બજારની વાત : ચીનની ફેન એશિયાની સૌથી ધનિક એક્ટ્રેસ
એશિયાની સૌથી ધનિક અભિનેત્રી કોણ છે ? આ સવાલના જવાબમાં મોટા ભાગનાં લોકોને પ્રિયંકા ચોપરા કે ઐશ્વર્યા રાય જેવી કોઈ ભારતીય એક્ટ્રેસનું નામ જ સૂઝે પણ વાસ્તવમા ચીનની ફેન બિંગબિંગ એશિયાની સૌથી ધનિક એક્ટ્રેસ છે.
ફેનની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધારે હોવાનું કહેવાય છે. ફેને ૨૦૧૮માં કરચોરીના આરોપોને પગલે ૧૦૦૦ કરોડ રૂપિયા તો ઈન્કમટેક્સ ભરવો પડેલો. ૧૯૮૧માં જન્મેલી ફેને ૧૯૯૦ના દાયકામાં ટીનેજર તરીકે ટીવી એક્ટ્રેસ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૯૮માં ૧૬ વર્ષની ઉંમરે ફેન માય ફેર પ્રિન્સેસમા ચમકી અને યુવા દિલોની ધડકન બની ગઈ. ૨૦૦૩ની સેલફોન ફેનની પહેલી ફિલ્મ હતી. લોસ્ટ ઈન બીજીંગ અને ડબલ એક્સપ્લોરર જેવી ઓલટાઈમ સુપરહીટ ફિલ્મોમાં ફેન ચમકી છે.
૪૫ દિવસમાં ઓફિસ તૈયાર પણ મંત્રીજી વ્યસ્ત હતા
બેંગલુરુમાં દેશની પહેલી 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ શરૂ થતાં દેશમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નવી ક્રાંતિની શરૂઆત થવાનાં એંધાણ છે. ૧૦૦૦ ચોરસ ફૂટમાં 3D કોંક્રીટ પ્રિન્ટીંગ ટેકનોલોજી સાથે બનાવવામાં આવેલી આ ઓફિસ માત્ર ૪૫ દિવસમાં બની ગઈ છે. પરંપરાગત પદ્ધતિથી બનાવવામાં આવે તો લગભગ ૮ મહિનાનો સમય લાગી જાય એ જોતાં આ ટેકનોલોજીથી સમયનો બહુ બચાવ થશે. પોસ્ટ ઓફિસની સ્ટ્રક્ચરલ ડિઝાઇનને મદ્રાસ આઈઆઈટીએ મંજૂરી આપી છે.
મજાની વાત એ છે કે, ૪૫ દિવસમાં બનેલી પોસ્ટ ઓફિસનું ઉદઘાટન કરવા સાડા ત્રણ મહિના રાહ જોવી પડી. પહેલાં કોર્પોરેશને ડ્રેનેજ અને પાણીનાં કનેક્શન આપવામાં બે મહિના કાઢી નાંખ્યા ને પછી મંત્રી અશ્વિની વૈષ્ણવ વ્યસ્ત હોવાથી ઉદઘાટન માટે વધુ એક મહિનો રાહ જોવી પડી.
'બાર્બી' સુપરહીટ થતાં માર્ગોટને ૪૦૦ કરોડ ફી મળી
'બાર્બી' ફિલ્મ સુપરહીટ થતાં જ માર્ગોટ રોબી પણ સુપરહીટ થઈ ગઈ છે ને વાસ્તવમાં દુનિયાની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ બની ગઈ છે. હોલીવુડમાં કલાકારોને એક બેઝિક એમાઉન્ટ અપાય છે અને ફિલ્મની સફળતાના આધારે તેમને શેર અપાય છે. 'બાર્બી' સુપરહીટ થતાં માર્ગોટને ૫ કરોડ ડોલર (લગભગ ૪૦૦ કરોડ રૂપિયા) મળ્યા છે. અત્યાર સુધી હોલીવુડમાં એક ફિલ્મ માટે સૌથી વધારે ફીનો રેકોર્ડ સાંદ્રા બુલોકના નામે છે. સાંદ્રાને ૨૦૧૩માં ગ્રેવિટી માટે ૭ કરોડ ડોલર મળેલા. મૂળ ઓસ્ટ્રેલિયન માર્ગોટ તો 'બાર્બી'ની પ્રોડયુસર પણ છે તેથી 'બાર્બી'ના કારણે એ રાતોરાત કરોડોમાં આળોટતી થઈ ગઈ છે. ૧૧૮ કરોડ ડોલર (લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા)ની કમાણી સાથે 'બાર્બી' આ વર્ષની સૌથી સફળ મૂવી છે.
આતંકી મલિકની પત્ની કેમ મંત્રી ના બની શકી?
તિહાર જેલમાં બંધ જમ્મુ અને કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકની પત્ની મુશાલ હુસૈનને પાકિસ્તાનના રખેવાળ વડાપ્રધાન અનવાર ઉલ હક કાકડનાં સલાહકાર બનાવાયાં છે. મુશાલને મંત્રી બનાવાયાં હોવાની વાતો ચાલેલી પણ પાકિસ્તાનના બંધારણ પ્રમાણે બેવડું નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ મંત્રી ના બની શકે. મુશાલ પાકિસ્તાન અને બ્રિટનનું નાગરિકત્વ ધરાવે છે તેથી મંત્રી બનતાં બનતાં રહી ગયાં. મલિક ૫૭ વર્ષનો છે જ્યારે મુશાલ ૩૮ વર્ષની છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલી મુશાલ વગદાર પરિવારની છે. ચિત્રકાર મુશાલની માતા રેહાના શાહબાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમલીગ (નવાઝ)ના મહિલા મોરચાની પ્રમુખ હતી. મુશાલના પિતા એમ. એ. હુસૈન મલિક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી હતા. મુશાલનો ભાઈ હૈદર અલી વિદેશી બાબતોનો નિષ્ણાત છે અને કેલિફોર્નિયાની યુનિવસટીમાં ભણાવે છે.
નેપાળે ભારતને મૂંઝવણભરી સ્થિતીમાં મૂક્યું
નેપાળે ભારતને મૂંઝવણભરી સ્થિતીમાં મૂકી દીધું છે. હિંદુઓની બહુમતી ધરાવતા નેપાળમાં શ્રાવણથી તહેવારોની સિઝન શરૂ થઈ હોવાથી ખાદ્ય પદાર્થોની અછતથી બચવા માટે નેપાળે ભારત પાસે ચોખા અને ખાંડ માંગ્યા છે. નેપાળે ભારત પાસે ૧૦ લાખ ટન ડાંગર, એક લાખ ટન ચોખા અને ૫૦ હજાર ટન ખાંડની માંગ કરી છે. હવે ભારતમાં ચોખા અને ખાંડનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી તેથી ભારત મૂંઝાયું છે. મૂંઝવણનું કારણ એ છે કે, નેપાળ ભારતને ટામેટાં આપી રહ્યું છે. ભારતમાં ટામેટાના ભાવ આસમાને છે ત્યારે નેપાળે મદદનો હાથ લંબાવીને ટામેટાં મોકલવા માંડયાં છે તેથી ભાવ કાબૂમાં આવવા માંડયા છે. ભારત ખાંડ-ચોખા ના આપે તો નેપાળ ટામેટાં બંધ કરી દેશે.
પાર્ટી કરનારાંને ઘરે જવા સરકાર ફ્રી ટેક્સી આપશે
ઈટાલીમાં મોડી રાત સુધી પાર્ટી કરનારા બેફામ ડ્રાઈવિંગ કરીને અકસ્માત કરતા હોવાથી સરકારે નવી સ્કીમ અમલમાં મૂકી છે. આ સ્કીમ પ્રમાણે પાર્ટી કરીન નિકળનારાંને સરકાર મફતમાં ટેક્સીની સુવિધા આપશે. ડ્રંક ડ્રાઈવિંગના કારણે થતા અકસ્માતમાં ઘટાડો કરવા માટેની આ સ્કીમ હેઠળ નાઈટ ક્લબ્સની બહાર પોલીસની વાન ઉભી રહેશે. ક્લબમાંથી નિકળનારી દરેક વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવશે. વધારે દારૂ પીધો હોય એવું લાગશે તેમના માટે ટેક્સીની વ્યવસ્થા પોલીસ જ કરી આપશે.
ઈટાલીની સરકારે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સૌથી વધુ અકસ્માત થાય છે એવા રોડની ૬ નાઈટક્લબ્સની બહાર પોલીસ વાન રાખવાની જાહેરાત કરી છે. આ યોજનાથી અકસ્માત અટકેશે તો આ યોજના કાયમી ધોરણે લાગુ કરવામાં આવશે.
બર્ગર કીંગ પણ ટામેટાં નહીં વાપરે
મેકડોનાલ્ડ અને સબ વેની પંગતમાં હવે બર્ગર કીંગ પણ બેસી ગયું છે.બર્ગર કિંગના સ્ટોર્સ પર એવાં પાટીયા ઝૂલે છે કે તેેની પ્રોડક્ટમાં હવે તે ટમેટાંનો ઉપયોગ નહીં કરે. ટમેટાંના ભાવ બહુ ઉંચા ગયા હોઇ આ નિર્ણય લેવાયો છે. બર્ગર કિંગે ટેમેટાં નહીં વપરાય તેની નોટીસ નીચે લખ્યું હતું કે હવે તો ટમેટાંને પણ વેક્સીનેશનની જરૂર છે. ભારતમાં તેના ૪૦૦ કાઉન્ટર છે. કંપનીએ તેની વેબસાઇટ પર લખ્યું હતું કે એક તો ટમેટાં મોંધા પણ છે અને ક્વોલિટી પણ નબળી આવે છે.