ડોલરની ટેમ્પલ ઇકોનોમી મંદિરો રોજગારીના સર્જક 2 - image

ખ્યાતનામ મંદિરોની આવક પર એક નજર

૧.

કેરળ

શ્રી પદ્મનાભ સ્વામી મંદિર

૧૨૦૦ કરોડ

૨.

આન્ધ્ર પ્રદેશ

તિરૃપતિ બાલાજી

૬૫૦ કરોડ

૩.

જમ્મુ

વૈશ્નોદેવી

૫૦૦  કરોડ

૪.

નાશિક- શિરડી

સાંઇબાબા મંદીર

૪૦૦ કરોડ

૫.

અમૃતસર

ગોલ્ડન ટેમ્પલ

૫૦૦ કરોડ


Google NewsGoogle News