ખાંડમાં ઓછા ઉત્પાદનની ભીતિ વચ્ચે ભાવ ઉંચકાયાં
- ઊભી બજારે - દિલીપ શાહ
- જો કે આ વર્ષ નવી મોસમના આરંભ વખતે પાછલી મોસમનો સિલ્લક સ્ટોક નોંધપાત્ર રહ્યો હોવાથી અછતની શક્યતા જણાતી નથી
દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. ઘરઆંગણે ખાંડના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડાના સંકેતો મળ્યા છે. દરમિયાન, ઉનાળો શરૂ થતાં હવે ખાંડ બજારમાં માંગ પણ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ઉનાળામાં ખાસ કરીને ઠંડા પીણાનો વપરાશ વધે છે તથા આવા ઠંડા પીણાનું ઉત્પાદન કરતા ઉત્પાદકોની બલ્ક વપરાશની માગ ખાંડ બજાર તથા ઉદ્યોગમાં વધવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ખાંડના બજાર ભાવ પણ ઉંચા ગયા છે. નવી મુંબઈ ખાંડ બજારમાં જથ્થાબંધ ભાવ કિવ.દીઠ રૂ.૩૯૭૫થી ૪૦૨૫ તથા સારા માલોના ભાવ રૂ.૪૦૩૫થી ૪૧૦૦ ઉપર ગયાના વાવડ મળ્યા હતા. દેશમાં શેરડીનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ બહાર પડયો છે. દરમિયાન, ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ સુગર ઉત્પાદનનો નવો અંદાજ બહાર પાડવામાં આવ્યો છે.તથા અગાઉના અંદાજથી નવો અંદાજ નીચો બહાર પડયાના વાવડ મળ્યા હતા. નવા અંદાજ મુજબ દેશમાં ખાંડનું ઉત્પાદન ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં ૧૯ ટકા ઘટી ૨૫૮ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે. આ પૂર્વે આ અંદાજો ૨૬૫.૨૦ લાખ ટનના મૂકાયો હતો તે હવે વધુ ૭.૫૦ લાખ ટન ે જેટલો ઘટાડવામાં આવ્યો છે. દેશમાં ૨૦૨૩-૨૪ના ખાંડ વર્ષમાં ઉત્પાદન ૩૧૯ લાખ ટન થયું હતું. આ વર્ષે ખાસ કરીને મહારાષ્ટ્ર, તામિલનાડુ તથા ગુજરાતમાં ઉત્પાદનમાં વિશેષ પીછેહટ દેખાઈ છે.
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૧૧૦ લાખ ટનથી ઘટી ૮૦ લાખ ટન થવાની શકયતા બતાવાઈ છે. ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૧૦૪ લાખ ટનથી ઘટી ૯૦ લાખ ટન અંદાજાયું છે. કર્ણાટકમાં આ આંકડો ૫૩ લાખ ટન સામે ૪૧ લાખ ટનનો મુકાયો છે. જો કે ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમ ઓકટોબરમાં શરૂ થઈ એ વખતે પાછલી મોસમનો સિલ્લક સ્ટોક આશરે ૮૦ લાખ ટન આસપાસ નોંધાયો હતો એ જોતાં વર્તમાન વર્ષમાં દેશમાં ખાંડની કુલ ઉપલબ્ધી આશરે ૩૩૮ લાખ ટન આસપાસ રહેવાનું અનુમાન છે. દેશમાં ખાંડની વાર્ષિક માગ ૨૯૦ લાખ ટનથી વધુ રહેવાની ગણતરી જોતાં નિકાસનો અંદાજ ૧૦ લાખ ટન જણાયો છે. ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમ સપ્ટેમ્બર ૨૦૨૫ અંતે પુરી થશે ત્યારે દેશમાં ખાંડનો સિ લ્લક સ્ટોક નોંધપાત્ર સરપ્લસ રહી જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જી મેન્યુફેકચરર્સ એસોસીએશનના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટી ૨૬૪ લાખ ટન થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં શેરડીની યીલ્ડ ઘટી છે. દસ માર્ચ સુધીના આંકડા જોતાં ખાંડનું ઉત્પાદન આ વર્ષે ૨૩૩થી ૨૩૪ લાખ ટન જેટલું થયું છે. દસમી માર્ચે ૨૨૮ ખાંડ મિલો દેશમાં પિલાણમાં કાર્યશિલ રહી હતી. મહારાષ્ટ્રમાં કાર્યશિલ ખાંડ ંમિલો તાજેતરમાં ૨૮ નોંધાઈ હતી. કોલ્હાપુર તથા સોલાપુરની મોટાભાગની ખાંડ મિલોમાં પિલાણ પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. સુગર કમિશનરના જણાવ્યા મુજબ ૧૮મી માર્ચે મહારાષ્ટ્રમાં ૧૭૨ ખાંડ મિલોએ પિલાણ પ્રક્રિયા પુરી કરી છે. ગયા વર્ષે આ સમયે આ આંકડો ૧૦૩ મિલોનો નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન ૭૯ લાખ ટનથી સહેજ વધુ થવાની શક્યતા છે.મહારાષ્ટ્રમાં ૧૮ માર્ચ સુધીમાં કુલ આશરે૮૩૭થી ૮૩૮ લાખ ટન શેરડીનું પિલાણ થયું છે. જે આંકડો ગયા વર્ષે ૧૦૨૯થી ૧૦૩૦ લાખ ટન શેરડીનો નોંધાયો હતો. ભારતમાં ખાંડ ઉત્પાદનનો અંદાજ નીચો મૂકાતાં વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. ભારત સરકારે ખાંડની ૧૦ લાખ ટનની નિકાસ કરવાની છૂટ આપી છે. આવી છૂટ સરકારે જાન્યુઆરીમાં આપી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં તાજેતરમાં ખાંડના ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. ન્યુયોર્ક ખાતે ભાવ તાજેતરમાં વધી ૩ સ પ્તાહની ટોચે તથા લંડન ખાતે ભાવ વધી સાડા ત્રણ મહિનાની ટોચે પહોંચ્યાના વાવડ હતા. જોકે વિશ્વ બજારમાં સુગરમાં ચીનની માગ અપેક્ષાથી ધીમી રહ્યાના સમાચાર પણ મળ્યા હતા.