ભગવાન રામના બિઝનેસ ક્ષેત્રને લઈને કેટલાક મહત્ત્વના પાઠ, જીવનમાં થશે ઉપયોગી
બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને મહત્ત્વના કેટલાક મુદ્દા શીખવાડી જાય છે
- રામાયણને પૌરાણિક કથા તરીકે જોવાના બદલે તે બિઝનેસ ક્ષેત્રમાં રોજીંદા સ્તરે કેવી રીતે અમલી બનાવી શકાય તે વિચારવાની જરૂર છે. કોઇ પુસ્તક કે મેનેજમેન્ટ શીખવતી સંસ્થાઓ પણ બિઝનેસના વહીવટનું જ્ઞાન ના આપી શકે તેવું વહીવટી જ્ઞાાન રામાયણ આપે છે.
- રામાયણમાં સુગ્રીવે તેનાથી વધુ બળવાન ભાઇને હરાવ્યો હતો અને પોતાનું રાજ પાછું મેળવ્યું હતું. કેમકે તેણે ભગવાન રામ સાથે હાથ મિલાવ્યા હતા. સુગ્રીવ પાસે અંગદ મેનેજર તરીકે હતો. તેની કોમ્યુનિકેશન સ્કીલ ઉપયોગમાં આવી હતી
આ જે જ્યારે આખો દિવસ રામ મંદિરની ચર્ચા અને પ્રાણ પ્રતિષ્ઠાને સમર્પિત ભાવના તેમજ જાહેર રજાનો માહોલ જોવા મળતો હશે ત્યારે બિઝનેસ ક્ષેત્રે પણ ભગવાન રામના સિધ્ધાંતો કેટલા ઉપયોગી અને પોઝિટીવ પરિણામો આપી શકે છે તે સમજવાની જરૂર છે અને તેને અમલમાં મુકવાની પણ જરૂર છે.
ગ્રાહકોને કેવી રીતે છેતરવા અને કેવી રીતે વધુ નફાખોરી કરવી તેને બિઝનેસના મુખ્ય મુદ્દા ગણીને આગળ વધી રહેલું બિઝનેસ ક્ષેત્ર આજકાલ જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર માહોલમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે રામ રામ જપવાના બદલે તેમના બિઝનેસ બાબતના સિધ્ધાંતોને અમલી બનાવવાની જરૂર છે.
રામાયણને પૌરાણિક કથા તરીકે જોવાના બદલે તે બિઝનેસ ક્ષેત્રમાં રોજીંદા સ્તરે કેવી રીતે અમલી બનાવી શકાય તે વિચારવાની જરૂર છે. કોઇ પુસ્તક કે મેનેજમેન્ટ શીખવતી સંસ્થાઓ પણ બિઝનેસના વહીવટનું જ્ઞાાન ના આપી શકે તેવું વહીવટી જ્ઞાાન રામાયણ આપે છે. રામાયણ આપણને નેતૃત્વ, વહીવટ અને આયોજન શીખવે છે. રામાયણના પાત્રો લોકોને ઘણું જ્ઞાાન આપી રહ્યા છે.
રામાયણનું દરેક ચેપ્ટર લાગણી અને શૌર્યથી ભરેલું છે. રામાયણના કાળમાં કોઇ બિઝનેસ કે કોર્પોરેટ કંપનીઓ નહોતી પરંતુ ભગવાન રામે અપનાવેલા સિધ્ધાંતો બિઝનેસમાં એપ્લાય કરવામાં આવે તો બિઝનેસની કામગીરી સ્વચ્છ અને લોકોપયોગી વિચારવાળી બની શકે છે.
૧. વ્યૂહાત્મક રીતે બિઝનેસ રીલેશન્સ ઉભા કર્યા હોય તો તેનો અનેક ઘણો લાભ મળી શકે છે. રામાયણમાં સુગ્રીવે તેનાથી વધુ બળવાન ભાઇને હરાવ્યો હતો અને પોતાનું રાજ પાછું મેળવ્યું હતું. કેમકે તેણે ભગવાન રામ સાથે હાથ મિલાવ્યા હતા. સુગ્રીવ પાસે અંગદ મેનેજર તરીકે હતો. તેની કોમ્યુનિકેશન સ્કીલ ઉપયોગમાં આવી હતી. ટૂંકમાં મેનેજર વફાદાર અને સમય સાથે ચાલનાર હોવો જોઇએ. અંગદે ભગવાન રામ સાથે હાથ મિલાવ્યા બાદ રામની શક્તિનો ઉપયોગ પોતાના માલિકનું શાસન પાછું મેળવવા મદદ લીધી હતી.
૨. રામ કથા અનુસાર જ્યારે હનુમાનજીએ સીતા માતા ક્યાં છે તે શોધી કાઢ્યા બાદ ધરપકડ વહોરી લીધી હતી. હનુમાનજીને પકડીને રાવણ સમક્ષ લઇ જવાયા બાદ હનુમાન લંકાને આગ ચાંપે છે. હનુમાનજીનું આ કામ ભગવાન રામને ગમ્યું નહોતું. ત્યારબાદ હનુમાનજી દરેક કામ ભગવાન રામને પૂછીને જ કરતા હતા. હવે દરેક કામ ભગવાનને પૂછીને લેવાતા હનુમાનજીની નિર્ણયો લેવાની શક્તિ વધી હતી. આ રીતે ભગવાને પોતાને ત્યાં એક મજબૂત નેતા તૈયાર કર્યો હતો. આ મુદ્દા પરથી શીખવાનું એ છે કે સાચો લીડર એ છે કે તે બીજા લીડર તૈયાર કરે. જે સ્વતંત્ર નિર્ણયો લઇ શકે.
૩. બિઝનેસમાં કોમ્યુનિકેશન બહુ મહત્ત્વનું છે. જ્યારે કોઇ મહત્ત્વની વાત કરી હોય તો તેને વળગી રહો. સુગ્રીવ અને બાલી વચ્ચેનો મતભેદ મિસ કોમ્યુનિકેશનના કારણે થયો હતો. કોઇ કંપનીનું હસ્તાંતરણ હોય કે વહીવટી નિર્ણયો હોય તો તે ચોક્કસ અને સ્પષ્ટ હોવા જોઇએ. આવા નિર્ણયોનું કોમ્યુનિકેશન જ્યારે અસ્પષ્ટ થાય છે ત્યારે કંપની ધાર્યા પરિણામો મેળવી શકતી નથી.
૪. સફળ કંપની એ છે કે જે તેમના વારસદારોના સરખા ભાગ પાડે. રઘુવંશમાં લખ્યા અનુસાર ભગવાન રામે લવ-કુશના સરખા ભાગ પાડયા હતા. અનેક કંપનીઓ એવી હોય છે કે જે સમયસર વારસદારોને તૈયાર નથી કરતી અને પછી તેમની ગેરહાજરીમાં કે આક્સ્મીક ઘટનાઓના પગલે વિવાદો ઉભા થતા હોય છે. રામકથા સમયસર વારસદાર અંગે સમયસર રહેવા શીખવે છે જેમકે રાજા દશરથને માથાનો એક વાળ ધોળો દેખાતા તે નિવૃત્ત થવા તૈયાર થયા હતા.
૫. પોતાની પાસેના ઉપલબ્ધ સોર્સનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ વહીવટ આપવાનો પ્રયાસ કરવો જોઇએ. રાવણ સામેના યુદ્ધમાં શ્રેષ્ઠ વહીવટના પગલે અસરકારક આયોજન થઇ શક્યું હતુંં. એવું જ લંકા પહોંચવા બનાવેલા પુલના કેસમાં જોવા મળ્યું હતું. લંકા કેમ પહોંચવું તે વિચારવા ભગવાન રામે ત્રણ દિવસ ધ્યાન કર્યું હતું અને પછી બ્રિજના કામની સ્કીલ ધરાવતા કામ માટે નલ અને નિલને પસંદ કર્યા હતા અને તેમની મદદે સ્થાનિક વાનરોનો ઉપયોગ કર્યો હતો અને તેમને પણ તાલિમ આપી હતી. ભગવાન રામે નલ અને નિલ પર વિશ્વાસ મુક્યો હતો જેનું તેમને પરિણામ પણ મળ્યું હતું.
હિન્દુ ધર્મમાં ભગવાન રામ મર્યાદા પુરૂષોત્તમ તરીકે પૂજાતા આવ્યા છે. ભગવાન રામ ધૈર્યવાન હોવાની સાથે નેતૃત્વની અનોખી તાકાત ઘરાવતા હતા. તેમણે અનેક લોકો પાસે પોતાની રીતે કામ લીધું છે અને તેના પગલે સફળતા મેળવી હતી. ભગવાન રામ બિઝનેસ ક્ષેત્રને કેટલાક મહત્ત્વના પાઠ ભણાવતા ગયા છે.
ભગવાન રામના જીવન પરની ઘટનાઓ પર નજર કરીએ તો તે બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને મહત્ત્વના પાઠ શીખવાડી જાય છે.
ભગવાન રામનું જીવન નૈતિક મૂલ્યો સાથે વણાયેલું છે. તે નૈતિક મૂલ્યોને વળગી રહેતા હતા. ભગવાન રામે તેમના મિત્રો, કુટુંબીજનો, અનુયાયીઓ વગેરે સાથેના સંબંધોમાં નૈતિક મૂલ્યો જાળવી રાખવાને પ્રાધાન્ય આપ્યું હતું. દરેકની સાથે સૌમ્ય વર્તન કરીને સૌના દિલ જીતી લીધા હતા. ભગવાન રામે પોતાને ત્યાં કામ કરતા લોકોને પ્રોત્સાહીત કર્યા હતા.
પોતાના હેતુને કેવી રીતે વળગી રહેવું તે રામાયણ પરથી સમજી શકાય છે. તેમના પત્ની સીતા સામેની અનેક મુશ્કેલીઓમાં તે તેમની સાથે રહ્યા હતા અને તેમનું માન સન્માન જાળવ્યું હતું. એવીજ રીતે બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ પોતાના હેતુને વળગી રહેવું જોઇએ અને ધૈર્ય ના ગુમાવવું જોઇએ.
ભગવાન રામે દરેકને માન આપ્યું છે અને દરેકને શાંતિથી સાંભળ્યા છે. બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ તેમના કર્મચારીઓને શાંતિથી સાંભળવા જોઇએ અને તેમના આઇડિયા પણ લેવા જોઇએ. ભગવાને સુગ્રીવ, અંગદ, નલ, નીલને બોલવાની તક આપીને તેમને સાંભળતા હતા. જે લોકો પોતાના બિઝનેસમાં ગ્રોેથ ઇચ્છે છે તેણે રામાયણની કથાની ઘટનાઓને સમજીને તેમાં રહેલા ધૈર્ય, હિંમત અને વહીવટી કુનેહને પોતાના બિઝનેસમાં અમલી બનાવવા જોઇએ.