અમૃત કાળમાં મંત્રી મિડલ ક્લાસ, પબ્લિક હાઈ ક્લાસ

Updated: Jan 22nd, 2023


Google NewsGoogle News
અમૃત કાળમાં મંત્રી મિડલ ક્લાસ, પબ્લિક હાઈ ક્લાસ 1 - image


- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- આપણા દેશમાં સૌથી ગરીબ જો કોઈ હોય તો તે સરકાર છે,  બિચારી દેવું કરી કરીને દિવસો કાઢે છે 

શિયાળો પરિસંવાદો અને સેમિનારોની સિઝન હોવાથી કેટલાક અર્થશાસ્ત્રીઓ  પ્રિ -બજેટ  પરિસંવાદ માટે એકઠા થયા. 

એક અર્થશાસ્ત્રી કહે, 'હવે બજેટનું એનેલિસીસ અર્થશાસ્ત્રીય ધોરણે નહીં, પણ રાજ્યશાસ્ત્રીય ધોરણે એટલે કે વિચારધારાની વફાદારી પ્રમાણે જ કરવાનો ધારો છે. એટલે આ પરિસંવાદ એ મુદ્દે હોય તો મને કોઈ રસ નથી. '

બીજા અર્થશાસ્ત્રી  ે કહે, 'જબરદસ્ત  પરિવર્તન આવ્યું છે. આપણે અર્થશાસ્ત્રનાં જેટલાં થોથાં ભણ્યા છીએ અને ભણાવ્યા છે તે તમામ નકામા ંથઈ જાય તેમ છે અને બધું અપડેટ કરવું પડે તેમ છે. '

ત્રીજા  અર્થશાસ્ત્રી બગાસું ખાતાં કહે , 'આપણું ભણાવેલું અર્થશાસ્ત્ર વળી ક્યારે કામનું હતું તે હવે નકામું થઈ જાય. '

સિનિયર અર્થશાસ્ત્રી કહે, 'બજેટનાં આપણાં એનેલિસીસમાં આમેય સરકારને કે પ્રજાને કોઈ રસ નથી. એ તો આપણે લોકોએ જ અંદરોઅંદર ફીફાં ખાંડી લેવાના હોય, પણ આ તો એક વર્ષનાં બજેટની વાત નથી. એનાથીય મોટું પરિવર્તન છે. આપણાં નાણાં પ્રધાને જાહેર કર્યું છે કે તેઓ મધ્યમવર્ગમાંથી આવે છે.' 

એક અર્થશાસ્ત્રી બૂમો મારવા લાગ્યા, 'ન ભૂતો ન ભવિષ્યતિ.  મંત્રી કોને કહેવાય તે વ્યાખ્યા બદલવાનું આપણા હાથમાં નથી, પરંતુ મિડલ ક્લાસની વ્યાખ્યા તો આપણે બદલી જ નાખવી પડશે. '

સિનિયર કહે, 'મેં પહેલાં જ કહ્યું કે બધી થિયરીઓ બદલવાનો સમય પાકી ગયો છે . જુઓ, આપણે બધા માનતા હતા કે મોંઘવારીથી પ્રજા ત્રસ્ત હોય છે, બેકારીથી હતાશ હોય છે, ફૂગાવાને કારણે પ્રજામાં ઉશ્કેરાટ વધે છે, પરંતુ આ બધું હવે ચૂંટણીઆ સાબિત કરે છે કે પ્રજા મોંઘવારીમાં પણ રાજી છે. તેનો મતલબ એક જ થાય કે આ પ્રજા હવે મિડલ ક્લાસ નથી રહી, પણ હાઈ ક્લાસ થઈ ગઈ છે. સાચા અર્થમાં આ અમૃત કાળ છે.  ' 

બીજા  અર્થશાસ્ત્રી કહે, ' સાચી વાત... પણ આ અમૃત કાળમાં  જો કોઈ સૌથી ગરીબ હોય તો એ બિચારી સરકાર છે.  એક ગરીબ પાસે શિક્ષણ કે આરોગ્ય માટે નાણાં નથી હોતાં તેમ સરકાર પાસે પણ શિક્ષણ-આરોગ્યનાં નાણાં નથી. જેમ એક ગરીબ પોતાના વૃદ્ધ વડીલોને પાળી પોષી શકતો નથી તેમ સરકાર પણ વડીલોને રેલવે ટિકિટનાં કન્સેશન આપી શકતી નથી. ેજેમ ગરીબ ઘર ચલાવવા પોતાનાં વાસણો વેચે તેમ સરકાર પણ પોતાનું કામ ચલાવવા માટે સરકારી કંપનીઓ, જમીનો બધું વેચતી હોય છે. જેમ ગરીબો માનતા હોય છે કે અમીરોનાં ખિસ્સાં ખાલી થતાં જ નથી અને તેઓ જેટલું દાન આપે તેટલું ઓછું તેમ સરકાર પણ માને છે ે કે પ્રજાનાં ખિસ્સાં ક્યારેય ખાલી થતાં જ નથી  અને તે જેટલો ઈન્કમટેક્સ, જીએસટી પ્રોપર્ટી ટેક્સ, રોડ ટેક્સ , ટોલટેક્સ આપે એટલું ઓછું.  '

ત્રીજા અર્થશાસ્ત્રી કહે, 'આખી વાતનો સાર શું ? '

સિનિયર કહે, 'સિમ્પલ છે. હવે આવતાં બજેટમાં મિડલ ક્લાસ માટે કેમ કંઇ નથી એવું નહીં પૂછી શકાય. મિડલ ક્લાસ નાણાં પ્રધાન કહી દેશે કે હું સ્વાર્થી નથી કે મારા પોતાના માટે કાંઈ કરું.' 

ચોથા અર્થશાસ્ત્રી ઉશ્કેરાઈને કહે, 'હવે ભાષણબાજી બંધ કરો. મંત્રીઓ મિડલ ક્લાસ બની જાય એવો જમાનો આવ્યો છે, પણ અર્થશાસ્ત્રીઓ મંત્રી બની જાય એવો જમાનો ક્યારનોય જતો રહ્યો છે. '

આ વાત પર એક દુર્લભ ચેષ્ટા  રુપે અર્થશાસ્ત્રીઓ પણ હસી પડયા. 

સ્માઈલ ઈન્ડેક્સ 

પોતે મિડલ ક્લાસમાંથી આવે છે એમ કહીને નાણાં પ્રધાને એક રીતે બજેટનું પેપર ફોડી નાખ્યું છે. હવે બજેટમાં કરકસર, ખર્ચમાં કાપ, ત્રેવડ, બચત, સાઈડ ઈન્કમ એવા બધા શબ્દો સંભળાય તો નવાઈ નહીં.



Google NewsGoogle News