ટેરિફ વોર : AI સંકલિત આઈટી કંપનીઓ માટે વેપાર આયોજન કરવાનું પડકારરૂપ
- AI કોર્નર
- ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં સેવા પેટેના ચાર્જિસ પણ સ્પર્ધાત્મક જોવા મળી રહ્યા છે
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ-કૃત્રિમ બુદ્ધી) હવે એ માત્ર ઊભરતી ટેકનોલોજી જ નથી રહી પરંતુ વિશ્વભરમાં ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) સેવા ક્ષેત્રના વિકાસ માટે તે એક મુખ્ય માધ્યમ બની ગઈ છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, પોતાની કામગીરીમાં એઆઈને સમાવી લેતી આઈટી કંપનીઓની ઉત્પાદનક્ષમતામાં વધારો થાય છે એટલુ જ નહીં તેમને મોટા વેપાર કરાર મેળવવામાં પણ મદદ મળે છે કારણ કે વિવિધ ક્ષેત્રના ઉદ્યોગગૃહો પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા એઆઈની સેવાને પ્રાધાન્ય આપી રહ્યા છે. મોટાભાગની આઈટી સેવા કંપનીઓ એઆઈ ટેકનોલોજીને વૈકલ્પિક નહીં પરંતુ હવે આવશ્યક હોવાનું માની રહી છે. વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં મોટા વેપાર કરાર મેળવતી ભારતની આઈટી સેવા કંપનીઓ નવી ટેકનોલોજી સ્વીકારવામાં હમેશા ઝડપ દાખવતી હોય છે. કલાઉડ કોમ્પ્યુટિંગ અને ડિજિટલ પરિવર્તન તેના સ્પષ્ટ ઉદાહરણો છે. એઆઈના સ્વીકારમાં પણ આઈટી કંપનીઓ ઉત્સુકતાથી આગળ વધી રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વ્યાપક ટેલેન્ટ પુલ સાથેની દેશની આઈટી કંપનીઓ એઆઈ પ્રેરિત બજારમાં ટકી રહેવા પોતાના કર્મચારીબળમાં સ્કીલિંગ ઊભી કરવા જંગી નાણાંનો ખર્ચ કરી રહી છે. મજબૂત એઆઈ સ્ટ્રેટેજી સાથે આગળ વધી રહેલી આઈટી કંપનીઓની ઉત્પાદનક્ષમતામાં વધારો જોવા મળી રહ્યો છે. એઆઈના સ્વીકારને કારણે આઈટી કંપનીઓની વેપાર પ્રક્રિયામાં પણ ઝડપ આવી છે. એઆઈ ટેકનોલોજીને કામગીરીમાં આવરી લેનારી આઈટી કંપનીઓને પ્રારંભિક તબક્કામાં આવક મોરચે લાભ થયાના પણ અહેવાલો છે. પોતાની કામગીરીમાં એઆઈને સાંકળ્યા વગરની આઈટી કંપનીઓએ સ્પર્ધા સામે ટકી રહેવા ભારે પરિશ્રમ કરવો પડી રહ્યો છે. વૈશ્વિક વેપાર ગૃહો તેમના એઆઈ ઈન્વેસ્ટમેન્ટસમાં વધારો કરી રહ્યા છે ત્યારે આઈટી કંપનીઓ જેણે પોતાની સેવામાં એઆઈ ટેકનોલોજીને સાંકળી લીધી છે તે આઈટી ક્ષેત્રમાં હવે પછીના વિકાસના દૌરની આગેવાન આઈટી કંપનીઓ બની રહેશે એમ ઉદ્યોગના નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે.
જો કે ક્ષેત્રમાં વધી રહેલી સ્પર્ધાને કારણે આઈટી સેવા કંપનીઓ માટે પ્રાઈસિંગ પાવર (સેવા પેટેના ચાર્જિસ) ક્ષમતાને ફટકો પડી રહ્યો હોવાનું પણ ચિત્ર ઉપસી રહ્યું છે. દેશની ૨૮૦ અબજ ડોલરના આઈટી સેવા ક્ષેત્રમાં નવા કરારો ઉપરાંત જુના કરારોના રિન્યુઅલ વર્તમાન દરેથી ડિસ્કાઉન્ટે કરવાની કંપનીઓને ફરજ પડી રહી છે. હાલમાં અનિશ્ચિત વેપાર વાતાવરણ વચ્ચે આઈટી કંપનીના કલાયન્ટસ પોતાના આઈટી બજેટને ઘટાડી રહી છે એટલું જ નહીં પોતાના ખર્ચ પર કાપ મૂકી રહ્યા છે જે આઈટી કંપનીઓને નવા કરાર મેળવવા સામે મુશકેલ બની રહ્યું છે.
કલાયન્ટસને પૂરી પાડતી વિવિધ સેવાઓ પેટે કરારના ભાવ વધારવા આઈટી સેવા કંપનીઓ માટે હાલમાં તકો ઘણી જ મર્યાદિત બની ગઈ છે એટલું જ નહીં કેટલીક સેવાઓ પેટે તો કંપનીઓએ પોતાના ચાર્જિસ ઘટાડવાની ફરજ પડી રહી હોવાનો પણ ઉદ્યોગના સુત્રો દાવો કરી રહ્યા છે. જો કે સાઈબર ક્રાઈમ્સ સામે રક્ષણ પૂરુ પાડતી એઆઈ ટેકનોલોજીનો વિકાસ કરતી આઈટી કંપનીઓ પ્રાઈસિંગ પાવર ધરાવી રહી હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.
દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન પૂરી પાડતા આઈટી ક્ષેત્ર સામે હવે નવા પડકારો ઊભા થઈ રહ્યા છે જે તેમની આવક પર અસર કરશે એટલું જ નહીં ભવિષ્યમાં સ્પર્ધા સામે ટકી રહેવાશે કે કેમ તે પણ તેમની માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. એઆઈ પરની નિર્ભરતામાં વધારાથી અનેક મહત્વના મુદ્દાઓ પણ સામે આવી રહ્યા છે. એઆઈ સિસ્ટમ્સને તાલીમનો આધાર વિવિધ ડેટા પર રહે છે અને ડેટા જો પૂર્વગ્રહવાળા હોય તેવા કિસ્સામાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું આઈટી કંપનીઓ માટે સમશ્યાઓ ઊભી કરી શકે છે. ભારત સહિત વિશ્વભરના અનેક ક્ષેત્રોમાં જાતિ, રંગભેદ અથવા સામાજિકઆર્થિક સ્થિતિ પ્રમાણે ડેટા તૈયાર થતા હોય છે. એઆઈ સિસ્ટમને તાલીમમાં આ જ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ પૂર્વગ્રહ સાથેના ડેટાનો વપરાશ કરી સેવા પૂરી પાડવામાં આઈટી કંપનીઓ સામે કાન ૂની પડકારો તથા વિશ્વસ્નિયતાના જોખમો ઊભા થવાની શકયતા રહે છે.
હાલમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિકરાજકીય તાણ ઉપરાંત અમેરિકા દ્વારા છેડાયેલી ટેરિફ વોરને પરિણામે એઆઈ સંકલિત આઈટી કંપનીઓ માટે વેપાર આયોજન કરવાનું પડકારરૂપ બની રહ્યું છે. એઆઈ ટેકનોલોજીમાં ડેટાને કારણે ઊભા થનારા ભેદભાવ અથવા પૂર્વગ્રહને ઘટાડવા આઈટી કંપનીઓ વૈવિધ્યસભર ડેટાસેટસ ઊભા કરવા પાછળ જંગી નાણાંનું ઈન્વેસ્ટમેન્ટસ કરવાનો વ્યૂહ ધરાવી રહી છે. સ્પર્ધા સામે ટકી રહેવા આઈટી કંપનીઓ નવી બજારો શોધી રહી છે એટલું જ નહીં પોતાની સેવાના પોર્ટફોલિઓનું એઆઈ ટેકનોલોજી સાથે વિસ્તરણ કરી રહ્યાના અહેવાલ છે. એઆઈ ટેકનોલોજીના વિકાસમાં આઈટી કંપનીઓને ટેકો પૂરો પાડવાના હેતુ સાથે ભારત સરકારે ડિજિટલ ઈન્ડિયા ઝૂંબેશ તથા નેશનલ એઆઈ સ્ટ્રેટેજી જેવી પહેલા હાથ ધરી છે. આ પહેલો હાથ ધરવા પાછળનો હેતુ એઆઈના વિકાસમાં તથા વપરાશમાં નીતિમતા જાળવવાનો અને ગ્રાહકોના હકોના રક્ષણ કરવાનો રહેલો છે. નવીનતા તથા ધોરણાત્મક પદ્ધતિ સાથે આઈટી ક્ષેત્ર પ્રાઈસિંગ પાવર જાળવવાનો વ્યૂહ ધરાવી રહ્યું છે જેમાં કેટલુ સફળ રહે છે તે આવનારો સમય જ કહી શકશે.