Get The App

ધારણ કરેલ જમીનમાં વારસાઈ અંગેની હક્કપત્રકની જોગવાઈઓ

- જમીન / મિલ્કતમાં નવી શરતે

Updated: Mar 7th, 2021

GS TEAM


Google News
Google News

- લોકાભિમુખ માર્ગદર્શન-- એચ.એસ. પટેલ IAS  (નિ.)

- ''ખાતેદારોએ હયાતીમાં હક્ક દાખલ કરવા અને વહેંચણી કરવી સલાહભર્યું''

ધારણ કરેલ જમીનમાં વારસાઈ અંગેની હક્કપત્રકની જોગવાઈઓ 1 - image

જમીન મહેસૂલ અધિનિયમમાં હક્કપત્રકનું (Record of Rights) પ્રકરણ-૧૦ એ માં સૌથી અગત્યતા ધરાવતી જોગવાઈઓ છે કારણ કે તે બહુમતી જનસમુદાયના મિલ્કતોની ફેરફારના હક્કોની નોંધણી તો છે પણ રાજ્ય સરકાર માટે પણ હક્કપત્રક અદ્યતન રાખવા અને જમીન મહેસૂલ કોની પાસેથી વસુલ કરવુ તે પણ અગત્યનું છે. ખાતેદાર કે મિલ્કત ધારકના મૃત્યુ બાદ 'વારસાઈ' (Heirship) કરવા માટે હક્કપત્રકમાં જોગવાઈ છે અને હવે ગામના નમુના નં. ૧૪ માં 'મૃત્યુ'ની નોંધણી ફરજીઆત છે. બાકી ઘણા ગામોમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બે-ત્રણ પેઢીના વંશજો મૃત્યુ પામ્યા હોય તો પણ મૂળ ખાતેદારના નામ ચાલતા જો કે ઝુંબેશ સ્વરૂપે વારસાઈનું અભિયાન ચલાવવામાં આવેલ, એટલે હવે આવા કિસ્સાઓ હોવા જોઈએ નહીં. પરંતુ વારસાઈ બાબતમાં ઘણી વ્યક્તિઓનું કોના નામ દાખલ કરવાપાત્ર, પેઢીનામા તેમજ ખાસ કરીને પહેલાના વખતમાં પ્રણાલિકાગત સ્વરૂપે ફક્ત કુટુંમ્બના વડીલના જ નામ દાખલ કરવામાં આવતાં અને જેમાં અન્ય ભાઈઓ, બહેનોમાં હક્ક હોવા છતાં જે વડીલ તરીકે નામ હોય તેમના જ સીધી લીટીના વારસોના નામ દાખલ કરવામાં આવતાં - ઘણીવાર હિસ્સેદાર હોય તો પણ આડીલીટીના વારસદાર ગણી વારસાઈ નોંધ રદ કરવામાં આવે છે તેમજ નવી શરત, સાંથણીમાં, ગણોતધારા, ભુદાન જેવી જમીનોમાં પણ જે મોટાભાઈના નામ દાખલ કરેલ હોય ત્યારે અન્ય કાયદેસરના વારસોના નામ દાખલ થઈ શકે કે કેમ તેવી બાબતો અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે સામાન્ય જનસમુદાયને ઉપયોગી એવી બાબત અંગે આ લેખમાં નિરૂપણ કરવામાં આવે છે.

હક્કપત્રકમાં (Record of Rights) આમ તો ફેરફાર રજીસ્ટર તરીકે (Mutation Register) પણ ઓળખાય છે એટલે કે જ્યારે મિલ્કત / જમીનમાં જે ફેરફાર થાય જેમ કે, વેચાણ, તબદીલી, બક્ષીસ ગિરો વિગેરે પ્રસંગોએ હક્કપત્રકમાં ફેરફાર નોંધ પાડવામાં આવે છે તે રીતે જ્યારે ખાતેદાર / મિલ્કતધારકનું મૃત્યુ થાય ત્યારે પણ જે કાનુની જોગવાઈ કરવામાં આવી છે તે પ્રમાણે ત્રણ મહિનાની અંદર ખાતેદારના મૃત્યુની જાણ મરણના દાખલા સાથે સબંધિત તલાટી / ઈ-ધરા મામલતદાર કચેરી કે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટને અરજી કરવાની હોય છે. જો ત્રણ માસમાં આવી જાણ કરવામાં ન આવે તો અગાઉ રૂ. ૨૫નો દંડ વસુલ કરવાનો હતો અને હવે સુધારા નિયમ મુજબ રૂ. ૧૦૦૦/- નો દંડ વસુલ કરવાનો થાય છે.

અરજદારની અરજી મળ્યેથી તલાટીએ સબંધિત ખાતેદારનું પેઢીનામું, પંચકચાસ તેમજ કાયદેસરના વારસદારોના જવાબ લઈને ગામ દફતરે હક્કપત્રકમાં ઈ-ધરા મામલતદાર કચેરીમાં નોંધ કરવાની છે. આજ રીતે સીટી સર્વે વિસ્તાર હોય તો તેમાં સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટે આવા જ પ્રકારની કાર્યવાહી મેઈન્ટેન્સ સર્વેયર દ્વારા કરવાની છે અને મિલ્કત રજીસ્ટરે વારસાઈ હક્કે ફેરફારની નોંધ કરવાની હોય છે અને નોંધ પ્રમાણિત અધિકારીએ તમામ સાધનિક કાગળો તપાસીને વારસાઈ નોંધ પ્રમાણિત કરવાની હોય છે.

મૂળ વારસાઈની બાબતમાં જે જુદા જુદા પ્રશ્નો ઉદ્દભવે છે તેમાં પાયાના સિધ્ધાંત તરીકે,Indian Succession Act વારસાઈ અધિનિયમની જોગવાઈઓ લાગુ પડે. સામાન્ય રીતે આપણી કૌટુંમ્બિક વ્યવસ્થા પ્રમાણે પહેલાં હિન્દુ અવિભક્ત કુટુંમ્બના વડા તરીકે ઘરના જે જયેષ્ઠ પુત્ર હોય તો તેમનું નામ દાખલ કરવામાં આવતું આમ તો તે 'કર્તા' વહીવટકર્તા તરીકે ગણાય, પરંતુ તે એક માત્ર વડીલોપાર્જીત મિલ્કતના માલીક ગણાય નહીં.

હિન્દુ કાયદા મુજબ કૉ-પાર્સનર તરીકે કાયદેસરના તમામ વારસો મિલ્કતના હિસ્સેદાર ગણાય છે. ખાસ કરીને નવી શરતની જમીનો, સાંથણી હેઠળ મળતી જમીનો, ગણોતધારા હેઠળની જમીનોમાં ખાતેદાર મૃત્યુ પામે ત્યારે ફક્ત ખાતેદારના સીધીલીટીના વારસદારોનું નામ દાખલ કરવામાં આવે છે, ખાસ કરીને ગણોતધારા કે નવી શરતની જમીનો ઘરના મોટાભાઈનું નામ ગણોતીયા તરીકે કે ગ્રાન્ટી તરીકે રાખવામાં આવે છે. પરંતુ જ્યારે વારસાઈ કરવાની થાય ત્યારે તમામ વારસદારોના નામ દાખલ કરવામાં આવતા નથી.

ખરેખર તો આવી જમીનો સંયુક્ત હક્કવાળી હોય છે. જેથી જ્યારે આવી જમીનોમાં મોટાભાઈનું અવસાન થાય ત્યારે સીધીલીટીના વારસો ઉપરાંત સંયુક્ત હક્કવાળા ભાઈઓ / બહેનો તેમના કાયદેસરના હક્કથી વંચિત ન રહે તે માટે મહેસૂલ રેકર્ડમાં બાકીના કાયદેસરના હક્કદાર એવા ભાઈ-બહેનોના નામ વારસાઈ હક્કે મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવા અને આવા કિસ્સાઓમાં નવી શરતની જમીન હોવાથી કે ગણોતધારા હેઠળ પ્રાપ્ત થયેલ જમીન હોય તો પણ શરતભંગ થતો નથી. વારસાઈ હક્કે વહેંચણી કે નામ દાખલ કરવામાં નવી શરતના નિયંત્રણોનો ભંગ થતો નથી. ફક્ત એટલું છે કે વારસાઈ હક્કે કે વહેંચણીમાં જે જમીન મૂળ નવી શરતની હોય તે જ ધોરણે સત્તા પ્રકાર ચાલુ રહે છે.

આવી જ રીતે ગણોતધારા હેઠળની કામગીરી ચાલતી હોય ત્યારે મુખ્ય વ્યક્તિનું નામ જ ગણોતીયા તરીકે નોંધાયેલ હોય છે એટલે સરકારે આવી પણ સુચનાઓ આપી છે કે કૃષિ પંચ સમક્ષ જ્યારે કાર્યવાહી ચાલતી હોય ત્યારે ગણોત હેઠળની જમીનમાં અન્ય હિસ્સેદારો હોય તેમના નામ પણ ગણોતીયા સાથે સહ હિસ્સેદાર તરીકે દર્શાવવા કારણ કે ઘણીવાર જમીન સુધારાના ભાગરૂપે કૃષિ વિષયક ધિરાણ મેળવવાનું હોય તો જો અન્ય હિસ્સેદારના નામ ન હોય તો તેમને ધિરાણ મેળવવામાં મુશ્કેલી પડે છે એટલે ગણોતીયાને જ્યારે કૃષિ પંચ તરીકે ગણોતીયો ઠરાવતી વખતે અને ખરીદીનું પ્રમાણપત્ર આપવાના તબક્કે પણ કુટુંમ્બના અન્ય હિત ધરાવતા વ્યક્તિઓના નામ દાખલ કરી શકાય છે.

આવા પ્રસંગો બનવાનું કારણ એ છે કે, જ્યારે જમીનોમાં ફક્ત મોટા ભાઈનું નામ દાખલ કરવામાં આવે છે, જ્યારે મૃત્યુના પ્રસંગે તેઓના ફક્ત સીધી લીટીના વારસોના નામ દાખલ કરાવવામાં આવે અને અન્ય હક્ક ધરાવતા વ્યક્તિઓના નામ રહી જવા પામે છે અને ઘણીવાર આવો ખ્યાલ પણ નથી હોતો અને ભૌતિક રીતે ભાઈઓ ભાગ પ્રમાણે જમીન ખેડતા પણ હોય છે, પરંતુ મહેસૂલી રેકર્ડમાં ફેરફાર કરાવવામાં આવે ત્યારે વિવાદો થાય છે અને બીજી પેઢીના વ્યક્તિઓને આ બાબતની ખબર પણ હોતી નથી. જેથી દરેક ખેડૂત ખાતેદારોને સલાહ છે કે મૂળ ખાતેદારના મૃત્યુ સુધી વારસાઈ કરાવવાની રાહ જોવાની જરૂર નથી. હયાતીમાં પણ દરેક ભાઈઓ / બહેનોના હિસ્સા પ્રમાણે હક્ક દાખલ કરાવી શકાય છે અને વહેંચણી પણ કરી શકાય છે. જેથી પાછળથી વાદવિવાદ ઉપસ્થિત થાય નહી અને જ્યારે મૂળ ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે આપોઆપ વારસાઈમાંથી નામ કમી કરી શકાય છે.

Tags :