Get The App

ખાદ્યચીજોની ભડકેલી મોંઘવારી નવી સરકાર માટે શિરદર્દ

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
ખાદ્યચીજોની ભડકેલી મોંઘવારી નવી સરકાર માટે શિરદર્દ 1 - image


- જીરામાં અકાળે સટ્ટાકીય તેજી-મંદી પાછળ મોટા ગજાના તત્ત્વોની એન્ટ્રીની આશંકા- નાના વેપારીઓ જોખમમાં

વ ડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆત થતાં જ ખાદ્યચીજોમાં મોંઘવારી ભડકી છે. ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં ગરીબ થાળી બચાવવાનો ઉલ્લેખ કર્યો હતો જે સંદર્ભે ગરીબ વર્ગને વ્યાજબી ભાવે આવશ્યક ખાદ્ય ચીજો ઉપલબ્ધ કરાવવા ધ્યાન કેન્દ્રિત કરવું પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ખાસ કરીને ઘઉં, ચોખા, ખાદ્ય તેલ, ખાંડ, દાળો, શાકભાજી જેવી ચીજવસ્તુઓની બજાર સ્થિર નિશ્ચિત સીમામાં રહે તે જરૂરી બન્યું છે. દાળો મોંઘી બની છે. સાથે સાથે ખાદ્ય તેલો પણ છેલ્લા એક મહિનામાં ૧૫ ટકા ઉછળ્યા છે. બજાર વર્તુળોના અહેવાલો પ્રમાણે આર્જેન્ટિના તથા બ્રાઝીલથી આવતા ખાદ્યતેલના સપ્લાયમાં કોઈ કારણોસર અવરોધો થઇ રહ્યાહોવાની સાથે સાથે સ્થાનિક સ્તરે નાફેડ તથા હાફેડ જેવી સંસ્થાઓની મોટી માત્રામાં સરસોની ખરીદી ભાવ વધારા માટે કારણભૂત હોવાનું ચર્ચામાં છે. સરસોની બજાર પણ ટેકાના ભાવના સ્તરે પહોંચી ગઈ છે. આર્જેન્ટિનામાં ઓઇલ ઉત્પાદનમાં કામ કરતા મજુરોના લેબર બાબતે વિવાદ થતાં હડતાલ હોવાથી સપ્લાય ખોરવાઈ ગયું છે. જ્યારે બ્રાઝીલમાં વધુ વરસાદથી પુરને કારણે તેલના ઉત્પાદન ઉપર અસર પડી હોવાના અહેવાલો છે. આ ઉપરાંત ચીનની પણ સોયાબીનની મોટી માત્રામાં ખરીદી થઇ રહી હોવાથી ખાદ્ય તેલોના બજારમાં ગરમી પકડાઈ રહી છે. રશિયા તથા યુક્રેન તરફથી આવતા સુરજમુખી તેલબજારમાં હાલમાં ઓફ સીઝન હોવાથી પુરવઠાનું પ્રમાણ નબળું ચાલી રહ્યું હોવાથી તેજીે સપોર્ટ મળી રહ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

દરમ્યાન તેલોની સમાંતર દાળોની મોંઘવારી પણ સરકાર માટે શિરદર્દ સમાન પ્રશ્ન છે. ઘઉં, ચોખા તથા મોટા અનાજના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર બન્યો છે પરંતુ દાળો તથા ખાદ્ય તેલોના મામલે હજુ અપેક્ષિત ઉત્પાદન નહિ હોવાથી વિદેશો ઉપર આધાર રાખવો પડી રહ્યો છે. જેમાં મોટા પ્રમાણમાં ખર્ચ થઇ રહ્યો છે. નવી મોદી સરકારના કૃષિ પ્રધાન તરીકે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હવે કૃષિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારે ભારત દાળો-તથા તેલીબીયાંમાં વર્ષ ૨૦૨૭-૨૮ સુધી આત્મનિર્ભર બનવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. દાળોની મોંઘવારી કંટ્રોલ કરવા વિદેશથી ચણા, મટર જેવા કઠોળ તાત્કાલિક આયાત કરવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. રશિયા તથા કેનેડા જેવા દેશોમાંથી પીળી મટર તથા ઓસ્ટ્રેલિયાથી ચણા આયાત થઇ રહ્યા છે. માટે આયાત ડયુટીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતની ચણાની વ્યાપક માંગ હોવાથી ઓસ્ટ્રેલિયા દેશી ચણાના ભાવોમાં ૫૦થી ૧૦૦ ડોલર પ્રતિ ટન સુધીનો ઉછાળો થયો છે. અગાઉ ભારે આયાત ડયુટીને કારણે ઓસ્ટ્રેલિયાથી ચણાની આયાતમાં તકલીફ પડતી હોવાનું ચર્ચામાં છે.

દરમ્યાન મસાલા બજારમાં પણ આવકોનું પ્રમાણ દિનપ્રતિદિન સતત તુટી રહ્યું છે. ખાસ કરીને જીરાના વાયદા વેપારોમાં સટ્ટાબાજીનું પ્રમાણ વધુ હોવાનું ચર્ચામાં છે. કોઈપણ જાતના પરિબળ વગર ભાવોનું પ્રમાણ સતત ઉપર નીચે થતું હોવાથી નાના નાના વેપારી વર્ગને ભારે આર્થિક નુકશાન થઇ રહ્યું છે. મોટા ગજાના વેપારીઓની સટ્ટાકીય રમતોને કારણે બજારમાં સ્થિરતાનો અભાવ રહ્યો છે. જીરાના મોટા બજારોમાં આજકાલ કન્ટેનરોના વેપારો ભારે ચર્ચાસ્પદ બન્યા છે. ચીનમાં જીરૂનું ઉત્પાદન બમણું થયું હોવાના અહેવાલોથી સ્થાનિક સ્તરે મોટી તેજીના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. આગામી સમયમાં ઇદના તહેવારોને કારણે બાંગ્લાદેશ કે અન્ય દેશોની માંગ પણ સુસ્ત થઇ રહી છે. કન્ટેનરોના વેપારોને કારણે જીરાનો બિઝનેશ મોટા ગજાના વેપારીઓના હાથ જતો રહ્યો હોવાની રાવ ઉઠી છે. હાજર બજારોમાં કોઈ મોટી હાલચાલ નથી. ઊંઝા બજારમાં જીરૂની વીસેક હજાર બોરી આસપાસની આવકોનું પ્રમાણ વધેલ ચે. પરંતુ સામે લોકલ તથા વિદેશી ડિમાન્ડ સુસ્તહોવાથી માહોલ ઠંડો છે. હવે આગામી સમયમાં ચોમાસુ કેવું રહે છે તેમજ નિકાસના વેપારો ઉપર બજારની તેજી-મંદીનો આધાર રહ્યો છે. વરસાદ થયા બાદ ખેડૂતો બિયારણ માટે જીરૂનો માલ સાચવ્યા બાદ જો તેજી થશે તો બાકીનો માલ ખેડૂતો વેચવા કાઢે તેવી અપેક્ષા છે. ગત વર્ષના ૧૨૦૦૦ના ઉંચા મથાળે રેકોર્ડ ભાવો જોયા બાદ હાલમાં પાંચથી છ હજારના ભાવે જીરૂનો માલ કાઢી નાખવા ખેડૂતોની મનોવૃત્તિ જણાતી નથી. જેને કારણે ખેડૂત વર્ગ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.


Google NewsGoogle News