Get The App

ઘઉંમાં નવા પાકનો આશાવાદ વધ્યો

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
ઘઉંમાં નવા પાકનો આશાવાદ વધ્યો 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

- વિવિધ રાજ્યોમાં નવા પાકની આવકો પણ પાછલા વર્ષ કરતાં આરંભમાં વધુ આવી રહ્યાના સંકેતો મળ્યા

દેશમાં અનાજ  બજારોમાં ઘઉંના ભાવમાં તાજેતરમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. હવામાનમાં થતી વધઘટ પર બજારના ખેલાડીઓની નજર હતી.  દેશમાં હવે ઉનાળો શરૂ થઈ ગયો છે તથા બજારમાં નવા ઘઉંની આવકો પર વેપારીઓ નજર માંડીને બેઠા છે. દરમિયાન, ઘઉંના નવા પાકનો આશાવાદ ઉંચો રહેતાં દેશના અનાજ બજારોમાં ભાવ તાજેતરમાં પીછેહટ બતાવી રહ્યા હતા.  દેશમાં આ વર્ષે ઘઉંનો પાક એકંદરે સારો મનાઈ રહ્યો છે.  અનાજ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઘઉંનો પાક આ વર્ષે અગાઉના અંદાજ કરતાં હવે વધુ અંદાજાતો થયો છે તથા પાછલા વર્ષ કરતાં પણ આ વર્ષનો પાક ઉંચો અંદાજાઈ રહ્યો છે. પાકનો આશાવાદ ઉપરાંત આ વર્ષે નવા ઘઉંની ગુણવત્તા પણ સારી આવવાની શક્યતા બજારના જાણકારોે બતાવી રહ્યા હતા. આ વર્ષે હવામાનમાં ફેરફારો વચ્ચે ઘઉંનો પાક ઓછો આવવાની ભીતિ આ પૂર્વે શરૂઆતમાં બતાવાતી હતી પરંતુ હવે આ ભીતિ દૂર થઈ છે તથા પાકનો આશાવાદ વધ્યો છે. અનાજ બજારના તજજ્ઞાોના જણાવ્યા મુજબ આ વર્ષે ઘઉેંનો નવો પાક ૧૦૫૦ લાખ ટનથી વધુ આવવાની આશા જણાય છે. સરકારના કૃષી મંત્રાલયના સૂત્રો જો કે પાકનો તાજેતરનો અંદાજ ૧૧૫૪થી ૧૧૫૫ લાખ ટનનો બતાવી રહ્યા  હતા. અમેરિકાના કૃષિ વિભાગે ભારતના ઘઉંના પાકનો અંદાજ ૧૧૫૦ લાખ ટનનો તાજેતરમાં બહાર પાડયો હતો.

દરમિયાન, દેશમાં ૧ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન વિવિધ રાજ્યોના અનાજ બજારોમાં મળીને નવા ઘઉંની કુલ આવકો આશરે ૪૧થી ૪૨ લાખ ટન બજારોમાં આવી ગઈ છે. ગયા વર્ષે આ ગાળામાં આ આંકડો ૨૬થી ૨૭ લાખ ટનનો નોંધાયો હતો. આ વર્ષે અનાજ બજારોમાં  નવા ઘઉંની શરૂઆત ગયા વર્ષ કરતાં વહેલી થઈ હતી, એવું સૂુત્રોએ જણાવ્યું હતું. મધ્ય-પ્રદેશ, ઉત્તર-પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વિ.માં નવી આવકો સારી રહી છે. પંજાબ તથા હરિયાણાથી મળતા સમાચારો પણ સારી આવકો બતાવતા હતા.  દિલ્હીના ફલોર મિલરોને ક્વિ.ના ૨૫૦૦ના ભાવોએ ઘઉં મળી રહ્યાના વાવડ હતા.

દેશમાં ઘઉંનો નવો પાક પાછલા વર્ષ કરતાં એકંદરે ૧૦ ટકા ઉંચો મંનાઈ રહ્યો છે. આ વર્ષે  ઘઉંની  નવી મોસમ શરૂ થઈ ત્યારે પાછલી મોસમનો સિલ્લક સ્ટોક નોંધપાત્ર રહ્યો હતો એ જોતાં આ વર્ષે દેશમાં ઘઉંની સપ્લાય એકંદરે પુરતી તથા સંતોષજનક રહેવાની ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા હતા. આ વર્ષે ૭મી એપ્રિલ સુધીના પ્રાપ્ત થયેલા આંકડા મુજબ સરકાર હસ્તકના ક્રૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આશરે ૧૮થી ૧૯ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે જયારે પાછલા વર્ષે આ ગાળાનો આ આંકડો ૧૧થી ૧૨ લાખ ટનનો નોંધાયો હતો. આ વર્ષે મધ્ય-પ્રદેશ તથા રાજસ્થાનમાં  એ ફસીઆઈ દ્વારા ઘઉંની ખરીદી વહેલી શરૂ કરાઈ હતી.  સરકારી સત્તાવાર ખરીદી સામાન્યપણે એપ્રિલ આરંભથી શરૂ થાય છે. પરંતુ આ વર્ષે એપ્રિલ પૂર્વે  માર્ચ મિહનામાં એફસીઆઈ દ્વારા આશરે ૬ લાખ ટન ઘઉં ખરીદવામાં આવ્યાના નિર્દેશો મળ્યા હતા.  રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં ખેડૂતોને બોનસ આપવામાં આવી રહ્યું હોવાથી આ રાજ્યોમાં સરકારને વધુ ઘઉં પ્રાપ્ત થવાની શક્યતા અનાજ બજારમાં ચર્ચાઈ રહી હતી.  એફસીઆઈ દ્વારા ઘઉંની ખરીદી સામે ખેડૂતોને ચૂકવણી પણ ૧-૨ દિવસમાં કરી દેવામાં આવી રહ્યાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું. પંજાબ તથા હરિયાણામાં ઘઉંનો નવો પાક ૧૦ ટકાથી પણ વધુ આવવાની આશા નોર્થના અનાજ બજારોમાં બતાવાઈ રહી છે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં રેલવે-રેકોની અછતના કારણે રોડ માર્ગે ઘઉં ખરીદી ડિલીવરી  મેળવવા સાઉથના ફલોર મિલરોને ક્વિ.દીઠ  રૂ.૨૦૦થી ૩૦૦ વધુ ચૂકવવા પડી રહ્યાની ચર્ચા પણ બજારોમાં સંભળાઈ હતી.

Tags :