સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ: ખેલાડીઓની મૂંઝવણ વધી

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ: ખેલાડીઓની મૂંઝવણ વધી 1 - image


- બુલિયન બિટ્સ-દિનેશ પારેખ

- યુએસમાં  ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડતાં ત્યાં વ્યાજ ઘટાડાની શક્યતા પ્રબળ બનતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો ફરી દાખલ થયા

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં ઉંચા ભાવની તેજીને બ્રેક વાગતાં ટોચ પરથી ભાવ ઝડપથી નીચા ઉતરતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર મળ્યા હતા.  જોકે ત્યારબાદ ભાવ ફરી ઉંચકાયા હતા.વિશ્વબજારમાં ભાવ ઉંચેથી ઝડપી નીચા આવતાં તેના પગલે ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં તેના પગલે દેશના ઝવેરીબજારોમાં ઉંચા મથાળે લેનારા ઓછા તથા વેચનારા વધુ જેવી સ્થિતિ જોવા મળી છે. વૈશ્વિક સોનાના ભાવ ઔંશદીઠ તાજેતરમાં ઘટી એક તબક્કે ૨૩૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ઘટી ૧૦ ગ્રામના રૂ.૭૪ હજારની અંદર બોલાતા થયા છે. અમદાવાદ ચાંદીના ભાવ ઉંચેથી ઘટી કિલોદીઠ રૂ.૯૦ હજાર આસપાસ રહ્યા હતા. જો કે ત્યારબાદ ભાવ ફરીવધી આવ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ઘટી રૂ.૭૧ હજારની અંદર તથા ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૮૭ હજારની અંદર તાજેતરમાં ટ્રેડ  થયા પછી બજાર ફરી ઉંચકાઈ હતીદરમિયાન, દેશમાં ચોમાસાની પ્રગતી શરૂઆતમાં ધીમી રહી છે પરંતુ આગળ ઉપર આમાં ગતી આવશે એવી આશા જાણકારો બતાવી રહ્યા હતા. ચોમાસાની પ્રગતી સારી રહેશે તો દેશના ઝવેરીબજારોમાં આગળ ઉપર ગ્રામિણ વિસ્તારોની રુરલ માંગ સારી રહેવાની શક્યતા જાણકારો બતાવતા હતા. આ તરફ હવે ટૂંકમાં રજૂ થનારા કેન્દ્ર સરકારના બજેટ પર પણ બજારની નજર રહી છે. બજેટમાં સોના પરની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરવામાં આવે છે કે નહિં તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે. બજેટમાં નાણાંપ્રધાન સોના પરની કસ્ટમ ડયુટી- ઈમ્પોર્ટ ડયુટીમાં કદાચ પાંચ ટકાનો ઘટાડો કરશે એવી શક્યતા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટી તાજેતરમાં બે સપ્તાહના તળીયે ઉતર્યા હતા જ્યારે ચાંદીના વૈશ્વિક ભાવ ઘટી દોઢ મહિનાના તળીયે ઉતર્યાના સમાચાર મળ્યા હતા.

વૈશ્વિક સોનાના ભાવ જે તાજેતરમાં ઉંચામાં ઔંશદીઠ ૨૩૬૦થી ૨૩૬૫ ડોલર સુધી જોવા મળ્યા હતા તે ત્યારબાદ ઝડપથી ગબડી નીચામાં ૨૩૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા તથા ભાવ નીચામાં ૨૨૯૦થી ૨૨૯૫ ડોલર સુધી ઉતરી ગયાના વાવડ મળ્યા હતા.  તે ફરી વધી ૨૩૪૦ ડલર થયા હતા. અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડો વધુ વિલંબમાં પડશે એવી શક્યતા વૈશ્વિક સ્તરે બતાવાતી થતાં તાજેતરમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધી નવેમ્બર પછીની નવી ઉંચી સપાટીએ પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ વધતાં તથા બોન્ડ યીલ્ડ પણ ઉંચકાતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોની વેચવાલી નોંધપાત્ર વધ્યાના વાવડ મળ્યા હતા. આના પગલે વૈશ્વિક સોનાના ભાવ તાજેતરમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર તૂટી ગયા હોવાનું વિશ્વબજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ તાજેતરમાં નોંધપાત્ર દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ જે ઉંચામાં ૩૦ ડોલરની ઉપર જઈ ૩૦.૨૫થી ૩૦.૩૦ ડોલર સુધી પહોંચ્યા હતા તે ત્યારબાદ તૂટી પ્રથમ તબક્કે ૩૦ ડોલરની અંદર ઉતરી ગયા પછી વધુ ગબડી ૨૯ ડોલરની પણ અંદર ઉતરી નીચામાં ૨૮.૫૫થી ૨૮.૬૦ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સ તથા ત્યારબાદ ભાવ ફરી વધી ૨૯.૬૩ ડોલર થયા હતા. વિશ્વબજારમાં એક બાજુ ડોલરના ભાવ ઉંચા જઈ રહ્યા હતા ત્યારે તેની સામે જાપાનની કરન્સીમાં ગાબડાં પડયાના નિર્દેશો મળ્યા હતા. જાપાનની કરન્સી ગબડતાં તેના પગલે ડોલર સામે ચીન તથા ભારત ઉપરાંત એશીયાના વિવિધ દેશોની કરન્સીઓના ભાવ દબાણ હેઠળ આવતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ જોવા મળી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં ડોલર સામે જાપાનની કરન્સી ગબડી નીચામાં ૧૯૮૬ પછીના નવા તળીયે જતી રહ્યાના વાવડ મળ્યા હતા. જ્યારે યુરોપીયન કરન્સી યુરો સામે જાપાનની કરન્સી યેનના ભાવ તૂટી પચ્ચીસ વર્ષના તળીયે ઉતરી ગયાના નિર્દેશો પણ મળ્યા હતા. ડોલર સામે જાપાનીઝ યેનના ભાવમાં ૩૮ વર્ષનું તળીયું જોવા મળ્યું હતું. જોકે વૈશ્વિક સ્તરે એક બાજુ સોના તથા ચાંદીના ભાવ ગબડી રહ્યા હતા. ત્યારે બીજી તરફ પ્લેટીનમના ભાવ આંચકા પચાવી ફરી વધી ઔંશના ૧૦૧૭ ડોલરની સપાટીને આંબી ગયાના સમાચાર મળ્યા હતા.જોકે સામે પેલેડીયમના ભાવમાં મંદી આશ્ચર્યજનક રીતે આગળ વધી હતી તથા પેલેડીયમના ભાવ નીચામાં ૯૨૦થી ૯૨૫ ડોલર સુધી જતા રહેતાંપ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ વચ્ચેનો તફાવત વધી ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આના પગલે હવે પ્લેટીનમે ઘટતું પડે અથવા તો પેલેડીયમે વધવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી! દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં તથા ભાવ ફરી નીચા ઉતરતાં તેની અસર સોનાના ભાવ પર નેગેટીવ દેખાઈ હતી. વિશ્વબજારમાં  બ્રેન્ટક્રુડના ભાવ બેરલના ઉંચામાં જે ૮૬ ડોલર ઉપર ગયા હતા તે નીચામાં ૮૪.૫૦ ડોલર સુધી ઉતર્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં બેરલના ૮૦.૨૦ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. દરમિયાન, અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૦.૯૦ મિલીયન બેરલ્સ વધ્યો હોવાના આંકડા અમેરિકન પેટ્રોલીયમ ઈન્સ્ટીટયુટે બહાર પાડયાના સમાચાર મળ્યા હતા. આવો સ્ટોક હકીકતમાં ૩૦ લાખ બેરલ્સ ઘટવાની અપેક્ષા હતી તેના બદલે સ્ટોકમાં વૃધ્ધિ થતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. આ પૂર્વે આ સ્ટોક ૨૩ લાખ બેરલ્સ વધ્યો હતો. અમેરિકામાં ક્રૂડતેલની આયાત દૈનિક ધોરણે ૩૧ લાખ બેરલ્સની થતાં આવી આયાત વધી બે વર્ષની ટોચે પહોંચી હતી. અમેરિકામાં આવી આયાત વિશેષ રૂપે કેનેડા તથા લેટીન અમેરિકા ખાતેથી વધ્યાના નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, અમેરિકામાં ન્યુ હોમસેલના આંકડા નબળા આવ્યા હતા તથા આ આંકડા ૧૧થી ૧૨ ટકાનો ઘટાડો બતાવી રહ્યા હતા. ભારતમાં હવે ઝવેરીબજારના ખેલાડીઓની નજર જુલાઈમાં રજૂ થનારા કેન્દ્ર સરકારના બજેટ પર રહી છે. કિંમતી ધાતુઓ કેશમાં ખરીદવાની મર્યાદા બજેટમાં કદાચ રૂ.બે લાખથી ઘટાડી રૂ.૫૦ હજાર કરવામાં આવે નવાઈ નહિં એવી ગણતરી તાજેતરમાં બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. આ ઉપરાંત કસ્ટમ ડયુટીમાં કેવા ફેરફારો આવે છે તેના પર પણ બજારની નજર રહી હતી.


Google NewsGoogle News