સ્ટાર્ટઅપ્સ બાજરી, જુવાર, રાગીમાંથી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ તૈયાર કરે
- એન્ટેના-વિવેક મહેતા
- રોજના 500 કિલો મિલેટ પ્રોટીન એન્ડ એનર્જી બાર બનાવવાનું યુનિટ માત્ર છ માસના ગાળામાં અને અંદાજિત 45 લાખના ખર્ચે ઊભું કરી શકાય
મિલેટ યરમાં આ જાડાં ધાન્યોની ખેતી કરનારાઓને વધુ સારું વળતર મળે તેનો પર ફોકસ કરવું જરૂરી છે. ખેડૂતો સહકારી મંડળી સ્થાપીને તેમની રીતે બાજરી, રાગી અને જુવાનના મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરીને બજારમાં મૂકતા થાય તો તેમને માત્ર બાજરીના વેચાણ થકી થતી આવક કરતાં બેથી ચાર ગણી આવક થવાના રસ્તા ખૂલી શકે છે. હા, ખેડૂતો સ્ટાર્ટ અપ્સ ચાલુ કરીને ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં સાહસ કરે તે જરૂરી છે. સ્ટાર્ટઅપ્સના માધ્યમથી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે એકમ ઊભું કરવામાં થનારા ખર્ચમાં સરકાર સબસિડી આપે તે જરૂરી છે. કૃષિ સહકારી મંડળીના માધ્યમથી થતાં સાહસોને સબસિડી અપાય તે જરૂરી છે. તેથી પ્રાથમિક સહકારી મંડળીઓ સ્ટાર્ટ અપ્સ ચાલુ કરે તે માટે વિશેષ સબસિડીની યોજના તૈયાર કરવી જરૂરી છે. જોકે સરકારી તરફથી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ તૈયાર કરવાની ટેક્નોલોજી અને ગાઈડન્સ આપવામાં આવે છે, તેથી ખર્ચાળ પણ ઓછું છે.
આજે બાજરી, રાગી, જુવાર સહિતના જાડાં ધાન્યમાંથી જુદી જુદી ૬૦ વસ્તુઓ બનાવીને માર્કેટિંગ કરી શકાય તેવી સુવિધા ભારત સરકારના નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસે છે. આ વસ્તુઓ બનાવવા માટેની ટેક્નોલોજી ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં સ્ટાર્ટ અપ તરીકે સક્રિય થવા માગતા દરેક એકમને આપવા તૈયાર છે. આ ટેક્નોલોજી લઈને યુનિટની સ્થાપના કરીને બાજરી, રાગી, જુવાર જેવા જાડાં ધાન્યમાંથી યુવાનોને પ્રિય લાગે તેવા હેલ્થી પ્રોડક્ટ્સ માર્કેટમાં મૂકી શકે છે. નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન સ્ટાર્ટ અપ્સને આ ટેક્નોલોજી પૂરી પાડવા સહિત તેમને એકમ સ્થાપવા માટેના માર્ગદર્શન પણ આપે જ છે. જુવાર, બાજરી રાગીમાંથી ગ્લુટેન મુક્ત નાસ્તો, ઢોસા, હલવો, ઉપમા, ઢોકળાં, સેવૈયા, ખીચડી, ઇડલી મિક્સ બનાવી માર્કેટિંગ કરી શકાય તેમ છે. પોતાના પ્રોડક્ટ્સની આગવી બ્રાન્ડ ઇમેજ ઊભી કરીને બજારમાં પ્રભુત્વ જમાવી શકાય તેમ છે. રાગી,જુવાર ને બાજરીમાંથી રેડી ટુ ઇટ પ્રોડક્ટ્સ તૈયાર કરીને માર્કેટિંગ કરવાનો જમાનો આવી ગયો છે. બાજરી, રાગી ને જુવારના પાસ્તા, નૂડલસ, સેવૈયા, જેવા પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
એક સેમિનારમાં જાણકારોએ જણાવ્યું હતું કે હવે રાગીના પાપડ પણ બની શકે છે. રાગી, બાજરી અને જુવારમાંથી રોટલી-રોટલા ઉપરાંત હલવો, ઉપમા, ઢોસા, ઢોકળા, ઇડલી મિક્સ, પાસ્તા, નૂડલ્સ બનાવી શકાય છે. બેકરીના સેગમેન્ટમાં રાગી, જુવાર અને બાજરાંથી છ મહિના સુધી ન બગડે તેવા બિસ્કિટ્સ બનાવી શકાય છે. બાજરી-જુવાર-રાગીની બ્રેડ, મફિન્સ અને કેક પણ બનાવીને માર્કેટિંગ કરી શકાય છે. રાગીમાંથી ફ્લેક્સ પણ બની શકે છે. શિશુઓ માટે અને ૩થી ૬ વર્ષના બાળકો માટે પોષક આહાર પણ તૈયાર કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય મિલેટ યર હોવાથી તેમાંથી જુદાં જુદાં પ્રોડક્ટ્સ તૈયાર કરીને માર્કેટિંગ કરવા માટે આગળ આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. રાગી-જુવાર-બાજરીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, આયર્ન, ઝિન્ક જેવા પોષક ઘટકો મોજૂદ હોવાથી માનવ તન્દુરસ્તી માટે તે અત્યંત લાભદાયી ગણાય છે. તેના પોષક ઘટકોને આગળ કરીને પણ તેનું માર્કેટિંગ કરી શકાય તેમ છે. મૂલ્યવધત પ્રોડક્ટ્સ માટેના એક સ્ટાર્ટ અપની વાત કરીએ. મિલેટ પ્રોટીન એન્ડ એનર્જી બાર બનાવવાનું યુનિટ માત્ર છ માસના ગાળામાં અને અંદાજિત ૪૫ લાખના ખર્ચે ઊભું કરી શકાય છે. તેમાં દર રોજ ૫૦૦ કિલોના મિલેટ પ્રોટીન એન્ડ એનર્જી બાર તૈયાર કરીને પોતાની બ્રાન્ડ સાથે માર્કેટમાં મૂકી શકાય છે. ખેડૂતો એકજૂટ થઈને મિલેટ પ્રોટીન એન્ડ એનર્જી બાર ગામડાંમાં જ તૈયાર કરી શકે છે.
તેને માટે સરકારી પડતર કે ખરાબાની જમીન માગી શકે છે. તેમ જ વીજપુરવઠા માટે સોલાર પાવરની સિસ્ટમ નાખવાનો ખર્ચો કરી શકે છે. જાડાં ધાન્ય પોતે જ ઉગાડે છે. તેથી બીજા પર મદાર બાંધવો પડે તેમ નથી. જમીન મળી ગયા પછી સોલાર પાવર ને મશીનરી માટે અંદાજે ૫૫ લાખનું રોકાણ કરીને તો આધુનિક પ્રોડક્ટ્સ તૈયાર કરી માર્કેટિંગ કરી શકે છે. તેમાં આગળ વધવાની શક્યતાઓ અનંત છે. તેથી જ બાજરી, જુવાર અને રાગીના આવતીકાલના અનાજ તરીકે ઓળખાવવામાં આવે છે.