બેન્ડવાળાઓના આઈપીઓનો પણ ઢોલ પીટાવા દો
- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- મેરેજનું કોર્પોરેટાઈઝેશન થઈ ગયું છે, તો બેન્ડ બાજા અને બજાર કંપની પણ કેમ ન બને
વરરાજાને તૈયાર થઈને આવતા વાર લાગી બે-ચાર બેન્ડવાળા નિરાંતે બેઠા વાતે વળગ્યા.
'યાર, આપણે ક્યાં સુધી આમ ે એક મેરેજ સિઝનથી બીજી સિઝન સુધી જિંદગી પસાર કર્યા કરશું. '
'આપણે સરકારને રજૂઆત કરીએ કે મેરેજ સિઝન માત્ર મુહૂર્ત પર આધારિત રાખવાને બદલે બારે મહિના રાખે. મુહૂર્ત વગર કે સિઝન વગર લગ્નો કરનારા માટે ખાસ પ્રોત્સાહનો કરે. '
'ભાઈ, આ લિમિટેડ મુહૂર્તો આવે છે તેના લીધે જ તો પાર્ટી પ્લોટ, કેટરિંગવાળા ને બીજા બધા લોકો પણ કમાય જ છે ને. એ લોકો ક્યારેય લગ્ન સિઝનને બારમાસી નહીં થવા દે. '
'હવે તો એક જ ઉપાય છે કે આપણે પણ સારા સારા આઈપીઓ ભરવા લાગીએ. કહે છે કે લોકોના પૈસા રાતોરાતોબે-ચારગણા થઈ જાય છે.'
આ બધી વાતો સાંભળથા એક ભાઈ તેમની પાસે આવ્યા.
'આટલો અફસોસ શા માટે કરો છો? હું તો કહું છું કે એના કરતાં તમારો ે પોતાનો પણ આઈપીઓ કેમ ન આવે ? '
'હેં એવું શક્ય છે ? ' એક બેન્ડવાળાને ભરોસો ના પડયો.
'હા, શક્ય છે જ. જુઓ મેરેજ કરાવી દેવાના ધંધામાં પણ ભલ ભલી ઈવેન્ટ કંપનીઓ આવી ગઈ છે તો બેન્ડ પાર્ટીની પણ કંપની કેમ નહીં.'
'પણ, અમારી બેન્ડ પાર્ટી તો એક જ ગામમાં ચાલે છે ? '
'તો મોટી મોટી કંપનીઓની ઓફિસ કે ફેક્ટરી પણ કાંઈ ગામેગામ નથી હોતી ને. ને જુઓ કંપનીઓમાં તો મર્જર, ટાઈપ, એક્વિઝિશન, ટેક ઓવર, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એવું બધું પણ હોય છે.'
'ભલા માણસ, આ બધું શું છે ? કાંઈક તો સમજાવો.'
'અરે ટૂંકાણમાં સમજી જાઓ કે ે દેશભરના નાના મોટા બેન્ડવાળાઓ સાથે જોડાણ કરી એક એક નેશનલ લેવલની કંપની બનાવે. તેનું ં નામ પણ 'બેન્ડ બાજા અને બાજાર' એવું કાંઈક રાખી શકાય. '
'ભલા માણસ, પણ આ કંપની ખોલીને પણ વગાડવાનું તો બેન્ડ જ ને. '
'હા તો, પહેલાં લગ્ન ગામની નાતની વાડીમાં થતા હતા તેમાંથી પાર્ટી પ્લોટ, ફાઈવ સ્ટાર હોટલો અને હવે તો થીમ બેઝ્ડ સ્પોટ પર શરુ થયાં કે નહીં. એમ આપણે પણ બેન્ડ વગાડવાની સીધીસાદી કામગીરીનું કોર્પોરેટાઈઝેશન કરશું. પછી દેશભરમાં બેન્ડના રેટમાં પણ યુનિફોર્મ નિયમો લાવશું, ૫૦૦ રુપિયાવાળી કંકોતરીના લગ્નમાં બેન્ડના અલગ રેટ અને ૫૦૦૦ રુપિયાવાળી કંકોતરીના લગ્નમાં જુદો રેટ, યુનિફોર્મ પરથી યાદ આવ્યું કે આપણા બેન્ડવાળાના પોશાક પણ પછી બોલીવૂડના કોઈ કોશ્ચ્યુમ ડિઝાનરને કન્સલ્ટ કરીને બનાવડાવશું. જેમ કોર્પોરેટ કંપનીઓ પોતાની પ્રોડક્ટના અલગ અલગ બ્રોશર અને પ્રેઝન્ટેશનો આપે છે તેમ આપણે સોંગ લિસ્ટના પ્રેઝન્ટેશન બનાવશું, આપણા વતી માર્કેટિંગ કરવા માટે પણ એક્ઝિક્યુટિવ્ઝ જશે અને મુંબઈના મરીન ડ્રાઈવ પરથી વરઘોડામા કેવી સર્વિસ મળશે અને માંગરોળના મહોલ્લામાં કેવી સર્વિસ મળશે તેનું ફક્કડ માર્કેટિંગ કરશે.'
આમ કહેતાં કહેતાં આ ભાઈએ દંડો જોરથી એક ડ્રમ પર પછાડયો. એમાં ડ્રમનું ચામડું ફાટી ગયું.' બીજા બધા બેન્ડવાળા આ ભાઈને ઘેરી વળ્યા. 'લ્યા , આ તે શું કર્યું. હજુ તો વરઘોડો નીકળવાનો બાકી છે.'
'પેલા ભાઈ કહે, કશું નહીં. આ તો આઈપીઓ ડિસ્કાઉન્ટમાં ખૂલ્યો.'
બધા બેન્ડવાળા દાંડી લઈને આ સલાહકારની પાછળ પડયા.
- સ્માઈલ ટીપ
આમ તો ભલભલા આઈપીઓમાં પણ કોઈ બેન્ડ કંપનીના ફાલતુ આઈપીઓમાં તો એકદમ સચોટ રીતે લાગુ પડે તેવી ઉક્તિ પહેલેથી હાજરાહજૂર છે, 'ઢમ ઢોલ, માંહે પોલ'