Get The App

કૃષિ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો : જીરૂ, હળદરમાં તેજીનો માહોલ

Updated: Mar 24th, 2025


Google News
Google News
કૃષિ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો : જીરૂ, હળદરમાં તેજીનો માહોલ 1 - image


- કોમોડિટી કરંટ

- માર્ચ એન્ડીંગના કારણે ઉઝા સહિત રાજ્યના તમામ કૃષિ બજારોમાં મીની વેકેશન

આજકાલ ભારતીય ખાદ્ય ચીજોની વિદેશી ડિમાન્ડ દિનપ્રતિદિન સતત વધી રહી છે. ખાસ કરીને ભારતીય ચોખા, મસાલા, એરંડિયું તથા ગવાર ગમની આ વર્ષે રેકોર્ડ બ્રેક નિકાસ થવા પામી છે. જોકે અન્ય ખાદ્ય ચીજોની નિકાસ પણ નોંધપાત્ર રહી છે. તાજેતરમાં કેન્દ્રિય વાણિજય મંત્રાલય દ્વારા નિકાસના બહાર પાડેલા અહેવાલમાં સૌથી વધારે નિકાસ ચોખાની રહી છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ એટલે કે પ્રારંભિક નવ માસ દરમ્યાન ભારતના ગેરબાસમતી ચોખાની ૯૩.૩૦ લાખ ટન તથા બાસમતી ચોખાની ૪૨.૪૦ લાખ ટન ચોખાનું શિપમેન્ટ થયું છે. આ ઉપરાંત ૧૦.૮૦ લાખ ટન મસાલા, ૨૮ લાખ ટન ઓઈલ મીલ, ૫.૬૦ લાખ ટન એરંડા તેલ, ૫.૪૦ લાખ ટન મગફળી, ૪.૮૦ લાખ ટન દાળો, ૨.૩૦ લાખ ટન વનસ્પતિ તેલ તથા ૩.૩૦ લાખ ટન ગવાર ગમની નિકાસ થઈ હોવાના અહેવાલો છે. સાથે સાથે ૧.૮૦ લાખ ટન તલ, ૪.૯૦ લાખ ટન અન્ય અનાજોની પણ નોંધપાત્ર નિકાસ થયેલ છે. સરકારની બદલાયેલી નિતીઓને કારણે નિકાસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. નિકાસની વધારાની નિતી સામે આયાત ઘટાડા બાબતે સરકાર સતત મોનીટરીંગ કરી રહી છે. ખાસ કરીને તેલીબીયાં તથા દાળો બાબતે આત્મનિર્ભર થવું હવે ખુબ જરૂરી બન્યું છે.

દરમ્યાન માર્ચ એન્ડીંગના કારણે આગામી અઠવાડિયાથી રાજ્યના કૃષિ બજારોમાં વેપારો સ્થગિત થઈ રહ્યા છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી ઊંઝા બજારોમાં જીરૂ, વરીયાળી, ઈસબગોલ જેવી ચીજોની આવકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જીરૂમાં ગત વર્ષના વીસેક લાખ બોરીના કેરી ફોરવર્ડ સ્ટોક સામે નવો પાક ફિશના અહેવાલો પ્રમાણે નોંધપાત્ર આવનાર હોવાની ધારણા હોવાથી મંદી થવાની દહેશતથી ખેડૂત વર્ગની જીરાની વેચવાલીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હાલમાં જીરાની ડોમેસ્ટિક તથા વિદેશી ડિમાન્ડ સારા પ્રમાણમાં હોવા ઉપરાંત સ્ટોકિસ્ટોની પણ લેવાલી હોવાથી ગત અઠવાડિયામાં જીરા બજારમાં ૨૫૦ થી ૩૦૦ ના ઉછાળા સાથે પ્રતિ મણે ૪૧૦૦ થી ૪૨૦૦ ની રેન્જમાં ભાવો ઉંચા છે. ઉઝા APMCમાં પણ માર્ચ એન્ડીગના કારણે તા. ૨૬-૩-૨૦૨૫ થી અઠવાડિયા સુધી મીની વેકેશન જાહેર થતાં હાલમાં ખેડૂત વેચવાલીનું પ્રમાણ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જીરાની દૈનિક અડધો લાખ ઉપરાંત બોરીની વેચવાલી ૮ મહિનાથી સતત ચાલી રહી છે. હાલમાં જીરામાં તેજીનો માહોલ સતત આગળ વધી રહ્યો હોવાથી બજાર પ્રતિ મણે ૫૦૦૦ નું લેવલ કુદાવે તેવી વ્યાપક સ્થિતિ પ્રવર્તી રહી છે.

જીરાની સાથે સાથે વરીયાળીમાં આ વર્ષે સીઝનમાં ઉત્પાદન ઓછું હોવાથી હાલમાં ગત વર્ષની પેરેટીએ ભાવો દોઢા ઉપરાંત જોવા મળી રહ્યા છે. જ્યારે ઈસબગુલમાં છેલ્લા અઠવાડિયામાં આવક સામે વેપારો વધતાં ઈસબગુલ બજાર પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૩૦૦ થી ૫૦૦ નો વધારો થયો છે. 

છેલ્લા બે વર્ષથી પાકના છેલ્લા સ્ટેજમાં માવઠાઓના કારણે પાક બગડતાં ઉત્પાદન અપેક્ષિત રહેતું નહોતુ પરંતુ આ વર્ષે છેલ્લે સુધી હવામાન પાકને સાનુકુળ રહેતા ગત વર્ષ કરતાં ઉત્પાદન વધવાની શક્યતા વધું છે. આ વર્ષે ઈસબગુલમાં તેજીની વકી વધુ છે.

મસાલા ચીજોમાં જીરાની સાથે સાથે હળદરમાં પણ તેજીનો માહોલ છવાયો છે. છેલ્લા અઠવાડિયામાં છ થી સાત ટકાની તેજી સાથે ભાવો ૧૩૫૦૦ ઉપરાંતની સપાટીએ ઉંચા થયા છે. ચાલુ સીઝનમાં ઉત્પાદનમાં ઘટાડો રહેતાં સ્ટોકિસ્ટો તથા નિકાસકારોની લેવાલી વધી જતાં તેજીનો માહોલ છવાયો છે. 

કૃષિ બજારોમાં હળદરની આવકોનું પ્રમાણ સતત ઘટતાં બજારમાં તેજીનું રૂખ છવાયું છે. આ સ્થિતિને કારણે એપ્રિલ માસમાં હળદર વાયદો ૧૫૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી ઉંચે જવાની ધારણાઓ બજારમાં પ્રવર્તી રહી છે. અત્યાર સુધી બજારોમાં હળદરની લગભગ ૨૫ થી ૨૬ હજાર ટન આવકો થઈ છે. જે ગત સીઝન કરતાં અડધી થઈ છે. સરેરાશ ૪૦ થી ૪૨ ટકા આવકોમાં ઘટાડો નોંધાયો છે. એટલે કે હળદરનું ઉત્પાદન માંડ ૧૧ લાખ ટન આસપાસ થવાની વકી છે.

Tags :