Get The App

78,213 કરોડ રૂપિયા લાવારીસ સંપત્તિ..વ્યક્તિગત સ્તરની બેદરકારી

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
78,213 કરોડ રૂપિયા લાવારીસ સંપત્તિ..વ્યક્તિગત સ્તરની બેદરકારી 1 - image


- અહીં વાત છે વીલ નહીં બનાવનારા અને પોતાની આર્થિક લેવડદેવડ બાબતે ફેમિલીને દુર રાખનારા લોકોની...

- જાણકારો કહે છે કે પોતાની સંપત્તિ ઇન્કમટેક્ષથી છૂપાવવી એ હોંશિયારી કહેવાય પરંતુ પોતાના ફેમિલીથી છૂપાવવી એ નરી મૂર્ખતા સાબિત થઇ શકે છે. કેમકે તમે કમાયેલી સંપત્તિ લાવારીસ  બનીને પડી રહે છે અને અંતે સરકાર તે જપ્ત કરી લે છે...

- અહીં મહત્વની વાત આર્થિક બાબતો સાથે ફેમિલીને દુર રાખવાની વર્ષો જુની સિસ્ટમ છે. પોતે ક્યો બિઝનેસ કરે છે, બિઝનેસ સર્કલમાં સાથે કોણ છે, કોની પાસેથી વ્યાજે પૈસા લાવ્યા છે, સંપત્તિ ક્યાં ક્યાં છે?  જેવા સવાલો પૂછનાર ફેમીલીને જવાબ આપવાના બદલે તેમની અવગણના કરાય છે ...

રતન ટાટાએ તેમની વસિયતમાં ૫૦૦ કરોડ રૂપિયા મોહિની મોહન દત્તાને આપ્યા તેનો વિવાદ ચાલે છે પરંતુ તેમાં મહત્વ તેમના સ્પષ્ટ વીલનું છે. જો તેમના વીલમાં મોહન દત્તાનો ઉલ્લેખ ના હોત તો ટાટા ગૃપ તેમને ચપ્પણીયુંય ના આપત તે હકીકત ધ્યાનમાં રાખવી જોઇએ.

મત્યુ પછીના સત્તાવાર વીલના કારણે બધુ સરળતાથી ચાલી ગયું પરંતુ જ્યારે મોહિની દત્તાનું નામ આવ્યું ત્યારે કેટલાક હરખ પદુડાઓએ તેમને મહિલા બતાવીને રતન ટાટાના યુવાનીના દિવસોનું કનેકશન બતાવ્યું હતું. અંતે ખ્યાલ આવ્યો હતો કે રતન ટાટા અને મોહીની દત્તા પુરૂષ છે અને બંને ક્લાસમેટ હતા અને બંને ખાસ મિત્રો પણ હતા.

દેશના ટોચના કોર્પોરટે ગૃહો વીલ બનાવવામાં અને ફેમિલીમાં ભવિષ્યમાં ઝગડા ના થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ અહીં વાત છે વીલ નહીં બનાવનારા અને પોતાની આર્થિક લેવડદેવડ બાબતે ફેમિલીને દુર રાખનારા લોકોની. આવા લોકોના કારણે બેંકો, એલઆઇસી જેવી સંથાઓ પાસે કરોડો રૂપિયા અનક્લેઇમ્ડ મની તરીકે પડી રહ્યા છે. જેને બિનવારસી કહી શકાય.

રિઝર્વ બેંકના અહેવાલો અનુસાર અનક્લેઇમ્ડ ડિપોઝીટોમાં ૨૬ ટકાનો વધારો થયો છે જે હવે ૭૮,૨૧૩ કરોડ રૂપિયા પર પહોંચી છે. આ લખનારને એવું હતું કે સરકાર બજેટમાં અનક્લેઇમ ડિપોઝીટ અંગે કોઇ સ્પષ્ટતા કરશે પરંતુ તે આશા ઠગારી નીવડી હતી. નાણા પ્રધાને કેટલાક સમય પહેલાં બેંકોને કહ્યું હતું કે ખાતેદારોના એડ્રેસ પર સંપર્ક કરો અને ડિપોઝીટ હોલ્ડરના કુટુંબીઓને બોલાવી લાવો. પરંતુ બેંકોએ શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ધાટ કર્યો હતો.

આ બિનવરસી ડિપોઝીટો અને બેંક એકાઉન્ટ વગેરે વ્યક્તિગત સ્તરની બેદરકારી કહી શકાય. જ્યારે નોમીનીના નામ લખવા ફરજીયાત નહોતા ત્યારની વાત અલગ હતી પરંતુ હવે તો તમામ રોકાણોમાં નોમીની ફરજીયાત બનાવાયું છે જેના કારણે ડિપોઝીટ મુકનારાના અચાનક મોત પછી ડિપોઝીટમાં કે બેંક અકાઉન્ટમાં લખેલા નોમીનીના નામને આસાનીથી પૈસો પરત મળી શકે છે.

તમારા ધરના મોભી કે કમાનારા કોના મિત્ર છે અને તેમના પૈસાનો ેવ્યવહાર ક્યાં અને કોની સાથે છે તે જાણવું બહુ જરૂરી છે. રાજકરાણીઓ અને બે નંબરી વ્યવહારો કરનારા જ્યારે અચાનક મોતને ભેટે છે ત્યારે તેમના ફેમિલી માટે આર્થિક શૂન્યાવકાશ જેવી સ્થિતિ થાય છે. આવા  કિસ્સાઓમાં આપનારા કરતા માંગનારા વધારે નીકળે છે અને જેના ખાતમાં બે નંબરનો પૈસો જમા હોય છે તે ફાવી જાય છે.

અહેવાલો અનુસાર તાજેતરમાં એક બિલ્ડરના અચાનક મોત પછી તેની ઉચ્ચ શિક્ષણવાળી પત્નીને પણ ખબર નહોતી કે તેમનો બે નંબરનો પૈસો કોની પાસે છે અને કેટલો છે. પતિ સાથે થોડી ચર્ચા થઇ હતી કે ફલાણા ભાઇ પાસે પાંચ કરોડ રૂપિયા પડયા છે જે આપણને અડધો ટકો વ્યાજ આપે છે તેમજ ફલાણી જમીન માટે બાનું (એડવાન્સ)આપેલું છે વગેરે પરંતુ તેના કોઇ દસ્તાવેજી પુરાવા નહોતા.

તેના અચાનક મૃત્યુ બાદ  જેમની પાસે પાંચ કરોડ પડયા છે તેમની પાસે પરત માંગવામાં આવ્યા ત્યારે તેણે એમ કહ્યું હતું કે મારે પોતાને મૃતક પાસેથી પાંચ કરોડ લેવાના છે. તમારો બંગલો વેચીને ચૂકવી આપો. એવીજ રીતે જમીન માટે બાનું લેનારે પણ હાથ અધ્ધર કરી દીધા હતા. બધા વ્યવહારો બે નંબરના હતા પરંતુ ખાસ વિશ્વાસુઓ પણ દગો દેતા અચકાતા નથી હોતા.

અહીં મહત્વની વાત આર્થિક બાબતો સાથે ફેમિલીને દુર રાખવાની વર્ષો જુની સિસ્ટમ છે. પોતે શેનો બિઝનેસ કરે છે, બિઝનેસ સર્કલમાં સાથે કોણ છે, કોની પાસેથી વ્યાજે પૈસા લાવ્યા છો, સંપત્તિ ક્યાં ક્યાં છે?  જેવા સવાલો પૂછનાર ફેમીલીને જવાબ આપવાના બદલે તેમની અવગણના કરાય છે ત્યારે ડિપોઝીટો ડૂબે છે કે કોઇ પણ દાવા વિના વર્ષો સુધી બેંકોમાં પડી રહે છે. 

આશ્ચર્યતો એ વાતનું છે કે એજ્યુકેશનનું સ્તર વધ્યા પછી પણ ઘરની ગૃહિણીઓને પોતાની બિઝનેસ સંપત્તિ કે અન્ય રોકાણોની વિગતોથી દુર રાખવામાં આવે છે. જીવન અનિશ્ચિત છે અને કોણે દીઠી કાલ જેવા ભજનો તાનમાં આવીને ગાનારાઓ પણ પોતાની કાલ વિશે વિચારતા  નથી. જાણકારો કહે છે કે પોતાની સંપત્તિ ઇન્કમટેક્ષથી છૂપાવવી એ હોંશિયારી કહેવાય પરંતુ પોતાના ફેમિલીથી છૂપાવવી એ નરી મૂર્ખતા સાબિત થઇ શકે છે. કેમકે તમે કમાયેલી સંપત્તિ લાવારીસ  બનીને પડી રહે છે અને અંતે સરકાર તે જપ્ત કરી લે છે.

પોતાના મૃત્યુ પછી સંતાનેા કે પત્ની પૈસા વગર શું કરશે તેવું વિચારનારાના ફેમિલીને દરેક વિગતની ખબર હોય છે. ડિપોઝીટ સુધીના વાતો સારી હોય છે પરંતુ જ્યારે માંગનારા ધર આંગણે આવીને ઉભા રહે ત્યારે ફેમિલી હેબતાઇ જાય છે.અનક્લેઇમ્ડ ડિપોઝીટો પર કેટલાક બેંક કર્મચારીઓની પણ નજર હોય છે. આવી ડિપોઝીટો ચાંઉ કરી જવાના કૌભાંડો પણ નોંધાયા છે. 

લોકોેએ વિવિધ ક્ષેત્રે જમા કરાવેલી ડિપોઝીટ સંસ્થાઓ ભાગ્યેજ પરત આપવા ટેવાયેલી હોય છે. ઉદાહરણ તરીકે કેટલીક કોલેજો વિદ્યાર્થીઓ પાસે લેબોરેટરીના કામ માટે કે લાયબ્રેરી માટે ડિપોઝીટ ઉઘરાવે છે. તે ભલે ૧૦૦૦ રૂપિયાની હોય પરંતુ કોલેજના ૨૦૦૦ વિદ્યાર્થીઓ પાસેથી આવા નાણા દર વર્ષે લેવાય છે. 

શિક્ષણ સંસ્થાઓ ભાગ્યેજ આવી રકમ પરત આપતી હોય છે. વિદ્યાર્થીઓ પણ ડિપોઝીટ પરત મેળવવા બે-ત્રણ ધક્કા ખાઇને ભૂલી જાય છે. આવી ડિપોઝીટ જીવનના અનેક સ્તરે ચૂકવાય છે અને તેને ભૂલી જવાય છે. સંસ્થાના ડેવલોપમેન્ટ માટે વિદ્યાર્થીઓ માટે લેવાતી એડવાન્સ ડિપોઝીટનું કોઇ અલગ બજેટ હેડ નથી હોતું એટલે સંસ્થાઓ બધું પોતાની આવકમાં સમાવી લે છે. 

જ્યાં સત્તાવાર રીતે ડિપોઝીટ લેવાય છે ત્યાં તે પરત આપવાના ધાંધીયા જોવા મળે છે. વધુ વ્યાજ આપવાની જાહેરાત સાથે ડિપોઝીટ ઉઘરાવનારા સમય આવે પૈસા ચૂકવવા અખાડા કરતા હોય છે. અનેક ચીટ ફંડ કંપનીઓએ લોકોને લાખોમાં રોવડાવ્યા છે છતાં વધુ વ્યાજ લેવાની લાલચ આપતી કંપનીઓમાં આજે પણ લોકો ફસાય છે અને પૈસા ગુમાવે છે.

આ વાંચ્યાપછી દરેકે પોતાના રોકાણો બે નંબરી વ્યવહારો અને સંપત્તિની વિગતો પોતાના ફેમીલીને ખાસ કરીને પત્ની અને સંતાનોને સામે બેસાડીને કહેવી જોઇએ જેથી અચાનક આવતું મૃત્યુ તેમને કાયમ માટે આર્થિક સ્થિતિના અભાવે રડાવતું ના જાય.

-  વારસદાર ના મળતાં અંતે ડિપોઝીટ સ્પેશ્યલ ફંડમાં જમા થાય છે..

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મારફતે  ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ દશેક વર્ષ પહેલાં ઉભું કરાયું હતું જેની પાસે માર્ચ ૨૦૨૩માં ૬૨,૨૨૫ કરોડ રૂપિયાનું ફંડ હતું. જેમાં કો ઓપરેટીવ સહીતની બેંકોમાં દશ વર્ષથી વધુ સમય માટે પડી રહેલી ડિપોઝીટોના પૈસા જમા કરવાયા હતા.

 રિઝર્વ બેંકે બેંકોને સૂચના આપી હતીકે  અનક્લેઇમ્ડ ડિપોઝીટોના વારસદાર શોધવા બેંકે કરેલી દરેક કાર્યવાહીનું રિપોર્ટીંગ દર મહિને જણાવવા કહ્યું છે. ૧લી એપ્રિલ ૨૦૨૪થી દરેક બેંકે ફરજીયાત રીતે પડી રહેલી ડિપોઝીટોના વારસદારો શોધવા જણાવ્યું છે. રિઝર્વ બેંકે અન ક્લેઇમ ડિપોઝીટોની માહિતી ઓનલાઇન પોર્ટલ ઉદ્ગમ પર પણ મુકી છે.

અનક્લેઇમ્ડ ઇન્સ્યોરન્સ, પોસ્ટ ઓફિસ સેવીંગ્સ અને પોવિડન્ટ ફંડની રકમ સિનીયર સિટીઝન વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરાય છે. અન ક્લેઇમ્ડ ઇન્સ્યોરન્સમાં અકસ્માતનો વિમો પણ આવી જાય છે. જેમાં બિનવારસી લાશની ઓળખના થઇ હોય તો તેના વિમા માટે કોઇ નથી હોતું. જે દશ વર્ષની રાહ બાદ ફંડમાં જમા થઇ જાય છે.


Google NewsGoogle News