યુએસ રેટકટની મિશ્ર ઇમ્પેક્ટ : સોનામાં તેજીનો રેકોર્ડ, જ્યારે ડોલર ઇન્ડેક્સ ઝડપી નીચે ઉતર્યો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
યુએસ રેટકટની મિશ્ર ઇમ્પેક્ટ : સોનામાં તેજીનો રેકોર્ડ, જ્યારે ડોલર ઇન્ડેક્સ ઝડપી નીચે ઉતર્યો 1 - image


- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- વિશ્વ બજારમાં ચાંદીમાં પણ ઉછાળો છતાં ઘરઆંગણે સરકારે ટેરીફ વેલ્યુ ઘટાડતાં બજારના ખેલાડીઓમાં આશ્ચર્ય ફેલાયું 

દેશમાં ઝવેરીબજારોમાં તાજેતરમાં વિતેલા સપ્તાહ દરમિયાન સોના- ચાંદીના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. સપ્તાહના પુર્વાર્ધમાં ભાવમાં પીછેહટ પછી સપ્તાહના ઉત્તરાર્ધમાં બજાર ફરી ઉંચી જતી જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર સપ્તાહના ઉત્તરાર્ધમાં તેજી બતાવતા હતા. જોકે ઉછાળાઓ આવી રહ્યા હતા પરંતુ જળવાયા ન હતા અને ભાવ ઉંચી ટોચ પરથી ફરી નીચા ઉતરતા જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૬ હજાર આસપાસ બેતરફી વધઘટ બતાવતા રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૮ હજારની સપાટીની આસપાસ ઉછળકુદ બતાવતા જોવા મળ્યા હતા. વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકામાં ચાર વર્ષથી વધુના સમયગાળા પછી તાજેતરમાં વ્યાજના દરમાં ઘટાડો કરવાનો આરંભ કરાયાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દર તાજેતરમાં અડધો ટકો ઘટાડવાનો નિર્ણય કરાયાના સમાચાર મળ્યા હતા. ત્યાં વ્યાજના દર ઘટાડાતાં વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં તથા બોન્ડની યીલ્ડમાં પણ પીછેહટ દેખાતાં તેના પગલે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર દરીયાપારથી મળ્યા હતા. વિશ્વબજારમાં આના પગલે સોનાના ભાવ ઔંશદીઠ ઝડપી વધી ઉંચામાં એક તબક્કે ૨૬૦૦ ડોલરની સપાટીને આંબી જતાં વિશ્વબજારમાં તેજીનો નવો રેકોર્ડ સર્જાયો હતો. જોકે ત્યારબાદ ભાવ ફરી નીચા ઉતરી ૨૫૮૧થી ૨૫૮૨ ડોલર આસપાસ રહ્યાના નિર્દેશો હતા. અને  ભાવ ફરી વધી સપ્તાહના અંત ભાગમાં ઉંચામાં ૨૬૧૯થી ૨૬૨૦ ડોલર સુધી પહોંચ્યા હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવ પણ ઔંશના ઉંચામાં ૩૧ ડોલરની સપાટી પાર કરી ૩૧.૩૦ ડોલર ઉપર ગયા પછી ભાવ કરી ઘટી ૩૦.૮૭ ડોલર આસપાસ રહ્યા  પછી ફરી ઉંચકાઈ ઉંચામાં ૩૧.૪૩થી ૩૧.૪૪ ડોલર સુધી પહોંચ્યા હતા. અમેરિકામાં વ્યાજ દરમાં પા ટકાનો ઘટાડો થવાની અપેક્ષા હતી પરંતુ તેના  બદલે ત્યાં વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો કરવામાં આવતાં વિશ્વબજારમાં સોનાના ભાવ તાત્કાલીક અસરે પ્રથમ તબક્કે ઝડપી વધી ૨૬૦૦ ડોલરની નવી ઉંચી ટોચને આંબી ગયા હતા પરંતુ ત્યારબાદ ઉછાળો ટકી શક્યો ન હતો એવું વિશ્વબજારના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો કરવામાં આવશે એવા સંકેતો ત્યાં ફેડરલ રિઝર્વ દ્વારા આપવામાં આવ્યા છે એ જોતાં આગળ ઉપર વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ એકંદરે દબાણ હેઠળ રહેશે તથા સોનાના ભાવ વૈશ્વિક સ્તરે વધઘટે તેજી તરફી રહેશે એવી શક્યતા વિશ્વબજારના જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી ઉંચામાં ઔંશના ૧૦૦૦ ડોલર નજીક જ્યારે પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૧૧૦૦ ડોલરની ઉપર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ઉંચકાતાં વૈશ્વિક ચાંદીના ભાવ પર પોઝીટીવ અસર દેખાઈ હતી. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ આંચકા પચાવી ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ જે તાજેતરમાં ગબડી નીચામાં એક તબક્કે ત્રણ વર્ષના તળીયે ઉતરી ગયા હતા તે ભાવ ત્યારબાદ તળીયેથી બાઉન્સબેક થતા જોવા મળ્યા હતા અને તેની પણ પોઝીટીવ અસર વૈશ્વિક સોનાના ભાવ પર જોવા મળી હતી. વિશ્વબજારમાં બ્રેન્ડ ક્રૂડતેલના ભાવ બાઉન્સ બેક વચ્ચે ઉંચામાં બેરલના ફરી ૭૫ ડોલર નજીક પહોંચ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ઉંચામાં ૭૨ ડોલરની સપાટી પાર કરી ગયાના વાવડ મળ્યા હતા.

અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક આશરે ૧૬ લાખ બેરલ્સ ઘટયો હોવાનું યુએસ એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સની પીછેહટના પગલે વિવિધ પ્રમુખ કોમોડિટીઝના ભાવ ઉછળતા રહ્યા હતા પરંતુ ચીનની નવી માગ અપેક્ષાથી ધીમી રહેતાં આવા ભાવ ઉછાળા ઉભરા જેવા નિવડી રહ્યાનું પણ વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. ચીનમાં અર્થતંત્ર વિષયક નબળાઈ ચાલુ રહી છે. ત્યાં  સરકાર દ્વારા નવા નવા સ્ટીમ્યુલ્સ અપાતા રહ્યા છે પરંતુ અર્થતંત્રની ગાડી હજી પાટે ચડી નથી એવું જાણકારોએ જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે જ્યાં સુધી ચીનની માગ નબળી રહેશે ત્યાં સુધી વિવિધ કોમોડિટીઝ બજારોમાં આવતા ઉછાળા ઉભરા જેવા નિવડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, તાજેતરમાં યુરોપમાં વ્યાજ દરમાં ઘટાડો થયા પછી અમેરિકાએ ચાર વર્ષ પછી વ્યાજના દર ૨૩ વર્ષની ટોચ પરથી ઘટાડવાની શરૂઆત કરી છે ત્યારે બ્રિટનથી મળેલા સમાચાર મુજબ ત્યાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તાજેતરમાં વ્યાજના દર ઘટાડવાના બદલે જાળવી રાખવાનો નિર્ણય કર્યાના નિર્દેશો મળ્યા હતા. આના પગલે વિશ્વબજારમાં ડોલર સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઝડપી વધી અઢી વર્ષની ટોચે પહોંચ્યા હતા. જાપાનની સરકારે પણ વ્યાજ દર જાળવી રાખ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઘટી  તાજેતરમાં દોઢ મહિનાના તળીયે ઉતરી જતાં ઝવેરીબજારમાં તેના કારણે સોના- ચાંદીના ભાવમાં તેજીની ચાલ મર્યાદિત રહી હતી. એવું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, ભારતમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં તાજેતરમાં સરકારે ફેરફારો કરતાં તેના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ ફેરફારો થતા જોવા મળ્યા હતા. સરકારે સોનાની આવી ટેરીફ વેલ્યુમાં ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૮૧૦થી વધારી ૮૧૯ ડોલર કરી છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ  ડોલરના સંદર્ભમાં ૯૬૦થી ઘટાડી સરકારે ૯૩૭ ડોલર કર્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે દેશમાં આયાત થતા સોનાની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃધ્ધિ જ્યારે ચાંદીની આવી ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં તાજેતરમાં જ્યારે ચાંદીના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા ત્યારે ભારતમાં તેની ટેરીફ વેલ્યુ ક્યા આધારે ઘટાડવામાં આવી છે? એવો પ્રશ્ન ઝવેરીબજારોમાં પૂછાતો સંભળાયો હતો.


Google NewsGoogle News