સુકેશના વધુ એક એક્ટ્રેસ સાથે પણ સંબંધ?
ચીનનું ઇલેકટ્રોનિક હોલસેલ માર્કેટ બંધ છે
ચીનના ટેકનોલોજી હબ શેનઝેનશનના સત્તાવાળાઓએ ત્યાંના સૌથી મોટા ઇલેકટ્રોનિક હોલસેલ માર્કેટને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.આ માર્કેટ વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. તેને છેલ્લા બે મહિનામાં બીજીવાર બંધ કરાયું છે. કોરોનાના સંભવિત જોખમના પગલે તે બંધ કરાયું હતું. આ માર્કેટમાં બધું જથ્થાબંધ મળે છે પરંતુ તે ટનના ભાવે મળે છે. ઉદાહરણ તરીકે કોમ્પયુટરનું કી બોર્ડ ટનના ભાવે મળે છે. તે મંગાવ્યા પછી આપણા ઉસ્તાદ વેપારીઓ દરેકનું ફીનીશીંગ કરીને અલગ બોક્સ બનાવીને ઉપર પોતાના ભાવ છાપીને બજારમાં વેચે છે. એેક અનુભવીએ લખ્યું છે કે ચીનના ઇલેકટ્રોનિક માર્કેટમાં જે વસ્તુ ૨૫ રૂપિયામાં મળે છે તેને ફીનીશીંગ કરીને ભારતમાં એકસો પચ્ચીસ રૂપિયામાં વેચાય છે. પ્રોડક્ટ પર મેઇડ ઇન ચાઇનાનો ટેગ લગાવીને ભારતમાં વેચવામાં આવે છે.
દૂધ ઉત્પાદનમાં ભારત બોટમથી ટોપ તરફ એક નજર
એક સમયે ભારતમાં દૂધની અછત (શોર્ટેજ) વર્તાતી હતી પરંતુ આજે ભારત વિશ્વમાં સૌથી મોટું દૂધ ઉત્પાદક છે અને વિશ્વમાં દૂધના કુલ ઉત્પાદનમાં ભારતનો ફાળો ૨૧ ટકા છે. ૧૯૫૦-૬૦ના દાયકામાં ભારતમાં દૂધની અછત રહેતી હતી અને તે આયાત કરવું પડતું હતું. દેશ આઝાદ થયો ત્યારે રોજના દૂધનો વપરાશ માથાદીઠ ૧૨૪ ગ્રામ હતો. ૬૦ના દાયકામાં તે વપરાશ ઘટીને ૧૦૭ ગ્રામ પર આવી ગયો હતો. જેને પોષણ યુક્ત આહાર કહેવાયો હતો તેનો વપરાશ ભારતમાં ઘટતો જતો હતો. ૧૯૫૦-૫૧માં ભારતમાં દૂધનું ઉત્પાદન માંડ ૧૭ મિલીયન ટન હતું. ભારતમાં દૂધ ઉત્પાદન વધારવા જ્યારે ઓપરેશન ફ્લડ શરૂ કરાયું ત્યારે ઉત્પાદન ૨૧.૨ મેટ્રીક ટન હતું. ૧૯૭૯-૮૦માં તે વધીને ૩૦.૪ મેટ્રીક ટન થયું હતું. ૮૯-૯૦માં તે ૫૧.૪ અને ૨૦૨૦-૨૧માં તેનું ઉત્પાદન ૨૦૯.૯૬ મેટ્રીક ટન પર પહોંચી ગયું હતું. આઝાદી સમયે માથા દીઠ દૂધનો વપરાશ ૧૦૭ ગ્રામ પર હતો તે વધીને ૪૨૭ ગ્રામ પર પહોંચી ગયો છે. ૧૯૬૫માં નેશનલ ડેરી ડેવલોપમેન્ટની સ્થાપના થયા બાદ દૂધ ઉત્પાદનમાં સિસ્ટેમેટીક વધારો થયો હતો. ભારતમાં ફાધર ઓફ વ્હાઇટ રિવોલ્યુશન તરીકે ડો.વર્ગીસ કૂરીયનને સન્માન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ડેરી ઉદ્યોગનું આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું અને તેમાં દેશના લાખો કિસાનો જોડાયા હતા. ડેરી ફાર્મીંગથી દરેકને આર્થિક લાભ મળવો શરૂ થયો હતો. ભારતમાં વર્ગીસ કુરીનની ૨૬ નવેમ્બરે આવતી બર્થડેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે.
સુકેશના વધુ એક એક્ટ્રેસ સાથે પણ સંબંધ?
મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના કનેક્શન બદલ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહીની ઈડી દ્વારા પૂછપરછ કરાઈ છે. હવે સુકેશ સાથે વધુ એક અભિનેત્રીના સંબધ હોવાની વાતો પણ ચર્ચામાં છે. સાઉથની ફિલ્મો ઉપરાંત હિંદી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસ સ્માર્ટ હોવાથી સુકેશ સાથેના સંબધોના કોઈ પુરાવા નથી. એવું ચર્ચાય છે કે તે બિગબોસ ફેમ નિક્કી તંબોલી છે.
ઈડીને સુકેશે કરેલા કેટલાક વ્યવહારો શંકાસ્પદ લાગતાં તેમાં અધિકારીઓ ઉંડા ઉતર્યા હતા. આ તપાસમાં નાણાંકીય વ્યવહારોના છેડા આ એક્ટ્રેસ સુધી પહોંચ્યા હોવાનો સૂત્રોનો દાવો છે. એક્ટ્રેસે જે પણ વ્યવહારો કર્યા એ પ્રોફેશનલ એજન્સી મારફતે અને પ્રોફેશનલ ફીના બહાને કર્યા હોવાથી ઈડી જેકલિન કે નોરાની જેમ તેને સાણસામાં લઈ શકે તેમ નથી.
બેંગલુરૂ અવ્યવસ્થાથી ઘેરાયેલું છે, આઇટી ક્ષેત્ર નારાજ
બેંગલુરૂમાં ભરાયેલા વરસાદી પાણીએ સર્જેલા લાચાર દિવસોને ઇન્ફોર્મેેશન ટેકનોલેાજી ક્ષેત્ર હજુ વાગોળ્યા કરે છે. હવે તો પાણી ઉતરી ગયા છે પરંતુ વરસાદી બે ઝાપટાં પડે છે અને લોકોને ડર લાગે છે કે પંદર દિવસ પહેલાં થયો હતો એવો ટ્રેકટરમાં ઓફિસ જવું પડે તેવો કોઇ ખેલ નહીં થાય ને? દરેકે વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને રોજીંદી ચીજોનો જથ્થો ખરીદી લીધો છો. હકીકત એ છે કે લોકો હવે બેંગલુરૂના ગેર વહિવટથી ત્રાસ્યા છે. ત્યાંના સત્તાવાળાઓ બેદરકાર છે. બેંગલુરૂમાં ટ્રાફિક જામની સમસ્યા રોજની છે એમ પીવાના પાણીની સમસ્યા પણ રોજની છે. વૃક્ષો ક્યાંય જોવા નથી મળતા. સત્તાવાળાઓ બહુ ધ્યાન નથી આપતા. બેંગલુરૂમાં ૩૫૦૦ જેટલી આઇટી કંપનીઓ છે અને ૭૯ જેટલા ટેકનીકલ પાર્ક છે. બેંગલુરૂમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. લાગે છે કે ડબલ એન્જીનની સરકાર અહીં કામ નથી કરતી.
રઘુરામ રાજન ચૂપ કેમ થઇ ગયા?
આર્થિક ક્ષેત્રે બે રસપ્રદ ઘટના બની છે. એક તો એકે માથા દીઠ આવકમાં બાંગ્લાદેશ ભારત કરતાં આગળ નીકળી ગયું છે અને બીજું એકે ભારતનું આર્થિક તંત્ર યુનાઇટેડ કિંગડમને પછાડીને વિશ્વનું પાંચમા નંબરનું અર્થતંત્ર બની ગયું છે. બંને વિરોધાભાસી ઘટના છે.એકમાં ભારતની પીછેહઠ હતી તો બીજામાં ભારતનું ગૌરવ હતું. બાંગ્લાદેશની માથા દીઠ આવક વધી ત્યારે રિઝર્વબેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા ભારત સરકારના પ્રખર ટીકાકાર એમ કહેતા હતા કે અમે તો પહેલેથી કહેતા આવ્યા છીયે કે ભારતનું અર્થતંત્ર નબળું પડી ગયું છે પરંતુ જ્યારે ભારતનું અર્થતંત્ર પાંચમા નંબરે આવી ગયું ત્યારે રઘુરામ રાજન અને તેમની ટોળકી કોઇ પ્રતિભાવ આપી શકી નહોતી. ભારતે યુકેને સાઇડમાં ધકેલીને સિધ્ધિ મેળવી હતી છતાં આ ટીકાકારો ચૂપ રહ્યા હતા.
૬૦૦૦ ટ્રક ચાલકોમાંથી ૪૭ ટકાને આંખે ચોખ્ખુ દેખાતું નથી
દેશમાં વધતા માર્ગ અકસ્માતોમાં ટ્રક સાથે અકસ્માતનું પ્રમાણ વધુ હોય છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી સાઇટસેવર્સ ઇન્ડિયા નેશનલ ટ્રકર્સ દ્વારા આયોજીત હેલ્થ કેમ્પમાં ૬૦૦૦ જેટલા ટ્રક ચાલકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૪૭ ટકા લોકોને દેખવા સંબંધિત બીમારી હોવાનું માલુમ પડયું હતું. સંસ્થા દ્વારા આ ટ્રક ચાલકોની આંખોની તપાસ કરી દવા અને રેડી-ટૂક્લિપ ચશ્મા આપે છે. આ સંસ્થા દ્વારા ૨૦૧૭થી ટ્રક ચાલકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.