Get The App

'વન નેશન, વન માર્કેટ, વન ટેકસ'ની રૂપરેખા

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
'વન નેશન, વન માર્કેટ, વન ટેકસ'ની રૂપરેખા 1 - image


- ફુગાવાને અંકૂશમાં રાખવાના સકારાત્મક પગલાં

- ઓપિનિયન-પી.ચિદમ્બરમ્

- અતિ ગરીબીમાંથી બહાર આવવામાં સરકારે 25 કરોડ લોકોને મદદ કરી છે : આ અને મૂળભૂત જરૂરિયાતો માટેની જોગવાઈએ ગ્રામ્ય વિસ્તારના લોકોની આવકમાં વધારો કરાવ્યો છે

- ઉચ્ચ શિક્ષણ માટે મોટી સંખ્યામાં નવી સંસ્થાઓ જેમ કે 7 આઈઆઈટી, 16 આઈઆઈઆઈટી, 15 એઆઈઆઈએમએસ તથા 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે

સારુ અર્થતંત્ર શાંત હોય છે અને સારા અર્થશાસ્ત્રીઓ તેમની નીતિઓના પરિણામોનો સ્વીકાર કરતા હોય છે. આર્થિક સર્વે, નવા વર્ષમાં સંસદના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ સભાગૃહને કરેલા સંબોધન તથા નાણાં પ્રધાન દ્વારા   પ્રસ્તુત કરાયેલા વચગાળાના બજેટ સરકારી નીતિના મહત્વના દસ્તાવેજો છે. આ દરેક દસ્તાવેજો સરકારના ઈરાદાઓ પર પ્રકાશ પાડે છે. 

નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ માટેના વચગાળાના બજેટની રજુઆત કરતી વેળા નાણાં પ્રધાને બુલહોર્નનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું. આમ છતાં બજેટ રજુ થયું તેના  બીજા દિવસના અંત સુધીમાં કોઈપણ નિશાની વગર બજેટ અદ્રષ્ય થઈ ગયું હતું જેને કારણે નાણાં પ્રધાન કદાચ નિરાશ પણ થયા હશે. 

છેલ્લા દસ વર્ષથી સરકાર દ્વારા કરાઈ રહેલા એકના એક દાવાથી દેશના લોકો કદાચ કંટાળી અને થાકી ગયા હશે તેવુ મને લાગે છે. વર્ષે બે કરોડ લોકોને રોજગાર પૂરા પાડવાની ખાતરી સામે સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગા પૂરવા થોડાઘણા એપોઈન્ટમેન્ટ લેટર્સ અપાયા છે જ્યારે બીજી બાજુ ૨૦૨૩માં ટેક કંપનીઓએ ૨.૬૦ લાખ કર્મચારીઓની છટણી કર્યાના અહેવાલ છે. ભારત તથા વિદેશમાં પડેલા બેહિસાબી નાણાં પરત લાવી દેશના દરેક નાગરિકના બેન્ક ખાતામાં રૂપિયા ૧૫  લાખ જમા કરવાની અપાયેલી ખાતરી પણ લોકો ભૂલ્યા નથી. કૌભાંડકારીઓ દેશમાંથી નાસી જઈ વિદેશમાં જલસા કરી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષમાં તેમને ભારત લવાયા નથી, તેનાથી પણ દેશની જનતા સારી રીતે વાકેફ છે. ખેડૂતોની આવક બમણી કરવાની, ૨૦૨૨ સુધીમાં દરેક પરિવારને રહેઠાણ પૂરા પાડવાની તથા નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાની કરાયેલી વાતો પણ ભૂલાઈ નથી. માટે નાણાં પ્રધાનના દાવામાંથી લોકોએ માત્ર મનોરંજન જ મેળવ્યું છે.

નાણાં પ્રધાનઃ આ અને મૂળભૂત જરૂરિયાતો માટેની જોગવાઈએ ગ્રામ્ય વિસ્તારના લોકોની આવકમાં વધારો કરાવ્યો છે.

હકીકતઃ પીએલએફએસ ડેટા અને અઝિમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટ પ્રમાણે ત્રણ પ્રકારના શ્રમિકો (નિયમિત, દૈનિક વેતન સાથેના અને સ્વરોજગાર ધરાવતા)ની આવક નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ના ગાળામાં સ્થિર રહી હતી. 

નાણાં પ્રધાનઃ અતિ ગરીબીમાંથી બહાર આવવામાં સરકારે ૨૫ કરોડ લોકોને મદદ કરી છે.

હકીકતઃ યુએનડીપી પ્રમાણે, ગરીબીમાંથી બહાર કઢાયેલા લોકોની સંખ્યા ૨૭.૫૦ કરોડ (યુપીએમાં) અને ૧૪ કરોડ (એનડીએના કાળમાં ) હતી. 

નાણાં પ્રધાનઃ પીએમ કિસાન સમ્માન યોજના હેઠળ સામાન્ય તથા નાના મળીને ૧૧.૮૦ કરોડ ખેડૂતોને દર વર્ષે સીધી નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

હકીકતઃ ૧૫ નવેમ્બર, ૨૦૨૩ના રોજ લાભકર્તા ખેડૂતોની સંખ્યા ઘટી ૮.૧૨ કરોડ હતી. જમીનદારોને વળતર અપાય છે જ્યારે ખેત મજુરોને બાકાત રખાયા છે. 

નાણાં પ્રધાનઃ ઉચ્ચ શિક્ષણ માટે મોટી સંખ્યામાં નવી સંસ્થાઓ જેમ કે ૭ આઈઆઈટી, ૧૬ આઈઆઈઆઈટી, ૧૫ એઆઈઆઈએમએસ તથા ૩૯૦ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે.

હકીકતઃ ૨૨મી માર્ચ, ૨૦૨૩ના ખાલી પડેલા હોદ્દાની સંખ્યા આઈઆઈટીમાં (૯૬૨૫), આઈઆઈઆઈટી (૧૨૧૨) તથા સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં (૨૨૧૦૬) હતી. ૧૫મી માર્ચ, ૨૦૨૨ના એઆઈઆઈએમએસ દિલ્હીમાં ફેકલ્ટી તથા રેસિડેન્ટસમાં ૧૨૫૬ ખાલી જગા પડી હતી. અન્ય ૧૯ એઆઈઆઈએમએસમાં આ આંક ૩૮૭૧ હતો.  

નાણાં પ્રધાનઃ યુવાનોની વ્યવસાયીક સાહસિકતા માટે કુલ રૂપિયા ૨૨.૫૦ લાખ કરોડને આવરી લેતી ૪૩ કરોડ પીએમ મુદ્રા લોન્સ મંજુર કરવામાં આવી છે. 

હકીકતઃ લોનનું સરેરાશ કદ રૂપિયા ૫૨૩૨૫ છે. આ લોનને આપણે શિશુ (૮૩ ટકા), કિશોર (૧૫ ટકા) અને તરુણ (૨ ટકા) વર્ગીકૃત કરીએ તો મોટાભાગની લોન શિશુ હોવાનું સ્વાભાવિક છે. પ્રકાશિત થયેલા ડેટાનું ગણિત જોશું તો, ૩૫.૬૯ કરોડ શિશુ બોરોઅરોને રૂપિયા ૯ લાખ કરોડ પ્રાપ્ત થયાનું જણાશે. આનો અર્થ લોનનું સરેરાશ કદ રૂપિયા ૨૫૨૧૭ છે. રૂપિયા ૨૫૦૦૦માં કેવા પ્રકારનો વેપાર શરૂ થઈ શકે અને ચાલી શકે?

નાણાં પ્રધાનઃ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસે દેશમાં 'વન નેશન, વન માર્કેટ, વન ટેકસ'ની રૂપરેખા ઊભી કરી છે.

હકીકતઃ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ કાયદો ક્ષતિ ભરેલો છે અને વેપારીઓના શોષણ તથા ત્રાસ માટેનું સાધન બની ગયો છે. 

નાણાં પ્રધાનઃ ફુગાવાને અંકૂશમાં રાખવાના  સકારાત્મક પગલાંને કારણે તેને પોલિસી બેન્ડની રેન્જમાં રાખી શકાયો છે.

હકીકતઃ લાગે છે કે, પોલિસી બેન્ડ અંગે સરકાર તથા રિઝર્વ બેન્કની સમજ કંઈક અલગ છે.  રિઝર્વ બેન્ક ફુગાવાને ૨થી ૪ ટકાની રેન્જમાં લાવવા પ્રયાસો કરી રહી છે, જ્યારે સરકાર ૪ થી ૬ ટકાની મહત્તમ મર્યાદાની ચકાસી રહી છે. ૨૦૧૯થી ૨૦૨૪ના પાંચ વર્ષના ગાળામાં રિટેલ ફુગાવો સરેરાશ ૫.૬૦ ટકા રહ્યો છે. ખાધાખોરાકીનો ફુગાવો ૮.૭૦ ટકા, દૂધ ૫.૦૭ ટકા, ફળો ૧૧.૪૦ ટકા તથા શાકભાજી ૨૭.૬૪ ટકા રહ્યો છે. 

નાણાં પ્રધાનઃ સમયસર અને પૂરતા ધિરાણ, સુસંગત ટેકનોલોજીસનો સ્વીકાર તથા એમએસએમઈને  વિકાસ માટે યોગ્ય તાલીમ અમારી અગ્રતાઓ રહેલી છે. 

હકીકતઃ સરકારી ટેકાના અભાવે હજારો એમએસએમઈ કોરોનાના કાળમાં બંધ પડી ગયા હતા. અંદાજે રૂપિયા બે લાખ કરોડ છૂટા કરાયા  હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. 

ગેરબંધારણિય સ્પષ્ટતાઃ ઊંચા અવાજે બોલવાથી સચ્ચાઈને દાબી શકાતી નથી. 


Google NewsGoogle News