Get The App

સોના-ચાંદીમાં દિવાળી પૂર્વે રેકોર્ડ તેજી : જૂના સોનાની આવકમાં ઘટાડો : હવે દાણચોરી વધવાની ભીતિ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
સોના-ચાંદીમાં દિવાળી પૂર્વે રેકોર્ડ તેજી : જૂના સોનાની આવકમાં ઘટાડો : હવે દાણચોરી વધવાની ભીતિ 1 - image


- બુલિયન બિટ્સ-દિનેશ પારેખ

- સોનામાં રૂ. 80 હજાર પછી રૂ. 85 હજાર તથા ચાંદીમાં રૂ. એક લાખના ભાવ થવા પર બજારની નજર

- રશિયા આવતા વર્ષે વિશ્વબજારમાંથી પુષ્કળ ચાંદી ખરીદશે તેવા  સંકેત મળતા ચાંદીની મંદીને બ્રેક લાગી છે

વિશ્વબજારમાં સોનાનો ભાવ રૂ.૨૭૦૦  ડોલરને આંબતા સોનામાં પક્કડ તેજીની પરિસ્થિતિ ઉભી થઈ છે. ફેડ દ્વારા વ્યાજના દરના ઘટાડાને કારણે તથા ચીનની તાઈવાન પર હવાઈ ઘેરાબંદી, ઈઝરાયેલ હમાસની લડાઈ અને યુક્રેનની રશીયા સાથે ચાલેલી લાંબી લડાઈ વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિ તંગ બનાવીને અર્થકારણને નરમાઈ તરફ દોર્યુ છે.

ફેડે સંકેત આપ્યો છે કે તે ૨૦૨૪ના વર્ષમાં વ્યાજનો દર હજુ ઘટાડી શકે જેનું અવલોકન વેપારીઓ ઝીણવટથી કરે છે અને તેના પરિણામમાં દાખવશે ઉપરાંત ટ્રેજરી બોન્ડનું વળતર ઘટતા લોકો સોના તરફી દીશા પકડી રહ્યા છે. છેલ્લાં પાંચ સેશનથી ઈટીએફમાં સોનાની આવકનો ફલો વધ્યો છે અને સ્ટોક વધ્યો છે. ૨૦૨૪ના પ્રથમ ૯  માસમાં સોનાનું ઉત્પાદન ૨૭૩૬૪૫ ઔંસ થયું છે. ફેડ ફુગાવો ઘટયો છે અને જોખમી તક વધતા નાણાકીય ક્ષેત્રે અનિશ્ચિતતા દેખાય છે. એકંદરે સોનામાં તેજી રહેશે અને વેપારીઓ સોનું ૩૦૦૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવશે તેવું જણાવે છે.

વિશ્વબજારમાં ચાંદીના ભાવોએ તેજીનું વલણ અપનાવ્યું છે. ચાંદીએ ૩૨૬૩ સેન્ટ પ્રતિ ઔંસ રેકોર્ડનો ભાવ દાખવી બજારમાં તેજીની પરિસ્થિતિ ઉભી કરી છે.

ચાંદીની અમુક ખાણમાં પ્રતિ ટન માટીમાંથી  ચાંદીની માત્રા વધુ  નીકળતા ચાંદીનું ઉત્પાદન વધશે અને ચાંદી પૂરવઠો બજારમાં ઠલવાશે.

મેક્સીકોની ખાણવાળા બાય પ્રોડકટ તરીકે ચાંદીનું ઉત્પાદન વધારીને બેલેન્સશીટને ખાધને સરભર કરી હ્યા છે. છેલ્લાં બે વર્ષથી ચાંદીની માગ પુરવઠા કરતા વધી હોવાથી ચાંદીની ખાધ વધી રહી છે અને ૨૦૨૪માં ૨૪ મીલીયન ઔંસની ખાધ નોંધાશે.

ચીને છેલ્લા પાંચ મહિનાથી ચાંદીની ખરીદી પર કાપ મૂકીને ખરીદી પર બ્રેક લગાડી છે. ત્યારે રશિયા આવતા વર્ષ વિશ્વબજારમાંથી પુષ્કળ ચાંદી ખરીદશે તેવા સમાચારના સંકેત મળતા ચાંદીની મંદીને બ્રેક લાગી છે અને ચાંદી ૪૦ ડોલર પ્રતિ ઔંસના ભાવ દાખવે તેવું વેપારી વર્તુળ જણાવે છે.

સ્થાનિક સોનાબજારમાં વૈશ્વિક સોનાના ભાવો ઉંચકાતા સોનું રૂ.૮૦,૦૦૦ પ્રતિ દસ ગ્રામના ભાવને આંબી ગયું. દીવાળી તથા લગ્નસરો માથે હોવાથી સોનાની માંગમાં ધીમો સુધારો જોવા મળે છે. શોરૂમમાં ઘરાકી નીકળી છે અને હોલસેલના વેપારીઓ નવો સ્ટોક બનાવી રહ્યા છે.

સપ્ટેમ્બર માસમાં ભારતમાં સોનાની આયાત ઓછી થઈ છે અને હવે માંગ નીકળતા આવતા દિવસોમાં સોનાની આયાત વધશે તથા દાણચોરીનું વોલ્યુમ પણ વધશે. દાણચોરો દરેક ભાવે સોનું લાવશે અને બજારને પૂરવઠો પુરો પાડશે. આશરે ૩૦૦  ટન દાણચોરીનું સોનું પ્રવેશ કરે તેવી ગણતરી મૂકાય છે.

લગ્નસરામાં સોનાના સીક્કા તથા લગડીનું વેચાણ વધશે તેવો અંદાજો છે. જુના સોનાની આવકમાં વધારો નથી દેખાતો કારણ કે નીચા ભાવો ઘરાકોએ ઘણા જુના દાગીના વેચ્યા છે. એકંદરે જુના સોનાની આવક સ્થિર રહેશે તથા સોનાનો ભાવ ઉંચકાશે.

સ્થાનિક ચાંદી બજારમાં રોજની રૂ.૨૦૦૦/  ૨૫૦૦ પ્રતિ કિલોની વધઘટ રહેવાથી વેપારીઓ ગેલમાં છે અને વેપારનું વોલ્યુમ વધારી રહ્યા છે. વાયદાનો ભાવ રૂ. ૮૩૨૯૦ પ્રતિ કિલો અને વગર બીલમાં રૂ.૯૩૬૦૦ પ્રતિ કિલો ક્વોટ થાય છે. અઠવાડિયા દરમિયાન ચાંદીના ભાવો રૂ.૯૧૦૦૦થી  રૂ.૯૩૬૦૦ પ્રતિ કિલો ક્વોટ થયા છે.

લગ્નસરાની તથા તહેવારોના દિવસો હોવાથી ચાંદીની માંગ વધશે. શોરૂમમાં ઉંચા ભાવે પણ ઘરાકી દેખાય છે. જુની ચાંદીની આવક નહિવત છે ત્યારે આયાતકારો ઉદ્યોગ તથા બજારને ચાંદી આયાત કરીને પૂરવઠો પુરો પાડે છે. આ વર્ષે ચાંદીની આયાતમાં મોટો વધારો નોંધાયો છે તથા દુબઈ સાથેની કરારમાં ચાંદીની આયાતમાં ધરખમ વધારો નોંધાશે અને ચાંદી મંદીનો સાથ છોડી તેજીને અપનાવતા વાયદાના કામકાજ વધતા સંકેત મળે છે કે ચાંદીમાં હજી પણ તેજી ગર્ભીત રીતે સમાયેલ છે અને ચાંદી ઉંચકાશે ત્યારે ચાંદીમાં  રૂ.૧ લાખનો પ્રતિ કિલો ક્વોટ થવાની શક્યતા  છે. 


Google NewsGoogle News