સૂર્યઘર મફત વીજળી યોજનાથી ગ્રામીણ જનતાને ફાયદો

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
સૂર્યઘર મફત વીજળી યોજનાથી ગ્રામીણ જનતાને ફાયદો 1 - image


- એન્ટેના - વિવેક મહેતા

- સૂર્યઘર મફત વીજળી યોજનામાં અરજી કરનારાને મહત્તમ રૂ. ૭૮૦૦૦ની સબસિડી આપવામાં આવશે

ગુજરાતમાં ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતા હજી બે ત્રણ વર્ષ લાગી જશે. આ સ્થિતિમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો ફાયદો લઈ શકશે. તેનાથી પર્યાવરણ દૂષિત થતું અટકશે. બીજો ફાયદો કોલસાનો ઉપયોગ કરીને હવામાં સતત કાર્બન ડાયોક્સાઈડ છોડીને ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરતી સમસ્યા હળવી થશે. આ વીજળીનો ઉપયોગ ખેતરમાં સિંચાઈના પાણી માટે કરી શકશે. ભારતના એક કરોડ ઘરમાં સોલાર પેનલ બેસાડવાની આ યોજના છે.

ગામડાંના લોકોને વીજળી મળતી થતાં નાનો મોટો બિઝનેસ પણ પોતાના ઘરની આસપાસ જ ચાલુ કરી શકશે. તેનાથી તેમને નવો ધંધો કરવાની અને તેના થકી રોજગારી નિર્માણ કરવાની તક મળશે. તેમ જ ગામડાંની જનતાની શહેર તરફની દોટ હળવી થશે. શહેરની ગીચતાની સમસ્યા અંકુશમાં આવશે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનામાં એક કરોડ ઘરને મહિને ૩૦૦ યુનિટ વીજળી મફતમાં પૂરી પાડવોનો ઉદ્દેશ છે. એક કરોડ લોકોના વીજ બિલમાં રૂ.૧૫૦૦૦ કરોડની બચત થશે. સોલાર પેનલ બેસાડનારાઓ વધારાની વીજળી વીજવિતરણ કંપનીઓને વેચીને મહિને નાની મોટી રકમની આવક પણ કરી શકશે. સોલાર પેનલ બેસાડવાને કારણે નવા ઉદ્યોગ સાહસિકોની ફોજ પણ ઊભી થશે. તેની સાથે જ સોલાર પેનલની જાળવણી કરવા માટેની ટેકનિકલ સ્કીલ ધરાવનારા યુવાનો માટે રોજગારીની તક નિર્માણ થશે.

રૂ. ૭૫૦૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ યોજનાનો કોઈપણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. યોજનાનો લાભ લેવા માટે અરજદારો ઓનલાઈન અરજી pmsuryaghar.gov.in પર અરજી કરી શકે છે. આ યોજના હેઠળ એક કિલોવોટ વીજળી માટેની સોલાર પેનલ બેસાડનારને ૩૦,૦૦૦ની સબસિડી મળશે. અરજદારને વધુમાં વધુ રૂ. ૭૮૦૦૦ની સબસિડી આપવામાં આવશે. સબસિડીની રકમ અરજદારના બેન્ક ખાતામાં સીધી જમા થઈ જશે. સોલાર પેનલ ખરીદીને બેસાડવા માટે સરકાર તરફથી લોન પણ આપવામાં આવશે. લોન પણ ઓછા વ્યાજ દરે આપવામાં આવશે. લોન મેળવવા માર્ગદર્શન પણ આપવામાં આવશે. 

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનામાં અરજી કરનાર મૂળ ભારતનો નાગરિક હોવો જરૂરી છે. અરજી કરનારની વય ૧૮ વર્ષથી વધુની હોવી જરૂરી છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના અરજદારોને આ યોજનામાં અગ્રક્રમ આપવામાં આવશે.



Google NewsGoogle News