કલાયન્ટસ સાથે કરાર જાળવી રાખવામાં આઈટી કંપનીઓ પાસે AI ટેકનોલોજીની હાજરી મહત્વની
- AI કોર્નર
- એઆઈના જોડાણ વગરની આઈટી સેવા લેવામાં વિવિધ ક્ષેત્રની કંપનીઓ નિરસ
અમેરિકા દ્વારા શરૂ થયેલી ટેરિફ વોર જે હાલ પૂરતું ૯૦ દિવસ માટે સ્થગિત કરી દેવાઈ છે તે ભવિષ્યમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી શકયતા ઊભી છે અને આ ટેરિફ વોર ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોના વેપાર ઉદ્યોગ પર ગંભીર અસર કરશે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે. ભારતની વાત કરીએ તો દેશના નિકાસ ક્ષેત્રો માટે ટેરિફ વોર પડકારરૂપ બની રહેવાના સંકેતો મળી રહ્યા છે. માલસામાનની નિકાસ ઉપરાંત અમેરિકા ખાતે ભારતની ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) સેવાની નિકાસનો પણ નોંધપાત્ર હિસ્સો રહેલો છે. દેશની જાણીતી આઈટી સેવા કંપનીઓએ ૨૦૨૪માં અંદાજે ૧૪ અબજ ડોલરના કરાર રિન્યુ કર્યા હતા અને વર્તમાન વર્ષમાં ૨૦ અબજ ડોલરના કરાર રિન્યુઅલ માટે તૈયાર છે. અમેરિકાની ટેરિફ વોરને પગલે ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતાના સમયે જ આ રિન્યુઅલ આવી રહ્યા છે ત્યારે આર્થિક દ્રષ્ટિકોણથી તેનુ મહત્વ વધી જાય છે.
બેન્કિંગ, વીમા, રિટેલ સહિતના કેટલાક ક્ષેત્રોમાં આ કરાર રિન્યુઅલ માટે પાકી ગયા છે. દેશની આઈટી સેવા કંપનીઓ સામાન્ય રીતે વિદેશની કંપનીઓ સાથે ત્રણથી પાંચ વર્ષના કરાર કરતી હોય છે. વર્તમાન વર્ષમાં જે કરારના રિન્યુઅલ પાકી રહ્યા છે તે મોટેભાગે કોરોનાના કાળ બાદ થયેલા કરાર છે. કોરોનાના કાળ બાદ વિશ્વભરમાં આર્થિક રિકવરી જોવા મળી હતી અને આઈટી કંપનીઓને કરાર રિન્યુઅલમાં કોઈ મોટી સમશ્યા તે વેળાએ જોવા મળી નહોતી જે હાલમાં જોવા મળવાની શકયતા રહેલી છે. આર્થિક અનિશ્ચિતતા અને આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વધી રહેલા વ્યાપ વચ્ચે દેશની મોટી આઈટી કંપનીઓએ પોતાના ક્લાયન્ટસને સ્પર્ધાત્મક ભાવ આપવાની ફરજ પડશે એટલુ જ નહીં આઈટી સેવા લેવા માગતા કલાયન્ટસ પણ ભાવ મોરચે બારગેઈનિંગની સ્થિતિમાં છે. વર્તમાન વર્ષમાં જે કરાર રિન્યુઅલ માટે પાકી રહ્યા છે તે કરાર એવા સમયે થયા હતા જ્યારે ઈનફરમેશન ટેકનોલોજી ક્ષેત્રમાં એઆઈનું ખાસ પ્રભુત્વ નહોંતું. હવે દેશવિદેશની મોટાભાગની આઈટી કંપનીઓ પોતાના કલાયન્ટસને સેવા પૂરી પાડવા એઆઈની પણ મદદ લઈ રહ્યાનું ચિત્ર છે. પોતાને કેવા પ્રકારની એઆઈ સેવા પ્રાપ્ત થઈ શકશે તેની પણ કલાયન્ટસ જાણકારી મેળવવા ઈચ્છી રહ્યા છે.
કરારના રિન્યુઅલ્સમાં એઆઈ મહત્વની ભૂમિકા ભજવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે કારણ કે, આઈટી કંપનીના કલાયન્ટસ પોતાના વ્યવસાયમાં ખર્ચમાં ઘટાડા સાથે કાર્યક્ષમતા વધારવા પર ભાર આપી રહી છે. બીજી બાજુ આઈટી કંપનીઓ માટે પણ એઆઈ આવકનું એક નવું માધ્યમ બની રહ્યું છે ત્યારે પોતાની સેવામાં તેને જોડવાથી સેવા પૂરી પાડવામાં ઝડપ કરી શકાશે એમ આઈટી કંપનીઓ માની રહી છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફને કારણે દેશ વિદેશની કંપનીઓ ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓના ખર્ચમાં જંગી વધારો થવાની શકયતા રહેલી છે. આ વધારાને ધ્યાનમાં રાખી કંપનીઓ તેને ભરપાઈ કરવા અન્ય ખર્ચાઓ પર કાપ મૂકવાનો વ્યૂહ અપનાવશે જે કરાર રિન્યુઅલમાં આઈટી કંપનીઓ સામે પડકારરૂપ બની શકે છે, એમ આઈટી ક્ષેત્રના આગેવાનો માની રહ્યા છે.
દેશની આઈટી અનબેલ્ડ સર્વિસીસ ક્ષેત્રની કંપનીઓના ભાવિ વિકાસનો આધાર તેઓ એઆઈને પોતાની સેવામાં કઈરીતે આવરી લે છે તેના પર રહેલો છે. એઆઈ સંબંધિત કોન્ટ્રેકટસની રૂપરેખા આઈટી સેવા કંપનીઓ દ્વારા પૂરી પડાતી પરંપરાગત સેવાની સરખામણીએ સદંતર અલગ જ છે. એઆઈ પદ્ધતિના વિકાસ તથા જાળવણી માટે અલગ પ્રકારના માનવ મૂડીની આવશ્યકતા રહે છે. આઈટી ઉદ્યોગ પાંચ ટકાથી ઓછા દરે વિકસી રહ્યો છે પરંતુ એઆઈ ક્ષેત્ર ૩૦ ટકાથી વધુના દરે વિકસી રહ્યું છે જે એઆઈ માટે માગમાં વધારો થઈ રહ્યાનું સૂચવે છે. એઆઈના વધી રહેલા વપરાશને ધ્યાનમાં રાખી વપરાશકાર કંપનીઓ પણ પોતાના આઈટી બજેટને નવેસરથી તૈયાર કરશે.
ઓટોમેશન છતાં વેપારગૃહોને માનવમૂડીની આવશ્યકતા ચાલુ રહી છે, તેને બાજુ પર મૂકી શકતા નથી એ પણ એક હકીકત છે. કર્મચારીઓની આવશ્યકતાને ધ્યાનમાં રાખી ટેક કંપનીઓ તેમને તાલીમબદ્ધ કરવા જંગી માત્રામાં નાણાં ખર્ચી રહી છે. એઆઈ સિસ્ટમ્સ, ડેટા સાયન્સ તથા મશીન લર્નિંગમાં સ્કીલ્ડ ધરાવતા કર્મચારીઓને ટેક કંપનીઓ પ્રાધાન્ય આપી રહી છે. માનવ કામગીરીનું સ્થાન એઆઈ લઈ શકે એમ નથી પરંતુ એઆઈ ટેકનોલોજીના જાણકાર કર્મચારી અનસ્કીલ્ડ કર્મચારીનું સ્થાન લેશે તેમાં બેમત નથી. એઆઈને કારણે રોજગાર ગુમાઈ નથી રહ્યા પરંતુ તેની પદ્ધતિમાં પરિવર્તન આવી રહ્યું હોવાના ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. ટેકનોલોજી કંપનીઓ હાલમાં જે નવી ભરતી કરી રહ્યા છે તેમાં એઆઈ જાણકારોને પ્રાથમિકતા અપાઈ રહી છે, જેથી તેમને સ્કીલિંગ પાછળના ખર્ચમાં કંપનીઓને રાહત મળી રહે.
ટેકનોલોજી ક્ષેત્રે ભારતે ઘણી પ્રગતિ કરી છે ત્યારે એઆઈના વિકાસમાં તેને ભંડોળ સિવાય અન્ય કોઈ મોટા પડકારો હોવાનું જણાતું નથી. આમ છતાં એઆઈ રેસની હજુ શરૂઆત છે, ત્યારે આ રેસમાં કોણ જીતશે અને કોણ હારશે તે અંગે ભવિષ્ય ભાખવું હાલમાં વહેલુ ગણાશે. અમેરિકા તથા ચીન જેવી જ તકો ભારતીય કંપનીઓ માટે પણ રહેલી છે, ત્યારે દેશની ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓએ પોતાના જુના વેપાર કરાર જાળવી રાખવા અને નવા કરાર મેળવવા એઆઈ સંકલિત સેવા પર ભાર આપવાનું હવે લગભગ ફરજિયાત બની ગયું છે એમ આ ક્ષેત્રના નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે.