ખેડૂતના દરજ્જા અંગે સરકારના મહેસુલ વિભાગના ખેડૂત ખરાઈ પ્રમાણપત્રના સરળીકરણમાં બિનખેડૂત અંગે સ્પષ્ટતા જરૂરી

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ખેડૂતના દરજ્જા અંગે સરકારના મહેસુલ વિભાગના ખેડૂત ખરાઈ પ્રમાણપત્રના સરળીકરણમાં બિનખેડૂત અંગે સ્પષ્ટતા જરૂરી 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)

- આધાર વર્ષ તા. ૬/૪/૯૫ પહેલાંના અને પછીના બિનખેડુતની તરફેણમાં થયેલ વ્યવહારોની સ્પષ્ટતા જરૂરી

- ગણોતધારાની કલમ-૬૩નો ભંગ કરીને થયેલ વ્યવહારો નિયમબધ્ધ કરવાનું આચરણ થવાનું ભયસ્થાન છે

ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તા. ૧૩/૯/૨૦૨૪ના ઠરાવ ક્રમાંક ગણત / ૧૦૨૦૨૨ / ૫૯ / ૯૯ અન્વયે ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવા અંગેની નિર્ણય કરવાની કાર્યવાહીમાં સરળીકરણ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આમ તો જ્યારથી 'ખેડુત ખરાઈ પ્રમાણપત્રની' જોગવાઈ દાખલ કરવામાં આવી ત્યારથી પાયાના તત્વ તરીકે ખેડુતના દરજ્જા અંગે તેમજ તે અંગેની ખેડુત ખાતેદાર હોવાની તમામ આનુસાંગિક નોંધો મહેસુલી રેકર્ડ આધારે મહેસુલી અધિકારી એટલે કે હક્કપત્રકમાં નોંધ પ્રમાણિત અધિકારીએ જ ખાત્રી કરવા અને સાચા ખેડુત ખાતેદારોને આ અંગે પડતી મુશ્કેલીઓ અંગે આ કોલમના માધ્યમથી ખેડુતોના હિતમાં અનેકવાર લેખોના માધ્યમથી તેમજ અમોએ સરકારના તત્કાલીન મહેસુલ મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીશ્રીને પણ આ જોગવાઈઓ રદ કરવા જણાવેલ અને તેના પરિપાક રૂપે ઘણા સમય બાદ ખેડુત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવશે નહિ તેવા મોંઘમ શબ્દો સાથે નિર્ણય કર્યો છે. ખરેખર તો આદેશાત્મક ભાષામાં ખેડુત ખરાઈ પ્રમાણપત્રની જોગવાઈ રદ કરવામાં આવે છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી છે. પરંતું તે સાથે ખેડુતના દરજ્જા અંગે તેમજ બિનખેડુતની અગાઉ જે નોંધો મંજુર થયેલ છે અને ત્યારબાદ તબક્કાવાર ક્રમશ: ખેતીની જમીનો ધારણ કરે છે તે અંગે પણ સ્પષ્ટતા કરવી જરૂરી હતી કારણકે ૬/૪/૧૯૯૫ પહેલાંના જે વ્યવહારો થયા અન તે આધારે પછીના વર્ષોમાં બિનખેડુતો દ્વારા ખેતીની જમીન ખરીદાઈ હોય તે અંગે સ્પષ્ટતા કરવી જરૂરી હતી ખરેખર તો ખેડુતખરાઈ પ્રમાણપત્ર રદ કરવાનો મૂળ ઉદ્દેશ સાચા ખેડુત ખાતેદારોને જે હેરાનગતી હતી તે દુર કરવાનો હતો અને સાચા ખેડુત ખાતેદારની ખરાઈ મહેસુલી અધિકારીઓએ જ્યારે મહેસુલી રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે ત્યારે સ્વમેળે ખરાઈ કરી નિર્ણય લેવાની બાબત હતી જેની સામે સરકારે તા. ૬/૪/૯૫નું cut-off વર્ષ નક્કી કરીને તેના પહેલાના વ્યવહારોને ધ્યાનમાં ન લેવાની સુચનાઓ આપી છે તેનો મતલબ એ થાય કે તે પહેલાંના બિનખેડુતો દ્વારા ખરીદાયેલ ખેતીની જમીનના વ્યવહારો અને ત્યારબાદના તેઓએ કરેલ વ્યવહારો પણ વિનયમિત થાય છે.  

ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં ગણોતધારાની કલમ-૬૩ કલેક્ટરની પરવાનગી સિવાય બિનખેડુત દ્વારા ખેતીની જમીન ધારણ કરવા / વેચાણ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે આ કાયદાની કલમ-૨(૨) અને ૨(૬) જાતખેતીની વ્યાખ્યા સાથે ૮ કિમીની ત્રિજ્યામાં ખેતીની જમીન ધારણ કરવાની જોગવાઈ જે હતી તે રાજ્ય સરકારે રદ કરી છે અને તેને ૬/૪/૧૯૯૫નું આધાર વર્ષ ગણવામાં આવેલ છે. ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ એટલે કે બિનખેડુત દ્વારા થયેલ વ્યવહાર બદલ કલમ-૮૪સી હેઠળ કાર્યવાહી કરવાની સત્તા - મામલતદાર અને કૃષિપંચને છે અને જમીન મહેસુલ નિયમોના નિયમ-૧૦૮(૬) હેઠળ હક્કપત્રકમાં દાખલ થયેલ અને પ્રમાણિત થયેલ  કાયદા વિરૂધ્ધની નોંધ સ્વમેળે Suo-moto Revisionમાં લેવાની કલેક્ટરને સત્તા છે. પરંતું આ કાર્યવાહી જમીન મહેસુલ નિયમો હેઠળ હક્કપત્રકની નોંધ અંગે નિર્ણય લેવાય છે. જ્યારે બિનખેડુત સામે ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ કલમ-૮૪સી હેઠળની કાર્યવાહી કરવાની થાય છે. આમ બંન્ને કાયદાની જોગવાઈઓ અલગ અલગ છે. જે ગુજરાત હાઈકોર્ટ Evergreen Apartment વડોદરાના કિસ્સાથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 

મહેસુલ વિભાગના તા. ૧૩/૯/૨૦૨૪ના ઠરાવથી જે સરળીકરણ કરવામાં આવ્યું છે તેમાં જમીનના વેચાણના પ્રસંગે અને નોંધ પ્રમાણિત કરતી વખતે શું કાર્યવાહી નોંધ પ્રમાણિત અધિકારીઓએ અનુસરવી તે જણાવેલ છે અને તે અનુસાર જમીન મહેસુલ અધિનિયમમાં ૪/૧૯૯૫ના કાયદાથી કલમ ૨(૬) હેઠળનું ૮ કિમીની મર્યાદાની જોગવાઈ તા. ૬/૪/૯૫નું આધારવર્ષ ગણીને અગાઉના જે વ્યવહારો થયેલ છે તેનું રેકર્ડ ધ્યાનમાં લેવાનું રહેશે નહિં. એટલે કે તેમાં ૮ કિમી ની મર્યાદાનો ભંગ કરીને જે અસલ ખેડુતો દ્વારા વ્યવહારો થયેલ તે માટે રેકર્ડ ધ્યાનમાં લેવું ન જોઈએ તેવું હાર્દ હોઈ શકે પરંતું તેમાં બિનખેડુતને થયેલ વ્યવહારો માટેનું પણ અર્થઘટન થઈ શકે છે અને તે આધારે ૬/૪/૯૫ પછી પણ જે બિનખેડુત દ્વારા અગાઉ ખરીદાયેલ જમીનના આધારે પાછળથી ખરીદાયેલ જમીનને કાયદેસરતા આપી શકવાના પ્રસંગો બની શકે છે અને તે માટે ઉક્ત ઠરાવના પેરા-૨માં જે સ્પષ્ટતાઓ જણાવેલ છે તેનાથી સમર્થન મળે છે. જેમાં સરકારે અગાઉ ૮/૧/૧૯ના પરિપત્રથી ખેડુતખરાઈ અંગે જે સુચનાઓ આપેલ તેમાં જુદા જુદા સમયે ધારણ કરેલ જમીન તથા જમીન મુળથી કેવી રીતે ધારણ કરેલ જમીન જોગવાઈ હતી તેમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં હક્કપત્રકમાં વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે લાગુ પડશે નહિ, આ જોગવાઈથી સ્પષ્ટ થાય છે કે અગાઉના જો બિનખેડુત દ્વારા ધારણ કરેલ ખેતીની જમીન કે તેઓની હક્કપત્રકમાં અગાઉ જે નોંધો મંજુર થયેલ છે તેને ધ્યાનમાં લેવાની રહેશે નહિ, આમ ગણોતધારાની કલમ-૬૩નો ભંગ કરીને થયેલ વ્યવહારો નિયમબધ્ધ કરવાનું આચરણ થવાનું ભયસ્થાન છે.

મહેસુલ વિભાગના ઠરાવના પેરા-૩માં જણાવ્યા પ્રમાણે વેચાણ રાખનારે ખેડુત ખાતેદાર હોવાનું સોગંધનામું રજુ કરવાનું જણાવેલ છે. તેનો મતલબ એ કે, સાચા ખેડુતખાતેદાર માટે પણ Onus  ખેડુત ખાતેદાર ઉપર નાખવામાં આવ્યું છે. જ્યારે ઓનલાઈન મહેસુલી રેકર્ડ ઉપલબ્ધ છે. ત્યારે મહેસુલી અધિકીરઓએ જ વેરીફાઈ કરવાની જવાબદારી રાખવી જોઈએ આ સોગંધનામામાં તો અગાઉ બિનખેડુતે જે ખેતીની જમીન ખરીદી હશે અને નોંધ પ્રમાણિત ૬/૪/૧૯૯૫ પહેલાં અને પછી ખરીદાયેલ વ્યક્તિ તે વ્યવહારો જણાવી સોગંધનામા રજુ કરશે અને નોંધ પ્રમાણિત અધિકારીઓ તેનો આધાર રાખીને નોંધ પ્રમાણિત કરી શકશે અને તે અંગે પેરા-૪માં ફક્ત જણાવેલ છે કે અગાઉની ઓનલાઈન નોંધો વેરીફાઈ કર્યાનો શેરો કરવાનો ઉલ્લેખ છે. 

પરંતું તેમાં બિનખેડુત દ્વારા થયેલ વ્યવહારો અંગે નોંધ પ્રમાણિત કરવાના બદલે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે તેવું જણાવવાની જરૂર હતી. આમ ખેડુત ખરાઈની બાબત મુળભુત રીતે મહેસુલી તંત્રની હતી, તેના બદલે ખેડુતોને પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ આગ્રહ ન રાખવાની જોગવાઈ કરતો ઠરાવ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તે આવકારદાયક છે. પરંતું તે ઉપર જણાવેલ ભયસ્થાનો અને ઉક્ત જોગવાઈઓના આધારે બિનખેડુતોની તરફેણમાં થયેલ વ્યવહારો નિયમબધ્ધ થવાનું આચરણ અનુસરવામાં આવશે આ અંગે સરકાર સાચા અને મુળ ખેડુતોના હિતમાં વિચારણા કરે તે જરૂરી છે. 



Google NewsGoogle News