Get The App

MSME માટે રાહત : નાની કંપનીઓને સમયસર પેમેન્ટ મળતું થાય તે માટેના પગલાં

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
MSME માટે રાહત : નાની કંપનીઓને સમયસર પેમેન્ટ મળતું થાય તે માટેના પગલાં 1 - image


- ટૂંકમાં મોટી કંપનીઓ નાની કંપનીઓને પેમેન્ટ માટે ધક્કા ખવડાવતી હતી જેના કારણે અનેક કેસોમાં નાની કંપનીઓને બિઝનેસ બંધ કરી દેવાની નોબત આવતી હતી

- પેમેન્ટ સમયસર ચૂકવવા પાછળના પગલાંનું એક કારણ એ પણ હોય છે કે મોટી કંપનીઓ કોઇને માલ આપે છે પછી તેનું પેમેન્ટ બાકી તરીકે ખેંચ્યા કરે છે. છેલ્લે પાર્ટી ઉઠી ગઇ છે એમ કહીને પેમેન્ટ બાકી બતાવ્યા કરે છે. ઇન્કમ ટેક્ષ રીટર્નમાં પણ તે બાકી પેમેન્ટ બતાવીને ટેક્ષ બચાવી લે છે

- MSME માટે આ રાહતના પગલાં છે પરંતુ મોટી કંપનીઓ સરકારથી નારાજ ચાલી રહી છે. કેટલીક કંપનીઓએ તેમના એકાઉન્ટ ખાતાને સૂચના આપી છે કે 15 ફેબ્રુઆરીએ કોઇ પાસેથી માલ ખરીદ્યો હોય તો તેનું પેમેન્ટ 31 માર્ચ સુધીમાં કરી દેવું. ટૂંકમાં 31 માર્ચે કોઇના બીલ ચૂકવવાના બાકી નીકળતા હોવા ના જોઇએ.

ભા રતના બિઝનેસ ક્ષેત્રે ચાલતો ગણગણાટ બહુ મોટા પડઘા તરફ આગળ વધી રહ્યો છે. નવો કાયદો એવો છે કે જેમાં ૪૫ દિવસમાં પેમેન્ટ ના ચૂકવાયતો તેમના પર વધુ ટેક્ષ લાદવામાં આવશે. આ કાયદો નવો નથી પણ ૨૦૨૩માં તે પાસ કરાયો હતેા. વેપારીઓ એમ માનતા હતા કે ૨૦૨૪માં તેને કાઢી નખાશે પરંતુ તેને ૨૦૨૪માં અમલી રખાયોે છે. હવે નાણા વર્ષ પુરું થવાની અણી પર છે ત્યારે કંપનીઓ તેમના એકાઉન્ટમાં કેટલાને ચૂકવવાના બાકી છે તે શોધી રહ્યા છે. કાયદા પ્રમાણે જો તે બારીની રકમ ખાતામાં બાકી છે એમ બતાવશે તો તેના પર ઉંચો ટેક્ષ લાગશે. સ્જીસ્ઈ માટે આ રાહતના પગલાં છે પરંતુ મોટી કંપનીઓ સરકારથી નારાજ ચાલી રહી છે.

આ કાયદાને ટૂંકમાં સમજાવીયે તો મોટી કંપનીઓ નાના વેપારીઓને પેમેન્ટ સમયસર નથી ચૂકવતા. કાયદા અનુસાર ૪૫ દિવસમાં આઉટ સ્ટેન્ડીંગ પેમેન્ટ ચૂકવવાનું હોય છે. માઇક્રો અને સ્મોલ એન્ટર પ્રાઇઝ તરીકે રજીસ્ટર્ડ થયેલી કંપનીઓને પેમેન્ટ કરવામાં મોટી કંપનીઓ નિષ્ફળ જશે તેા તેના પર ટેક્ષ લગાવાશે. કાયદા હેઠળ પેમેન્ટ ચૂકવવાની સમય મર્યાદા ૧૫ (કરાર વિના)અને ૪૫ દિવસની (કરાર સાથે)છે.

કેટલીક કંપનીઓએ તેમના એકાઉન્ટ ખાતાને સૂચના આપી છે કે ૧૫ ફેબ્રુઆરીએ કોઇ પાસેથી માલ ખરીદ્યો હોય તો તેનું પેમેન્ટ ૩૧ માર્ચ સુધીમાં કરી દેવું. ટૂંકમાં ૩૧ માર્ચે કોઇના બીલ ચૂકવવાના બાકી નીકળતા હોવા ના જોઇએ. બિઝનેસ ક્ષેત્રે નાના વેપારીઓ અને ઉદ્યોગોની સમસ્યા એ હોય છે કે મોટી કંપનીઓના પેમેન્ટ નિયમિત નથી આવતા માટે પૈસૌ ફરતો નથી. બિઝનેસમાં પેમેન્ટ અનિયમિત હોવાની ફરિયાદો મોટા પાયે જોવા મળે છે.

દુકાનો વાળા અને કારખાનાવાળાઓ વચ્ચે અંદરો અંદરની મૂક સમજૂતી હોય છે કે દરેકે ૪૫ દિવસમાં બીલની રકમ ચૂકવી દેવી. જો ત્વરીત ચૂકવણી કરવી હોય તો દરેક કેશ ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે. કેટલાક સંગઠનો ધક્કા  ખવડાવતી પાર્ટીઓ અને જેના ચેક અવારનવાર પરત ફરતા હોય તેમને માલ નથી આપતી. અનેક બજારોમાં વેપારીઓ વચ્ચે એવી સિન્ડકેટ હોય છે કે તેમાં દરેક સમયસરનો આર્થિક વ્યવહાર ના કરે તો તેને બ્લેકલીસ્ટમાં મુકાય છે.

કેટલાક વેપારીઓ બપોરે બે વાગ્યા સુધી બાકીનું પેમેન્ટ મેળવવા પ્રયાસ કર્યા કરે છે અને પછી ઓર્ડર સપ્લાય કરવાનું શરૂ કરે છે. બિઝનેસ કરનારા દરેકને ચેતવણી અપાય છે કે પેમેન્ટ ફસાઇ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નાના વેપારીઓ બપોર સુધી બેંકોમાં ચેક પાસ કરાવવા દોડધામ કરે છે અને પછી બિઝનેસ પર ધ્યાન આપે  છે. 

દરેક વેપારી આર્થિક ચક્ર વિના વિધ્ને ચાલ્યા કરે તેવું ઇચ્છે છે. કેટલાક લોકોનો એવો વેપાર મંત્ર હોય છે કે ગામના પૈસે ધંધો કરવો. આપણી મૂડી ના રોકવી. આવો લોકો બજારમાં બહુ લાંબુ ટકી શકતા નથી અથવા તે તેમને કોઇ ડિસ્ટ્રીબ્યુટરશીપ આપવા તૈયાર નથી હોતું.

અનેક વાર એવું વાંચવા મળે છે કે કોઇ પાર્ટી કરોડોનું ઉઠમણું કરીને વેપારીઓને રોવડાવતી ગઇ છે. આવું ઉઠમણું કરનારા શરૂઆતમાં નિયમિત પેમેન્ટ આપે છે અને પછી લોકોનો વિશ્વાસ જીત્યા બાદ  ઉઠમણું કરે છે. જેના કારણે અનેક નાના વેપારીઓ અને વધુ કમાવવાની લાલચ રાખનારાઓને રોવાનો વારો આવે છે. 

બિઝનેસ કરનારાને સલાહ આપવામાં આવે છે કે લાંબા દિવસો સુધી કોઇને ધીરાણ કરવું નહીં અને પોતાની પાસે મૂડી હોય એટલીજ કૂદાકૂદ કરવી જોઇએ.

બિઝનેસ ક્ષેત્રે અનેક ઘટનાઓ એવી છે કે જેમાં મોટી માછલી નાની ને ગળી જાય છે. ટૂંકમાં મોટા વેપારીઓ નાના વેપારીને ગાંઠતા નથી કે પેમેન્ટ માટે ધક્કા  ખવડાવે રાખે છે. વર્ષોથી ચાલી આવતી કેટલીક પેઢીઓને નાના વેપારીઓને ધક્કા ખવડાવવાની ટેવ હોય છે. આવી કંપની બહુ મોટા ઓર્ડર આપતી હોઇ વેપારીઓ તેમને માલ આપવા પડાપડી કરતા હોય છે. 

દરેકને બિઝનેસ કરવો હોય છે. કેટલાક સમાજમાં સંતાન પાસે નોકરી નહીં પણ બિઝનેસ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. શરૂઆતમાં કોઇ દુકાન કે કારખાનામાં ઓછા પગારે નોકરી કરીને બિઝનેસની એબીસીડી શીખીને પછી પોતાનો બિઝનેસ કરવાનો શરૂ કરે છે. નોકરી કરવી તેના બદલે બિઝનેસ કરવો એવું મંતવ્ય ધરાવતા હોય છે.

બિઝનેસ કરવો બહુ સહેલો નથી હોતો. દરેક પાસે પોતાની મૂડી નથી હોતી. કોઇ સ્ટાર્ટઅપનો આઇડયા અમલી બનાવવો હોય તો પણ તે માટે મૂડી જોઇએ અને ધીરજ રાખવી પડતી હોય છે.

કરોડોનું ટર્ન ઓવર કરતા એક બિઝનેસ મેને કહ્યું હતું કે દરેક વેપારીએ યાદ રાખવું જોઇએ કે છેતરપીંડી કરનારા વેપારી કરતાં વધુ ચાલાક હોય છે અને વેપારીમાં રહેલી લાલચ વૃત્તિને ઓળખીને તેને ફસાવે છે.

વેપાર ક્ષેત્રે ચાલતી સિન્ડીકેટ માત્ર પેમેન્ટ બાબતે ધ્યાન નથી આપતી પણ નવા વેપારીને ઘૂસવા પણ નથી દેતી. એવીજ રીતે સરકારી ટેન્ડરો ભરતી કંપનીઓમાં ચાલતું હોય છે. લખવાનો અર્થ એ છે કે નવા વેપારીને આવી સિન્ડિકેટનો પણ સામનો કરવાનો હોય છે.

ટૂંકમાં મોટી કંપનીઓ નાની કંપનીઓને પેમેન્ટ માટે ધક્કા ખવડાવતી હતી જેના કારણે અનેક કેસોમાં નાની કંપનીઓને બિઝનેસ બંધ કરી દેવાની નોબત આવતી હતી. સરકારી કાયદા અનુસાર જે નાની કંપની સાથે કરાર થયો હોય તેમને ૪૫ દિવસમાં અને કરાર ના થયો હોય તેવી કંપનીને ૧૫ દિવસમાં પેમેન્ટ આપી દેવું જોઇએ.

મોટી કંપનીઓ માલ ખરીદ્યા પછી નાની કંપનીઓને ગાંઠતી નહોતી અને તેમને ધક્કા ખવડાવતી હતી. કેટલીક મોટી કંપનીઓ એકને નાણા નહીં ચૂકવીને પછી બીજો સપ્લાયર શોધી લેતી હતી.

પેમેન્ટ સમયસર ચૂકવવા પાછળના પગલાંનું એક કારણ એ પણ હોય છે કે મોટી કંપનીઓ કોઇને માલ આપે છે પછી તેનું પેમેન્ટ બાકી તરીકે ખેંચ્યા કરે છે. છેલ્લે પાર્ટી ઉઠી ગઇ છે એમ કહીને પેમેન્ટ બાકી બતાવ્યા કરે છે. ઇન્કમ ટેક્ષ રીટર્નમાં પણ તે બાકી પેમેન્ટ બતાવીને ટેક્ષ બચાવી લે છે. સરકારની નજરમાં આવું કૌભાંડ આવી ગયું હોઇ તેની સામે પગલાં લેવાના શરૂ કર્યા છે.

કેટલીક મોટી કંપનીઓ પોતાનાજ સપ્લાયરો રાખતા હોય છે. તેના બીલો બાકી છે એમ બતાવ્યા કરે છે.

MSMERelief

Google NewsGoogle News