ભારતમાં કૃષિક્ષેત્રે મેકેનાઇઝેશનની ધીમી પ્રગતિ

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
ભારતમાં કૃષિક્ષેત્રે મેકેનાઇઝેશનની ધીમી પ્રગતિ 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

- દેશમાં આ ક્ષેત્રે માત્ર ૪૭ ટકા વ્યાપ નોંધાયો : વૈશ્વિક સરેરાશને આંબવા ૨૪-૨૫ હજી લાગશે

દેશમાં ૧૪૦ કરોડ લોકોને ખાધાન્ન પૂરું પાડતા ઘરઆંગણાના કૃષી ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં પરિવર્તનનોે પવન ફૂંકાતો જોવા મળ્યો છે. જો કે ભારતમાં કૃષી ક્ષેત્રે હજી પણ વરસાદ-મોન્સૂન પર વિશેષ આધાર રહ્યો છે કારણ કે દેશમાં સિંચાઈ ક્ષેત્રે હજી અપેક્ષા મુજબ ગ્રોથ થયો નથી અને તેના પગલે ખેડૂતોની નજર હંમેશા આકાશ તરફ રહેતી જોવા મળે છે! આ ઉપરાંત દેશમાં કૃષી ક્ષેત્રે હજી મેકેનાઈઝેશન તથા આધુનિકરણનો વ્યાપ પણ ધીમી ગતિએ વધી રહ્યાના વાવડ મળ્યા હતા. વૈશ્વિક સ્તરે ખેતી કરવાની પદ્ધતિ ઘણી બદલાઈ ગઈ છે અને વિશ્વ ભરમાં આ ક્ષેત્રમાં ઓટોમેશનનો વ્યાપ વધ્યો છે. ત્યારે ઘરઆંગણે આ દિશામાં આપણા કૃષી ક્ષેત્રની પ્રગતી હજી ધીમી રહી હોવાનું કૃષી ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું,  ભારતમાં વર્ષોથી હળ અને બળદ મારફત ખેતી થતી હતી અને ટ્રેકટરોનું આગમન પણ મોડેથી થયું હતુ. તથા હજી પણ ટ્રેકટરોનો વપરાશ અપેક્ષા કરતા ઓછો રહ્યો છે. બિયારણ, વાવેતર, પ્લાન્ટીંગ, વીડીંગ, થ્રેસીંગ વિ. વિવિધ કૃષી પ્રક્રિયાઓમાં  મેકેનાઈઝેશનનું પ્રમાણ કુલ સરેરાશ ૪૭ ટકા નોંધાયું છે. આમ આવા મેકેનાઈઝેશનમાં આપણે હજી ૫૦ ટકાના સ્તરે પણ પહોંચી શક્યા નથી એવું જાણકારો જણાવી રહ્યા હતા. જો કે નોર્થ ઈન્ડિયામાં આવા મેકેનાઈઝેશનની ટકાવારી દેશના અન્ય રાજ્યોની સરખામણીએ વધુ જણાઈ છે તથા ઘઉં તથા ચોખાની ખેતીમાં આવા મેકેનાઈઝેશનની ટકાવારી વધી ૫૦ ટકાની ઉપર ચોખાના સંદર્ભમાં ૫૩ ટકા તથા ઘઉંના સંદર્ભમાં ૬૯ ટકા સુધી નોંધાઈ છે.

વૈશ્વિક સ્તરે કૃષી મેકેનાઈઝેશનમાં બ્રાઝીલમાં આવી ટકાવારી ૭૫ ટકા તથા ચીનમાં આશરે ૬૦ ટકા કુલ રહી છે. જ્યારે ભારતમાં આવી કુલ સરેરાશ ૪૭ ટકા નોંધાઈ છે. ભારતમાં સૌથી ઓછું મેકેનાઈઝેશન શેરડીની ખેતીમાં આશેર ૩૫ ટકા નોંધાયું છે જ્યારે કપાસની ખેતીમાં આવી ટકાવારી ૩૬ ટકા, તેલિબિંયામાં ૩૯ ટકા, કઠોળમાં ૪૧ ટકા, મકાઈમાં ૪૬ ટકા નોંધાઈ છે. ખેતીમાં મેકેનાઈઝેશનનું પ્રમાણ વધે છે ત્યારે સીડ તથા ફર્ટીલાઈઝરના ઉપયોગમાં ૧૫થી ૨૦ ટકાની રાહત થાય છે ઉપરાંત સમયગાળો ઘટે છે અને વર્ષમાં વધુ પાકો લેવાનું શક્ય બને છે તથા હેકટરદીઠ કૃષી પેદાશ પણ વધે છે અને લેબરની જરૂરિયાત પણ ઘટે છે, એવું કૃષી તજજ્ઞાોએ જણાવ્યું હતું. ભારતમાં હવે વિવિધ કૃષી પાકોના વાવેતરનો વિસ્તાર ગણવા માટે ડ્રોનનો ઉપયોગ શરૂ થયો છે. સેટેલાઈટ મારફત પણ આવી પ્રક્રિયા કરાતી થઈ છે, કૃષી પાકોમાં જીવાતના ઉપદ્રવ પર નજર રાખી ઈન્ફર્મેશન કલેકટ કરવા કૃષી મંત્રાલયે તાજેતરમાં મોબાઈલ એપ નેશનલ ટેસ્ટ સર્વિલન્સ સિસ્ટમની રચના કરી હોવાનું દિલ્હીથી જાણવા મળ્યું છે. દરમિયાન, ભારતમાં ૮૬ ટકા ખેડૂતો પાસે બે હેકટર્સ અથવા તો તેનાથી ઓછી ખેતીની જમીન રહી છે એ જોતાં નાના-નાના ખેતરોનું જોડાણ-એમાલ્ગમેશન ન થાય ત્યાં સુધી આ ક્ષેત્રમાં મેકેનાઈઝેશન કરવું અઘરું હોવાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું. હાલ કૃષી ક્ષેત્રમાં જે મેકેનાઈઝેશનના સાધનો-મશીનરીઓ છે તે મોટા-માટો ખેતરોમાં ઉપયોગી નિવડે એવી રહી છે. સરકારી તજજ્ઞાોના જણાવ્યા મુજબ ભારતમાં કૃષી  ક્ષેત્રમાં ૭૫થી ૮૦ ટકા મેકેનાઈઝેશનની સપાટીએ પહોંચવા હજી ૨૪થી ૨૫ વર્ષો નિકળી જશે! ભારત સરકારે ૨૦૧૪-૧૫માં આ દિશામાં ગંભીર પ્રયત્નો શરૂ કર્યા તથા વિશિષ્ટ મિશન ૨૦૧૪-૧૫માં શરૂ કર્યું હતું. કૃષી મશીનરીઓનો ડેમો તથા ટ્રેઈનિંગ માટે  રાજ્ય સરકારો દ્વારા કેન્દ્ર સરકાર એકમેકને  સહયોગ આપે એવો તખ્તો એ વખતે તૈયાર કરવામાં આવ્યો  હતો. જો કે એ વાતને ૧૦-૧૦ વર્ષ થઈ ગયા છે છતાં આ દિશામાં પ્રગતિ અપેક્ષા કરતાં ખાસ્સી ધીમી રહી હોવાના નિર્દેશો મળ્યા હતા. કૃષી ક્ષેત્રમાં ડેટા મેળવવા આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સનો પગપેસારો પણ વૈશ્વિક સ્તરે થઈ રહ્યો છે અને આગળ ઉપર ભારતમાં પણ આ પ્રક્રિયા દેખાશે એવી શક્યતા જાણકારો બતાવતા હતા.


Google NewsGoogle News