એકાદી યુ ટયુબ ચેનલનો આઈપીઓ પણ આવવા દો

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
એકાદી યુ ટયુબ ચેનલનો આઈપીઓ પણ આવવા દો 1 - image


- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- કમાણીના જાતભાતના  નવા ધંધા શરુ થયા છે તો એમના પણ આઈપીઓ આવવા જોઈએ ને

આઈપીઓની બજારમાં કહે છે કે પાછી ભારે તેજી જામી છે.  ભારત વર્ષમાં એક સમયે શેરબજારનો એવો પણ સુવર્ણકાળ હતો જ્યારે પાનના ગલ્લાવાળા અને પાણીપુરીના ખુમચાવાળા પણ પોતાનો આઈપીઆ ે લઈને આવ્યા હતા. એ જમાના પ્રમાણે એ ધંધાવાળાઓનો આઈપીઓ આવ્યો એ બરાબર હતું. હવે નવા જમાનામાં લોકોને લાગે છે કે અમુક બિઝનેસમાં તો અંધાંધૂધ કમાણી છે. તો પછી એનો પણ આઈપીઓ આવવો જોઈએ. 

જેમ કે, આજકાલ દરેક બીજા વ્યક્તિને લાગે છે કે યુટયુબ ચેનલ ચાલુ કરીને કમાઈ શકાય છે. તો પછી એકાદી યુટયુબ ચેનલનો આઈપીઓ પણ આવવો જોઈએ. તેઓ એવું જાહેર કરી શકે કે હાલ અમે માત્ર ભોજપુરી ભાષામાં સૌથી લોકપ્રિય યુટયુબ ચેનલ ચલાવીએ છીએ , પરંતુ  આ આઈપીએલના નાણાંથી અમે તેલુગુ અને મણિપુરીમાં પણ વિસ્તરણ કરીશું. કે પછી હાલ અમારી યુ ટયુબ ચેનલમાં અમે ક્યાંકથી તફડાવેલું જ બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખીએ છીએ તેને બદલે બોલિવુડના કોઈ બેકગ્રાઉન્ડ સ્કોર સ્પેશ્યલિસ્ટને સાઈન કરીશું. અથવા તો અમે અમારી વનસ્પતિઓની જુદી જુદી પ્રકારની ચટણી બનાવતાં શીખવાડતી યુટયુબ ચેનલનું ફોરેન કોલોબરેશન કરવાના છીએ અને ટાન્ઝાનિયાનાં જંગલોમાંથી કેટલાક યુટયુબર્સ અમારી ચેનલ પર ત્યાંનાં પાનપત્તાંની ચટણી બનાવતાં પણ શીખવાડશે. 

લોકોની માન્યતા પ્રમાણે આવો જ બીજો મલાઈદાર ધંધો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનો છે. તેમાં ફૂડ બ્લોગર્સ કે ટ્રાવેલ બ્લોગર્સ કે પછી જુદાં જુદાં ગેજેટ્સ કે એપ્લાયન્સીસના રિવ્યુ કરનારા અને ફિલ્મ રિવ્યુવાળા પણ આવી ગયા. 

કોઈ મહાન ઈન્ફ્લુએન્સરે પોતાની અલાયદી કંપની  સ્થાપ ી તેનો ઈશ્યુ લાવવો જોઈએ અને એવું વચન આપવું જોઈએ કે હાલ અમે માત્ર મલેશિયા અને ઈન્ડોનેશિયા સાઈડના ડેસ્ટિનેશનનું જ બ્લોગિંગ કરીએ છીએ, પણ આ ઈશ્યુથી પૈસા મળે પછી ચંદ્રયાનના સહારે ચાંદનું ટ્રાવેલ બ્લોગિંગ કરવાનો પણ કંપનીનો ઈરાદો છે. 

ફિલ્મ રિવ્યુવાળા કહી શકે કે અત્યારે કંપની સિંગલ સ્ક્રીનના અપર શોની ટિકિટ ખર્ચીને રિવ્યુ કરે છે, પણ થોડા પૈસા હાથમાં આવે પછી આઈમેક્સમાં જ ફિલ્મો જોઈને રિવ્યુ કરવામાં આવશે. 

 રેસ્ટોરાંના રિવ્યુ કરતા ફૂડ બ્લોગર્સ કદાચ એવું વચન આપી શકે કે  અમે ઊભી થનારી મૂડીમાંથી ફલાણા ટી સ્ટોલની ચા માઉન્ટ એવરેસ્ટ પર પણ કેવી કડક અને લિજ્જતદાર રહે છે તેના રિવ્યુ આપીશું. 

એપ્લાયન્સીસના રિવ્યુ કરનારા આજુબાજુની  દુકાનનાં સસ્તાં મિક્સરને બદલે સાઈબિરિયાનાં સૌથી મોંઘા ફ્રિજના રિવ્યુ કરવાનું વચન પણ આપી શકશે. 

બાકી કોઈ દરેક વ્યક્તિની દરેક રીલ કે પોસ્ટ લાઈક  કરવાની તથા તેના પર પોઝિટિવ કોમેન્ટસ મેળવી આપવાની કંપની સ્થાપે અને એનો પણ પબ્લિક ઈશ્યુ આવે તો એ જોરદાર હિટ જાય કે નહીં? 

સ્માઈલ ટીપ

સૌથી મલાઈદાર એવા એક ધંધાનો આઈપીઓ ક્યારેય નહીં આવે, એ છે રાજકારણ!


Google NewsGoogle News