કપાસ ઉગાડતા ઘણા ખેડૂતો ડાંગર-ચોખા તરફ વળ્યા : રૂ ઉત્પાદન ઘટવાની ભીતી

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
કપાસ ઉગાડતા ઘણા ખેડૂતો ડાંગર-ચોખા તરફ વળ્યા : રૂ ઉત્પાદન ઘટવાની ભીતી 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

- બાંગ્લાદેશમાં સત્તાપલ્ટાના પગલે ભારતથી એ તરફ કોટન નિકાસ ઓગસ્ટમાં આશરે દસ ટકા ઘટયાના નિર્દેશો

દેશમાં રૂ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો તાજેતરમાં પલ્ટાતા જોવા મળ્યા છે.  નોન-મિલ તથા મિલ વપરાશ જળવાઈ રહ્યો છે. કપાસનું ઉત્પાદન કરતા વિવિધ રાજ્યોમાંથી મિશ્ર સમાચારો આવતા રહ્યા છે. હરિયાણાથી મળેલા નિર્દેશો મુજબ ત્યાં જીવાતના ઉપદ્રવના પગલે કપાસ ઉગાડતા ખેડૂતો કપાસના બદલે ડાંગર-ચોખા તરફ વળતા નજરે પડયા છે. રાજસ્થાનમાં  પણ કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર  ૭ લાખ ૯૧ હજાર હેકટર્સથી ઘટી ૫ લાખ ૧૩ હજાર હેકટર્સ નોંધાયાના વાવડ મળ્યા હતા. પંજાબમાં પણ કપાસનું વાવેતર ઘટયું છે. ત્યાં આ આંકડો ૨ લાખ ૧૪ હજારથી ઘટી ૧ લાખ હેકટર્સ બતાવાતો થયો છે. સિરસા જિલ્લાના કૃષી ક્ષેત્રમાં ડાંગર-ચોખાનું વાવેતર વધતાં પાણીની ટયુબવેલ માટે સૂર્યપ્રકાશ પર આધારીત સોલાર પેનલ્સનું ચલણ વધતું જવા મળ્યું છે. ત્યાં ઘણા ખેડૂતો કપાસનું વાવેતર ઘટાડી ચોખાના વાવેતર તરફ વળ્યા છે.કપાસના બદલે ડાંગર તરફ વળવુંએ હકીતમાં મજબૂરી હતી અને શોખ ન હતો એવું આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું. હરિયાણામાં સિરસા જેવી જ પરિસ્થિતિ તાજેતરમાં ફતેહબાદ તથા હિસાર જિલ્લામાં જોવા મળી હતી. હરિયાણામાં ખરીફ મોસમમાં કપાસનું વાવેતર ઘટી ૪ લાખ ૭૧ હજાર હેકટર્સ જેટલા વિસ્તારમાં થયું છે જે પાછલા વર્ષ આ ગાળામાં  ૬ લાખ ૬૫ હજાર હેકટર્સ જેટલા વિસ્તારમાં થયું હતું. આની સામે ત્યાં ડાંગર ચોખાના વાવેતર હેઠળનો વિસ્તાર ૧૫ લાખ ૨૦ હજાર હેકટર્સથી વધી ૧૬ લાખ ૪૪ હજાર હેકટર્સની નવી વિક્રમી ટોચે પહોંચ્યાના વાવડ મળ્યા હતા. જીવાતના ઉપદ્રવ ઉપરાંત આ વર્ષે મે-જૂન દરમિયાન વાવેતરના સમય દરમિયાન કપાસના ભાવ નીચા હતા અને તેની અસર પણ વાવેતર પર પડી હતી.  હરિયાણાની મંડીઓમાં આ ગાળામાં કપાસના સરેરાશ ભાવ કિવન્ટલના રૂ.૬૭૦૦થી ૬૮૦૦ રહ્યા હતા જે પાછલા વર્ષે આ ગાળામાં રૂ.૧૧૧૦૦થી ૧૧૨૦૦ રહ્યા હતા.

દરમિયાન, અમેરિકાના કૃષી વિભાગ યુએસડીએના જણાવ્યા મુજબ ભારતમાં ૨૦૨૪-૨૫ની કોટનની નવી મોસમમાં રૂનું ઉત્પાદન ૩૦૭થી ૩૦૮ લાખ ગાંસડી થવાની શક્યતા છે.  એક ગાંસડીમાં ૧૭૦ કિલો રૂ આવે છે. કપાસના ઊભા પાક પર વધુ પડતા વરસાદની તથા જીવાતની અસર દેખાતી થઈ છે. અમેરિકાના કૃષી ખાતાએ ભારતમાં રૂનો નવો પાક ૩૧૩થી ૩૧૪ લાખ ગાંસડી આવશે એવો અંદાજ ઓગસ્ટમાં રજૂ કર્યો હતો. અને હવે તાજેતરમાં આ અંદાજ ઘટાડીને ૩૦૭થી ૩૦૮ લાખ ગાંસડીનો કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે.  ભારતમાં ઓકટોબરથી શરૂ થનારા નવા રૂ વર્ષમાં દેશમાંથી રૂની નિકાસ ૧૬થી ૧૭ લાખ ગાંસડી થવાનો અંદાજ બતાવાયો છે જે આંકડો ઓગસ્ટના અંદાજમાં ૧૯થી ૨૦ લાખ ગાંસડીનો બતાવાયો હતો.

દરમિયાન, બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા સત્તા પલ્ટાની અસર ભારતના કોટન યાર્નના વેપાર પર કોઈ વિશેષ પડશે નહિં એવું જાણકારોએ જણાવ્યું હતું. ભારતમાંથી બાંગ્લાદેશ તરફ કોટન તથા કોટન યાર્નની નિકાસ થાય છે. કોટન યાર્ન બજારના ખેલાડીઓ માટે બાંગ્લાદેશ તરફનું વેંચાણ ૮થી ૧૦ ટકા જેટલું ગણાય છે. દરમિયાન, ભારતથી બાંગ્લાદેશ તરફ રૂની નિકાસ ઓગસ્ટમાં આશરે ૧૦ ટકા ઘટી હોવાના વાવડ મળ્યા હતા. ભારતથી કોટન તથા વિવિધ ટેક્સટાઈલ કાચા માલોની નિકાસ બાંગ્લાદેશમાં થતી હતી  અને બાંગ્લાદેશમાં આમાંથી તૈયાર વસ્ત્રો બનાવાઈ વિદેશના બજારોમાં નિકાસ કરવામાં આવતા હતા  પરંતુ બાંગ્લાદેશમાં તાજેતરમાં રાજકીય અસ્થિરતા સર્જાતા આ વેપાર વ્યવહાર પર અસર પડતી દેખાઈ છે.દરમિયાન, ભારતમાં કોટનનું કુલ પ્રોસેસિંગ ૨૦૨૩-૨૪ની વર્તમાન મોસમમાં ૩૨૩થી ૩૨૪ લાખ ગાંસડી જેટલું થવાનો અંદાજ તાજેતરમાં કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ બહાર પાડયો છે. 


Google NewsGoogle News