2024માં રિઝર્વ બેંકે મોનિટરિંગનો વ્યાપ વધાર્યો
કેલેન્ડર વર્ષ ૨૦૨૪ પુર્ણ થવા આડે હવે બે દિવસ બાકી છે, ત્યારે આ વર્ષ દેશના નાણાકીય ક્ષેત્ર માટે કેવું રહ્યું તેના પર નજર કરીએ તો, સમગ્ર વર્ષ દરમિયાન પોલિસી દરોમાં કોઈ ફેરફાર થયો ન હતો અને તે ૬.૫ ટકા પર સ્થિર રહ્યો હતો. પરંતુ ઑક્ટોબર અને ડિસેમ્બરમાં યોજાયેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની છેલ્લી બે બેઠકોમાં આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના સમીકરણો બદલાવા લાગ્યા હોવાથી કેટલીક કાર્યવાહી જોવા મળી હતી. આખા વર્ષ દરમિયાન કડકાઈ દાખવતી રિઝર્વ બેંકે ઓકટોબરમાં પોતાનુ નીતિવિષયક વલણ બદલીને 'તટસ્થ' કર્યું હતું અને કંઈ નવું ન કરવાનો નિર્ણય લીધો હતો. મહત્વની બાબત એ છે કે વર્ષ દરમિયાન રિઝર્વ બેંકે મોનિટરિંગનો વ્યાપ વધાર્યો હતો.
થોડા સમય બાદ, ડિસેમ્બરમાં તેણે બેંકોના કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)ને ઘટાડયો જેથી કરીને વધુ નાણાં બજારમાં આવી શકે. પુર્ણ થતા વર્ષની ઘટનાઓ અને વલણોને ધ્યાનમાં લેતા પહેલા, આપણે કેટલાક આંકડા પર નજર કરીએ તો, કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો ડિસેમ્બર ૨૦૨૩માં ૫.૬૯ ટકા હતો. જાન્યુઆરી ૨૦૨૪માં તે ઘટીને ૫.૧૦ ટકા અને જુલાઈમાં ઘટીને ૩.૬ ટકા થઈ ગયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સીપીઆઈ ફુગાવાનો આ બીજો સૌથી નીચો આંકડો હતો અને તે રિઝર્વ બેંકના કમ્ફર્ટ ઝોનથી નીચે આવી રહ્યો હતો. પરંતુ ખાદ્યપદાર્થોના ભાવમાં વધારા સાથે તે ઓક્ટોબરમાં ૧૪ મહિનામાં સૌથી વધુ ૬.૨ ટકાના આંકડા પર પહોંચી ગયો છે. આ આંકડો સેન્ટ્રલ બેંકના ફુગાવાના લક્ષ્યાંકને વટાવી ગયો હતો. નવેમ્બરમાં તે ફરી એકવાર ઘટીને ૫.૪૭ ટકા થયો હતો.
૨૦૨૪માં, રિઝર્વ બેંકનું ધ્યાન દેખરેખ અને તકેદારી જાળવવા પર વધુ રહ્યું છે. નિયમોનું પાલન ન કરનારાઓ પર તેમણે કડક નજર રાખી છે. ગ્રાહકોના હિતોને સર્વોપરી રાખીને કેન્દ્રીય બેંકે કાર્યવાહી કરતી વખતે, તેણે મોટી કે નાની કંપનીઓ વચ્ચે ભેદભાવ કર્યો નથી અને બંને સાથે સમાન વર્તન કર્યું છે. જ્યારે પીઅર-ટુ-પીઅર ધિરાણ પ્લેટફોર્મ્સે ડિપોઝિટ લેતી એનબીએફસી જેવું કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે રિઝર્વ બેંકે તેમને પાઠ ભણાવ્યો હતો. રિઝર્વ બેંકે દેશની સૌથી મોટી ખાનગી બેંક, એક ખૂબ મોટી જાહેર ક્ષેત્રની બેંક, એક વિશાળ એનબીએફસી અને કેટલીક અન્ય સામે કાર્યવાહી કરી હતી. ગત એપ્રિલમાં, તેણે મોટી ખાનગી બેંકોને ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા અને નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાથી અટકાવી હતી. એક પેમેન્ટ બેંક ૧૫ માર્ચે બંધ થઈ ગઈ હતી. તે પહેલા, માર્ચના પ્રથમ સપ્તાહમાં, કેન્દ્રીય બેંકે મોનિટરિંગની ચિંતાઓને ટાંકીને ગોલ્ડ લોન કંપની પર પ્રતિબંધ મૂક્યો હતો.
દેશની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિની ગતિ પણ સતત ધીમી પડી રહી છે. વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) માર્ચ ક્વાર્ટર દરમિયાન ૭.૭૬ ટકા વધ્યો હતો, જે જૂન ક્વાર્ટરમાં ઘટીને ૬.૫ ટકા થયો હતો અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘટીને માત્ર ૫.૩૬ ટકા થયો હતો. વિશ્વની સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રમાં સતત ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ ધીમી જોવા મળી છે.
ગયા વર્ષના અંત સુધીમાં બેંકિંગ સિસ્ટમે કુલ ૧૫૯.૬ લાખ કરોડ રૂપિયાની લોન આપી હતી. આ વર્ષે ૨૯ નવેમ્બર સુધીમાં તેમના દ્વારા આપવામાં આવેલી લોનની કુલ રકમ વધીને ૧૭૫ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કુલ થાપણો ૨૦૦.૮ લાખ કરોડ રૂપિયાથી વધીને ૨૨૦ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. પરંતુ આ વર્ષે બેન્કિંગ સેક્ટરની થાપણો અને લોનમાં વૃદ્ધિની ગતિ ઘણી ધીમી પડી છે.સપ્ટેમ્બર ૨૦૨૩માં બેન્કિંગ સિસ્ટમની કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) ૩.૨ ટકા હતી, જે માર્ચ ૨૦૨૪માં ઘટીને ૨.૮ ટકા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, જોગવાઈ કર્યા પછી, નેટ એનપીએ ૦.૮ ટકાથી ઘટીને ૦.૬ ટકા થઈ ગઈ છે.
- ૨૦૨૪ દેશના નાણાકીય ક્ષેત્ર માટે કેવું રહ્યું તેના પર
એક ઊડતી નજર