ભારતમાં ખાનગી ઇક્વિટી રોકાણોમાં તેજી : રેકોર્ડ બ્રેકિંગ M&A સોદા
- નવા નાણાકીય વર્ષમાં પણ મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિઓમાં ગતિ અકબંધ રહેવાની અપેક્ષા
નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ભારતમાં મર્જર અને એક્વિઝિશન સોદાઓનું મૂલ્ય ૨૬.૪ ટકા વધીને ૯૯.૯ બિલિયન ડોલર થયું છે, જેનું મુખ્ય કારણ ખાનગી ઇક્વિટી રોકાણોમાં વધારો હતો. પાછલા નાણાકીય વર્ષમાં, કુલ ૭૯.૦૫ બિલિયન ડોલરના મૂલ્યના મર્જર અને એક્વિઝિશન સોદા નોંધાયા હતા. ઉદ્યોગના સુત્રોના જણાવ્યા અનુસાર, આવતા અઠવાડિયાથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિઓમાં ગતિ અકબંધ રહેવાની અપેક્ષા છે. આ મુખ્યત્વે રોકાણકારોના સેન્ટિમેન્ટ, ડીલ પેટર્ન અને બજારની સ્થિતિમાં ફેરફારને કારણે જોવા મળ્યું છે. સોદાઓની સંખ્યામાં ચોક્કસપણે વધારો થયો છે પરંતુ જ્યાં સુધી સોદાઓના મૂલ્યનો સંબંધ છે, તે કોઈપણ એક વર્ષમાં નોંધાયેલા સૌથી વધુ સોદા મૂલ્ય કરતા ઘણું ઓછું છે. મૂલ્યની દ્રષ્ટિએ અત્યાર સુધીનો સૌથી મોટો મર્જર સોદો લગભગ ત્રણ વર્ષ પહેલાં HDFC અને HDFC બેંક વચ્ચે થયો હતો.
આ સુત્રોએ જણાવ્યું હતું કે, મૂડી બજારોમાં સુસ્તી અને મૂલ્યાંકનમાં ઘટાડાને કારણે પ્રવૃત્તિમાં થોડો વધારો થવો જોઈએ. પરંતુ ઘણા લોકો આ મુદ્દા પર ખુલ્લેઆમ ચર્ચા કરવાથી દૂર રહે છે. ખાનગી ઇક્વિટી રોકાણકારો પણ તેમનો અભિગમ બદલી રહ્યા છે. તેઓ ઉચ્ચ-વૃદ્ધિ ક્ષેત્રોમાં વધુ કાર્યકારી પ્રભાવ માટે નિયંત્રણ સોદાઓ તરફ વળી રહ્યા છે.
ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૩,૧૦૩ સોદા થયા છે જ્યારે નાણાકીય વર્ષ ૨૪ માં ૨,૫૯૮ સોદા થયા હતા. હેલ્થકેર ક્ષેત્રમાં, ક્વોલિટી કેર અને એસ્ટર ડીએમ હેલ્થકેર વચ્ચે ૫.૦૮ બિલિયન ડોલરનું મર્જર વર્ષનો સૌથી મોટો સોદો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૬માં મર્જર અને એક્વિઝિશન સોદા લઘુમતી હિસ્સાથી નિયંત્રણ-આધારિત વ્યવહારોમાં બદલાશે. આ ભારતના વિકાસમાં રોકાણકારોના વિશ્વાસનો સંકેત છે. લિસ્ટેડ કંપનીઓ સાથે મર્જર દ્વારા ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતી અનલિસ્ટેડ કંપનીઓનો શેરબજારમાં પરોક્ષ પ્રવેશ પણ એક પસંદગીની વ્યૂહરચના હોઈ શકે છે. આનાથી આઈપીઓ કરતાં વધુ ઝડપી દરે બજારમાં પ્રવેશવાની તક મળે છે.
ખાનગી ઇક્વિટી કંપનીઓ કહે છે કે તેઓ ભારતમાં મર્જર અને એક્વિઝિશન દ્વારા વધુ રોકાણ કરવા તૈયાર છે કારણ કે દેશ તેની વધતી વસ્તીને કારણે વિશ્વમાં સૌથી વધુ આર્થિક વૃદ્ધિ નોંધાવી રહ્યો છે. નિયંત્રણ હેઠળના રોકાણોનું કદ હવે વાર્ષિક આશરે ૧૨ બિલિયન ડોલર છે, જે કુલ ૩૫ બિલિયન ડોલર બજારના લગભગ એક તૃતીયાંશ છે. જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા પરિપક્વ બજારોમાં, ૮૦ ટકાથી વધુ રોકાણ રોકાણકારો દ્વારા નિયંત્રિત થાય છે. ભારત પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે કોર્પોરેટ પુનર્ગઠનમાં ગતિ પકડવાની અપેક્ષા છે કારણ કે વ્યવસાયિક જૂથો વધુ સારી મૂડી ફાળવણી અને મૂલ્યાંકન માટે તેમના એકમોને અલગ કરી રહ્યા છે.
ભારતમાં તમામ પ્રકારના સોદા થઈ રહ્યા છે. ઉત્પાદન વધારીને ખર્ચ ઘટાડવા અને બજારનો વિસ્તાર કરવાને કારણે મોટા મર્જર સોદા થઈ રહ્યા છે. રિલાયન્સ-ડિઝની અને એસીસી-અંબુજા જેવા સોદા આના ઉદાહરણો છે. ખાનગી દેવામાં તેજી એ બીજો ઉભરતો ટ્રેન્ડ છે જે હવે એક એસેટ ક્લાસ બની ગયો છે. ગયા વર્ષે, આ શ્રેણીમાં ૯-૧૦ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. સ્થાપકો અને શેરધારકો આવા રોકાણોમાં વધુને વધુ રસ દાખવી રહ્યા છે.
ડીલ પ્રવૃત્તિમાં વધારો થયો હોવા છતાં, મેક્રોઇકોનોમિક જોખમો ભવિષ્યમાં મર્જર અને એક્વિઝિશન બજારને અસર કરી શકે છે. અમેરિકામાં મંદીના ભયથી સોદાઓની ગતિ ધીમી પડી શકે છે. ચીન દ્વારા બિન-સરકારી કંપનીઓ દ્વારા ખાનગી રોકાણ પરના નિયંત્રણો હળવા કરવાથી વૈશ્વિક ખાનગી બજારોને વેગ મળી શકે છે. નીતિ નિર્માતાઓ ચીન સાથે આર્થિક એકીકરણ સુધારવા પર વિચાર કરી શકે છે. વેપાર અનિશ્ચિતતાઓ અને ઊંચા વ્યાજ દરો મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિને મંદી આપી શકે છે.
આગામી બે વર્ષમાં ભારતમાં GDP વૃદ્ધિ ૬ ટકાથી ઉપર રહેવાની ધારણા છે અને અહીંની ૧૦ ટકાથી ઓછી કંપનીઓએ ખાનગી રોકાણનો લાભ લીધો છે. જો તમે આ બે આંકડાઓને એકસાથે જોશો, તો તમે જોશો કે બધા જોખમો હોવા છતાં, ભારતમાં સોદાઓની ગતિ અકબંધ રહેશે. નવીનીકરણીય ઉર્જા અને ઉપયોગિતાઓ પણ મુખ્ય ક્ષેત્રો તરીકે ઉભરી રહ્યા છે. મુખ્ય પડકારોમાં જટિલ કર વ્યવસ્થા, રાજ્ય અને કેન્દ્રના અલગ અલગ નિયમો અને ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે.