Get The App

સિમેન્ટ ઉત્પાદન ક્ષમતામાં બમણી વૃદ્ધિના સંકેતો

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
સિમેન્ટ ઉત્પાદન ક્ષમતામાં બમણી વૃદ્ધિના સંકેતો 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

ફેબુ્રઆરીમાં રજૂ થનારા બજેટમાં નાણાંપ્રધાન બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે કેવો વ્યુહ અપનાવે છે તેના પર બજારની નજર

દેશમાં સિમેન્ટ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણોબદલાતા જોવા મળ્યા છે. દેશમાં ચોમાસાની મોસમ પૂરી થયા પછી ગયા વર્ષથી  શરૂ થયેલી માગ વૃદ્ધી નવા વર્ષના આરંભમાં પણ જળવાઈ રહ્યાના વાવડ બજારમાંથી આવી રહ્યા હતા. માગ વૃદ્ધી વચ્ચે વિવિધ સિમેન્ટ ઉત્પાદકો ભાવ વૃદ્ધી કરતા જોવા મળ્યા હતા. દેશમાં બાંધકામ પ્રવૃત્તી તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ગતી વિધી વધી છે. આની પોઝિટીવ અસર સિમેન્ટ બજાર પર પડી છે. જો કે તાજેતરમાં અમુક શહેરોમાં પ્રદૂષણ વધી જતાં જે તે રાજયોની સરકારોએ તથા લોકલ ઓથોરિટીએ બાંધકામ પ્રવત્તિઓ પર લગામ તાણ્યાના વાવડ પણ આવ્યા હતા. આના પગલે સિમેન્ટ બજારમાં ચિંતા પણ દેખાઈ હતી. ગયા વર્ષે ઓકટોબર પછી સિમેન્ટના ઉત્પાદક ભાવ ઉંચા જતાં જોવા મળ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સિમેન્ટ ઉત્પાદકોએ નોર્થ, સેન્ટ્રલ તથા ઈસ્ટ ઈન્ડિયામાં ભાવ વધાર્યા હતા. જોકે સાઉથ ઈન્ડિયામાં આવી ભાવ વૃદ્ધી કરવામાં આવી ન હતી. ડિસેમ્બરમાં આવી સરેરાશ ભાવ વૃદ્ધી ગુણીદીઠ રૂ.૭થી ૮ આસપાસ  નોંધાઈ હતી. નવેમ્બરમાં ગુણીના ભાવ રૂ.૩૫૮થી ૩૬૦ આસપાસ રહ્યા હતા તે ડિસેમ્બરમાં રૂ.૩૬૫થી ૩૬૮ આસપાસ રહ્યા હતા. સિમેન્ટની માગ જળવાઈ રહેતાં સિમેન્ટના ભાવમાં વધારો બજાર દ્વારા પચાવાયો છે તથા અગાઉના ભાવ વધારાની જેમ ઉત્પાદકોએ ભાવ વધારો રોલબેક કરવો પડયો નથી અને ડિસ્કાઉન્ટ તથા ઓફરોની લાલચો આપવી પડી નથી એ બતાવે છે કે બજાર સ્ટ્રોન્ગ છે તથા માગ રચનાત્મક જણાઈ છે, એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

હવે કેન્દ્ર સરકારનું બજેટ ટૂંકમાં રજૂ થવાનું છે તથા નવા બજેટમાં નાણાંપ્રધાન દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે પીઠબળ આપવાની નીતિ આગળ ધપાવે એવી શક્યતા સ્ટીલ તથા સિમેન્ટ બજારમાં ચર્ચાઈ રહી છે. આમ થશે તો દેશમાં સિમેન્ટની માગમાં વિશેષ વૃદ્ધી થવાની શક્યતા પણ બજારમાં બતાવાતી થઈ છે. દરમિયાન, દેશમાં સિમેન્ટની માગ ૨૦૨૧-૨૨થી ૨૦૨૩-૨૪ના નાણાં વર્ષ દરમિયાન વાર્ષિક સરેરાશ આશરે ૧૧ ટકાના દરે વધતી જોવા મળી છે. જો કે ૨૦૨૪-૨૫ના  નાણાં વર્ષમાં ડિમાન્ડ ગ્રોથની આવી વાર્ષિક ટકાવારી ઘટી ૪.૫૦થી ૫.૫૦ ટકા સુધી રહેવાની ભીતિ પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે. નવા વર્ષના પૂર્વાધમાં માગમાં પીછેહટ વિશેષ જોવા મળશે જ્યારે ઉત્તરાર્ધમાં માગ ફરી ઊંચી જતાં જોવા મળશે એવી શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા.

છેલ્લા બે વર્ષમાં વિવિધ સિમેન્ટ ઉત્પાદકોએ મળીને કુલ આશરે ૧૦થી ૧૧ કરોડ ટનની ઉત્પાદન ક્ષમતા વધારી છે. આગળ ઉપર ૨૦૨૫થી ૨૦૩૦ વચ્ચેના ગાળામાં આવી ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધી ૨૧થી ૨૨ કરોડ ટન જેટલી થવાની શક્યતા છે. માગ જો સ્થિર રહેશે તો ઉત્પાદન ક્ષમતાના કુલ વપરાશમાં પીછેહટ દેખાવાની ભીતિ પણ બતાવાઈ રહી છે. દેશમાં સિમેન્ટના ભાવ ૨૦૧૯થી ૨૦૨૦થી ૨૦૨૨-૨૩ દરમિયાનના ગાળામાં વાર્ષિક ધોરણે પાંચ ટકાની સરેરાશમાં વધ્યા છે. તથા આ ગાળામાં ઉંચામાં ભાવ એક તબક્કે ગુણીદીઠ  રૂ.૩૯૦ની ઉપર જઈ રૂ.૪૦૦ની નજીક પહોંચતા નવો રેકોર્ડ પણ ભાવમાં સર્જાયો હતો.

 જો કે ત્યારબાદ પીછેહટ વચ્ચે ભાવ રૂ.૩૮૪ પણ દેખાયા હતા. હવે માગ સામે સપ્લાય સારી રહી છે એ જોતાં બજાર ભાવ આગળ ઉપર કદાચ દબાણ હેઠળ આવે એવી શક્યતા પણ જાણકારો બતાવતા હતા. હાલ બજારમાં  સાવચેતીનો મુડ પણ આગળ ઉપરના ભાવિ  માટે જણાયો છે.  દેશમાં પૂર્વીય રાજ્યોમાં સિમેન્ટની ઉત્પાદન ક્ષમતામાં છેલ્લા બે વર્ષમાં ખાસ્સી ૩૦૦ લાખ ટનની વૃદ્ધી થઈ છે. આજોતાં પૂર્વિય રાજ્યોમાં આગળ ઉપર સિમેન્ટમાં ઓવર સપ્લાયના પગલે ભાવ પર વિશેષ દબાણ જોવા મળે તો નવાઈ નહિં એવું સિમેન્ટ ઉદ્યોગના સૂત્રો જણાવી રહ્યા હતા.


Google NewsGoogle News