ક્વિક કોમર્સ... કરીયાણાના સ્ટોર્સનો મૃત્યુઘંટ
- જ્યારે ઇ કોમર્સની ભારતમાં એન્ટ્રી થઇ ત્યારે કોઇએ કલપ્યું પણ નહોતું કે તે રોજીંદા જીવનનો એક ભાગ બની જશે
- લોકોને ઘેર બેઠા ખરીદીની ટેવ પડવાની સાથે તેનું વ્યસન પણ થઇ ગયું હતું. સોશ્યલ નેટવર્ક પર કંઇક નવું જોતા લોકો તેને મંગાવતા ખચકાતા નથી. ઇ કોમર્સ કંપનીઓેે પણ ત્વરીત ડિલીવરી માટે પ્રયાસો કરતી હતી કેમકે કંપનીઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઇ ગઇ હતી.
- હવે જ્યારે ક્વિકકોમર્સ મેદાનમાં આવ્યું છે અને દરેક જાયન્ટ ઇ કોમર્સ કંપની ક્વિક બનવા જઇ રહી છે ત્યારે કોઇ તેનો વિરોધ કરવા આગળ નથી આવતું. ક્વિક કોમર્સ માટેનું મેનેજમેન્ટ બહુ મુશ્કેલી ભર્યું છે. જેમાં ૨૦૦૦ જેટલી સૌથી વધુ ડિમાન્ડ વાળી આઇટમો રાખવી પડશે અને બે કિલોમીટરની ત્રીજ્યામાં નાના ડેપો રાખવા પડશે. ડિલીવરી કરનારાઓને પણ ડેપો પાસે ઉભા રાખવા પડશે.
ઇ કોમર્સના કારણે કરોડો નાના દુકાનદારો ફડચામાં જઇ રહ્યા છે એવી ચિંતા જ્યારે દેશના કોમર્સ પ્રધાન વ્યક્ત કરે ત્યારે મુદ્દાની ગંભીરતા સમજવી જોઇએ. પરંતુ ઇ કોમર્સ કંપનીઓના માર્કેટીંગ અને કેટલોક માલ સસ્તા ભાવે ફૂંકવાની નિતીને કેન્દ્ર સરકાર હજુ સુધી પડકારી શકી નથી. ઇ કોમર્સ સામે સરકાર આકરાં પગલાં લેવા તૈયાર થઇ છે પરંતુ સરકાર સામે ક્વિક કોમર્સ નવા પડકાર સાથે આવીને ઉભું રહ્યું છે.
કરિયાણાની દુકાનોને ઇ કોમર્સ કરતાં પણ વધુ નુકશાન ક્વિક કોમર્સ કરી શકે છે. ઇ કોમર્સ સામે અનેક સમસ્યા ઉભી છે. લોકોને ઓનલાઇન ખરીદી માટે પ્રોત્સાહન ઇ કોમર્સેજ આપ્યું છે પરંતુ ઇ કોમર્સનો આ વાઘ સરકારી કાયદાના અંકુશ વિનાનો હોઇ કરિયાણાની દુકાનો પર ઓટોમેટીક મંદી ખેંચી લાવ્યો હતો. જ્યારે ઇ કોમર્સની ભારતમાં એન્ટ્રી થઇ ત્યારે કોઇએ કલપ્યું પણ નહોતું કે તે રોજીંદા જીવનનો એક ભાગ બની જશે.
ઇકોમર્સના કેસમાં જાયન્ટ ઇ કોમર્સ કંપનીઓની સદ્નસીબી એ છે કે લોકોને ઇકોમર્સ મારફતે ખરીદીની ફાવટ આવી ગઇ છે.
લોકોને ઘેર બેઠા ખરીદીની ટેવ પડવાની સાથે તેનું વ્યસન પણ થઇ ગયું હતું. સોશ્યલ નેટવર્ક પર કંઇક નવું જોતા લોકો તેને મંગાવતા ખચકાતા નથી. ઇકોમર્સ કંપનીઓેે પણ ત્વરીત ડિલીવરી માટે પ્રયાસો કરતી હતી કેમકે કંપનીઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઇ ગઇ હતી. વિવિધ સ્કીમો અને તહેવારોના દિવસોમાં સેલના પગલે ઇકોમર્સ સિસ્ટમ છવાઇ ગઇ હતી. હવે તેનું સ્થાન ક્વિક કોમર્સ લઇ લેશે.
ક્વિક કોમર્સ દેશની કરિયાણાની દુકાનોનો મૃત્યુ ધંટ વગાડી દેશે તે નક્કી છે. એમેઝોન,ફ્લિપકાર્ટ,બ્લિનકીટ, ઝેપ્ટો. સ્વિગી વગેરે વચ્ચે ક્વીક કોમર્સ ક્ષેત્રે સપાટો બોલાવવા રીતસરની સ્પર્ધા શરૂ થઇ છે. આવા મોટા માથા સ્પર્ધામાં હોવા છતાં ઓલા કંપની પણ ક્વિક કોમર્સ ક્ષેત્રે આવી રહી છે.
એક તરફ ઇકોમર્સના પગલે કરીયાણાની દુકાનો ખાડે જઇ રહી છે તો બીજી તરફ ક્વિક કોમર્સનું ક્ષેત્ર એેટલી ઝડપે પ્રસરી રહ્યું છે કે કરીયાણીની દુકાનો વાળા બાપડા બિચ્ચારાની ભૂમિકામાં આવી જવાના છે. જેમ સ્વિગી વાળા તેના ઇન્સટામાર્ટને સક્રીય બનાવી રહ્યા છે એમ જાણવા મળી રહ્યું છે એમ ત્વરીત ડિલીવરીની માંગ ઉભી થતાં ટાટાનું બિગ બાસ્કેટ પણ ક્વિક કોમર્સની સ્પર્ધામાં જોડાયું છે. હાલમાં ૧૦ થી ૩૦ મિનીટમાં માલ મોકલવાની પ્રેકટીસ કરાઇ રહી છે.
એક પણ જાયન્ટ ઇ કોમર્સ કંપની એવી નથી કે જેણે ક્વિક કોમર્સ માટેની સ્પર્ધા માટે પ્લાનીંગ ના કર્યું હોય. મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સીયલ સર્વિસના ચેરમેન રામદેવ અગ્રવાલે પણ સ્વિગીમાં હીસ્સો ખરદ્યો છે એમ અમિતાભ બચ્ચનના ફેમિલીએ પણ સ્વિગીમાં હીસ્સો ખરીદ્યો છે. મોતીલાલ ઓસ્વાલને તે ક્વિક કોમર્સમાં એટલો રસ પડયો છે કે તેમણેે સ્વીગી ઉપરાંત સ્ટાર્ટઅપ ઝેપ્ટોમાં પણ હીસ્સો ખરીદ્યો છે.
વોલમાર્ટના ફ્લિપકાર્ટે પણ જાહેરાત કરી છે કે અમે પણ ક્વિક કોમર્સની સ્પર્ધામાં છીયે અને બેંગલુરૂના કેટલાક વિસ્તારોમાં તેની પ્રેકટીસ પણ શરૂ કરી દીધી છે. ફ્લિપકાર્ટે પહેલાં સ્ટાર્ટઅપ ઝેપ્ટો સાથે ટાઇ અપ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઝેપ્ટોએ કોઇ તૈયારી બતાવી નહોતી.
કોઇ પોતાના ઘરથી ચાલીને કરીયાણાની દુકાન સુધી રોજીંદો સામાન લેવા પહોંચે ત્યાંં સુધીમાં એટલેકે માંડ ૧૦-૧૫ મિનીટના ગાળામાં ક્વિક કોમર્સની કંપની ઘેર માલ પહોંચાડી દે તે કોને ના ગમે? દરેકને રોજીંદા વપરાશની ચીજો ત્વરીત મળે તે ગમે પરંતુ ઓનલાઇન ખરીદીનો કોન્સેપ્ટ રૂબરૂ જઇને ખરીદીનો આનંદ ઝૂંટવી લે છે.
સિક્કાની બીજી બાજુ જોવા જઇએ તો મેટ્રો સિટીમાં ઘરમાં યુગલ નોકરી કરતું હોય તો તેની પાસે કરીયાણાની દુકાન પર જઇને ખરીદવાનો સમય નથી હોતો. આવા લોકો માટે ક્વિક કોમર્સ આશિર્વાદ સમાન નીવડી શકે છે.
કોઇ પણ વિસ્તારમાં કરીયાણાની દુકાન રાત્રે નવ વાગ્યા પછી બંધ થઇ જાય છે. જ્યારે ક્વિક કોમર્સની સવલતો રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રહે છે.
ઉદાહરણ તરીકે તમારા ફેમિલીને રાત્રે નવ વાગે બટાકા પોંઆ ખાવાનું મન થાય અને તમારા ધરમાં તે માટેના મહત્વના એવા પૌંઆજ ના હોય તો આગળ વધી શકાતું નથી. આવા સમયે ક્વિક કોમર્સની કંપની વ્હારે આવે છે અને દશ મિનિટમાં તમારા ઘેર પૌંઆ મોકલી આપી શકે છે.
કરીયાણાની ચીજો ઉપરાંત મોબાઇલ ફોન જેવી ઇલેક્ટ્રોનીક ચીજો પણ ક્વિક કોમર્સ મારફતે મળી શકે છે. હવે જ્યારે દિવાળીના તહેવારો માંડ બે મહિના દુર છે ત્યારે ક્વિક કોમર્સનો ઉપયોગ બહુ છૂટથી થતો જોવા મળી શકે છે.
શરૂઆતમાં ક્વિક કોમર્સ એટલેકે બહુ ઓછા વજનની ચીજોની ત્વરીત ડિલીવરી. પરંતુ ઇ કોમર્સને મળેલી ભવ્ય સફળતા પછી લોકોને કંઇક નવું આપવાના કોન્સેપ્ટમાં ક્વિક કોમર્સનો જન્મ થયો હતો.
ક્વિક કોમર્સની સ્પર્ધામાં ઉતરવું બહુ આસાન નથી. ફૂડ ડિલીવરી કરતી ઇ કોમર્સ કંપનીઓે જ્યારે ૩૦ મિનિટમાં પિત્ઝા ડિલીવરીની જાહેરાત કરી ત્યારે ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને ડિલિવરી બોયને અકસ્માત નું જોખમ રહેશે તેમ કહ્યું હતું.
હવે જ્યારે ક્વિકકોમર્સ મેદાનમાં આવ્યું છે અને દરેક જાયન્ટ ઇ કોમર્સ કંપની ક્વિક બનવા જઇ રહી છે ત્યારે કોઇ તેનો વિરોધ કરવા આગળ નથી આવતું. ક્વિક કોમર્સ માટેનું મેનેજમેન્ટ બહુ મુશ્કેલી ભર્યું છે. જેમાં ૨૦૦૦ જેટલી સૌથી વધુ ડિમાન્ડ વાળી આઇટમો રાખવી પડશે અને બે કિલોમીટરની ત્રીજ્યામાં નાના ડેપો રાખવા પડશે. ડિલીવરી કરનારાઓને પણ ડેપો પાસે ઉભા રાખવા પડશે.