દેશમાં રૂના ઉત્પાદનમાં ઘટાડાના સંકેતોઃ પાક 26 લાખ ગાંસડી ઓછો આવવાની ભીતિ
- ઊભી બજારે - દિલીપ શાહ
- નવી મોસમમાં ચાર મહિનામાં ૧૮૮થી ૧૮૯ લાખ ગાંસડી નવો માલ દેશના વિવિધ બજારોમાં આવી ગયાના નિર્દેશો
દેશમાં રૂ બજાર તથા ઉદ્યોગક્ષેત્રે સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. રૂની ૨૦૨૪-૨૫ની નવી મોસમનો આરંભ ઓકટોબર ૨૦૨૪થી થયો છે. તથા આ નવી મોસમમાં પાકના અંદાજાઓ બદલાતા જોવા મળ્યા છે. કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ વર્તમાન નવી મોસમમાં દેશમાં રૂનો પાક ઓછો આવવાની શક્યતા છે તથા આ વર્ષે નવો પાક ઘટી ૩૦૧થી ૩૦૨ લાખ ગાંસડી આસપાસ આવવાની ભીતિ બતાવાઈ છે. ઘરઆંગણે ૨૦૨૩-૨૪ની પાછલી મોસમમાં રૂનો પાક ૩૨૭થી ૩૨૮ લાખ ગાંસડી આવ્યો હતો. ગુજરાતમાં તથા ઉત્તર ભારતના વિવિધ ઉત્પાદક વિસ્તારોમાં આ વર્ષે હેકટરદીઠ પેદાશ અપેક્ષાથી ઓછી આવ્યાના વાવડ મળ્યા હતા. જો કે નવા રૂની ગુણવત્તા સારી આવ્યાનું પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
રૂમાં ૨૦૨૪-૨૫ની મોસમ ઓકટોબરથી શરૂ થઈ છે તથા ઓકટોબર, નવેમ્બર ડિસેમ્બર તથા જાન્યુઆરીના ચાર મહિનાના ગાળામાં દેશમાં નવા રૂની આવકો બજારમાં આશરે ૧૮૮થી ૧૮૯ લાખ ગાંસડી જેટલી આવી ગઈ છે. આ ઉપરાંત આ ગાળામાં આશરે ૧૬ લાખ ગાંસડી રૂની આયાત પણ થઈ છે. નવી મોસમના આરંભમાં પાછલી મોસમનો સિલ્લક સ્ટોક આશરે ૩૦થી ૩૧ લાખ ગાંસડીનો રહ્યો હતો એ જોતાં ઓકટોબરથી જાન્યુઆરીના ચાર મહિનાના ગાળામાં ઘરઆંગણે રૂનો કુલ વપરાશ આશરે ૧૧૪થી ૧૧૫ લાખ ગાંસડીનો તથા નિકાસ આશરે ૭થી ૮ લાખ ગાંસડી નોંધાઈ છે.
જાન્યુઆરી અંતે દેશની કાપડ મિલો પાસે રૂનો સ્ટોક આશરે ૨૭ લાખ ગાંસડીનો અંદાજાયો છે. જાન્યુઆરી અંતે સીસીઆઈ, મહારાષ્ટ્ર ફેડરેશન તથા અન્યો પાસે રૂનો સ્ટોક ૮૫થી ૮૬ લાખ ગાંસડીનો અંદાજાયો છે. દરમિયાન, રૂની ૨૦૨૪-૨૫ની આખી મોસમમાં ગણતાં કુલતો સ્ટોક ૩૦થી ૩૧ લાખ ગાંસડી તથા નવો પાક ૩૦૧થી ૩૦૨ લાખ ગાંસડી અને આયાત આશરે ૨૫થી ૨૬ લાખ ગાંસડી ગણતાં ખુલતો પુરવઠો ૩૫૭થી ૩૫૮ લાખ ગાંસડી રહ્યાનું અનુમાન બતાવાયું છે. આની સામે ૨૦૨૩-૨૪ની પાછલી મોસમમાં રૂનો સિલ્લક સ્ટોક ૨૮થી ૨૯ લાખ ગાંસડી તથા નવો પાક ૩૨૭થી ૩૨૮ લાખ ગાંસડી અને આયાત ૧૫થી ૧૬ લાખ ગાંસડી વચ્ચે કુલ ઉપલબ્ધ પુરવઠો ૩૭૧થી ૩૭૨ લાખ ગાંસડીનો રહ્યો હતો તે આંકડો આ વર્ષે ૩૫૭થી ૩૫૮ લાંખ ગાંસડીનો અંદાજાયો છે.
દરમિયાન, ડિમાન્ડ સાઈડ જોતાં વર્તમાન મોસમમાં રૂની મિલોમાં માગ ૨૦૩થી ૨૦૪ લાખ ગાંસડી તથા નાના એકમોની માગ ૯૫થી ૯૬ લાખ ગાંસડી અને નોન-મિલ વપરાશ ૧૫થી ૧૬ લાખ ગાંસડી ગણતાં કુલ વપરાશ ઘરઆંગણે આશરે ૩૧૪થી ૩૧૫ લાખ ગાંસડી થવાની ગણતરી બતાવાઈ છે. આ જોતાં રૂનો સરપ્લસ પુરવઠો ૪૨થી ૪૩ લાખ ગાંસડીનો ગણાવાયો છે. આ પૈકી વર્તમાન મોસમમાં દેશમાંથી રૂની નિકાસ આશરે ૧૬થી ૧૭ લાખ ગાંસડી થવાની શકયતા જાણકારો બતાવી રહ્યા હતા. આની સામે ૨૦૨૩-૨૪ની પાછલી મોસમમાં મિલોની માગ ૨૦૦થી ૨૦૧ લાખ ગાંસ ડી તથા નાના એકમોની માગ ૯૫થી ૯૬ લાખ ગાંસડી અન ે નોન-મિલ વપરાશ આશરે ૧૫થી ૧૬ લાખ ગાંસડી ગણતાં રૂની કુલ સ્થાનિક માગ આશરે ૩૧૨થી ૩૧૩ લાખ ગાંસડી રહી હતી. તથા પાછલી મોસમમાં દેશમાં રૂની સરપ્લસ સપ્લાય આશરે ૫૮થી ૫૯ લાખ ગાંસડી રહી હતી અને આ પૈકી રૂની નિકાસ ૨૮થી ૨૯ લાખ ગાંસડી નોંધાઈ હતી. વર્તમાન મોસમમાં સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે જ્યારે રૂની ૨૦૨૪-૨૫ની નવી મમોસમ પૂરી થશે ત્યારે સિલ્લક સ્ટોક આશરે ૨૫થી ૨૬ લાખ ગાંસડી જેટલો રહી જવાની શક્યતા છે. વૈશ્વિક સ્તરે કોટનનો વપરાશ ઘટયો છે જ્યારે મેન-મેડ-ફાઈબરનો વપરાશ વધ્યાના વાવડ મળ્યા હતા.