GST હેઠળ સમાધાન યોજનાની સરળ સમજૂતી
- વેચાણવેરો-સોહમ મશરુવાળા
ભાગ-1
GST કાયદા હેઠળ કલમ ૭૩ હેઠળ પસાર કરવામાં આવેલ આદેશ માટે સરકાર દ્વારા તારીખ ૧.૧૧.૨૦૨૪થી સમાધાન યોજના અમલમાં લાવવાનું નક્કી કર્યું છે. બેફામ આદેશ પસાર કરવામાં આવેલા હશે તેવા કિસ્સામાં સમાધાન શું કરવું તે એક પેચિદો પ્રશ્ન છે. આ બાબતે તારીખ ૧.૧૧.૨૦૨૪થી કલમ ૧૨૮એ અમલમાં આવશે અને તેને સંલગ્ન નિયમ ૧૬૪ પણ અમલમાં આવશે. તાજેતરમાં સરકાર દ્વારા નોટીફીકેશન નં. ૨૦/૨૦૨૪-સેન્ટ્રલ ટેક્ષ વડે નિયમ ૧૬૪ જાહેર કર્યો છે, નોટીફીકેશન નં ૨૧/૨૦૨૪-સેન્ટ્રલ ટેક્ષ દ્વારા વેરો ભરવાની આખર તારીખ આપી છે.
સમાધાન યોજનાનો લાભ લેવા માટે અને તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ પરિબળ ક્રમાંક ૨૩૮/૩૨/૨૦૨૪-GST જાહેર કરવામાં આવેલ છે જેના વિષે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે. જેના વિષે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે. આ યોજના નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮,૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે છે.
કયા કિસ્સામાં સમાધાનનો લાભ મળશે ?
સમાધાન યોજનાનો લાભ માત્ર કલમ ૭૩ હેઠળના આદેશ/કાર્યવાહીને મળવાપાત્ર થશે. આ સમાધાન યોજનાનો લાભ ઃ-
૧) કોઈ કિસ્સામાં કલમ ૭૩(૧) હેઠળ નોટીસ આપવામાં આવી હોય અથવા કલમ ૭૩(૩) હેઠળ સ્ટેટમેન્ટ આપવામાં આવેલ હોય પણ આદેશ પસાર કરવામાં આવેલો ન હોય તો લાભ મળશે.
૨) કલમ ૭૩(૯) હેઠળ આદેશ પસાર કરવામાં આવેલ હોય અને તે સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરેલી હોય જે પડતર હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળશે.
૩) પ્રથમ અપીલનો આદેશ પસાર થઈ ગયેલો હોય કલમ ૭૩ની કાર્યવાહી અન્વયે અને ટ્રીબ્યૂનલ સમક્ષ અપીલ બાકી પડતર હોય તેવા કિસ્સામાં લાભ લઈ શકાશે.
૪) કોઈ કિસ્સામાં કલમ ૭૪ હેઠળ આદેશ પસાર કરેલો હોય અને અપીલ કર્યા બાદ એપેલેટ ઓથોરીટી અથવા ટ્રીબ્યૂનલ અથવા કોઈ કોર્ટ તેમ ઠરાવે કે કલમ ૭૩ હેઠળ લાગુ પડે તેવા કિસ્સામાં આવા આદેશ પસાર થયા બાદ, આ યોજનાનો લાભ લઈ શકાશે.
યોજનાની શરતો અને અરજી
અગાઉ દર્શાવેલ પરિસ્થિતિ (૧) હોય તો સમાધાન યોજનાનો લાભ લેવા માટે તારીખ ૩૧.૩.૨૦૨૫થી ત્રણ માસમાં નમૂના SPLO1 માં અરજી કરવાની થાય. વધુમાં DRCO3 વડે તમામ વેરાની રકમનું ભરણું કરી દેવાનું થાય. અગાઉ દર્શાવેલ પરિસ્થિતિ (૨) અને (૩) હોય તો સમાધાન યોજનાનો લાભ લેવા માટે અપીલ પરત ખેંચવાની થાય, નમૂના SPLO2 માં અરજી કરવાની થાય, અને બાકી રહેતો વેરો જમા કરવાનો થાય. આ તમામ ત્રણ કિસ્સામાં વેરો ભરવાની આખર તારીખ ૩૧.૩.૨૦૨૫ છે. ક્રમાંક (૪) ઉપર દર્શાવેલ પરિસ્થિતિમાં કલમ ૭૩ હેઠળ જ્યારે જવાબદારી ફરી નક્કી કરતો આદેશ પસાર થાય તે તારીખ થી ૬ માસમાં વેરો ચૂકાવવાને અને ત્યારથી ત્રણ માસમાં અરજી કરવાની થાય.
ખાસ નોંધવું કે સમાધાન યોજનામાં અરજી કરતા પહેલા અપીલ પરત ખેંચી લીધી હોવી જોઈએ અને અપીલ પરત કર્યાનો આદેશ જે તારીખે પસાર કરવામાં આવે ત્યારથી ૧ માસમાં GST પોર્ટલ ઉપર દાખલ કરવાનો થાય. અધિકારીઓ અરજી પ્રાપ્ત કર્યા બાદ કોઈ ઉણપ જણાતા GST SPL O3 માં નોટીસ આપવાની જેનો જવાબ SPL O4 માં કરવાનો થાય એક માસમાં બધુ બરાબર જણાતા અધિકારીએ SPL O5 હકારાત્મક આદેશ કરવાનો થાય અને અન્ય કિસ્સામાં SPL O7 માં આદેશ કરવાનો થાય.