Get The App

ખાનગી ગૌચરની જમીનનો હેતુફેર અંગે ગુજરાત હાઈકોર્ટનો કાયદાકીય જોગવાઈ સ્પષ્ટ કરતો ચુકાદો

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
ખાનગી ગૌચરની જમીનનો હેતુફેર અંગે ગુજરાત હાઈકોર્ટનો કાયદાકીય જોગવાઈ સ્પષ્ટ કરતો ચુકાદો 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- સામાન્ય રીતે ગૌચર જમીનને ચરીયણની જમીન તરીકે ઓળખવામાં આવે છે અને સબંધિત ગામોના ઢોરને ચરાવવા માટેનો અગ્રહક્ક છે

- વીડીની જમીનનો ખેતવિષયક ઉપયોગ કરવામાં આવે ત્યારે કલેક્ટરની પરવાનગી લેવાની અને સબંધિત કબજેદારના ખેતી જમીનના ટોચમર્યાદાના નિયંત્રણો લાગુ પડે છે 

જમીનોનું વર્ગીકરણ (Classification)  જમીનની પ્રત સાથે તેના ઉપયોગ ખાસ કરીને સાર્વજનિક હેતુ માટે સ્પષ્ટ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા જ્યારે જમીનનું સર્વે સેટલમેન્ટ કરવામાં આવ્યું - ખરેખર તો હાલના રી-સર્વેમાં આવા પણ માપદંડો હોવા જોઈએ પરંતું જ્યારે ખાનગી સર્વે નંબરોનું ચોકસાઈ પ્રમાણે માપણી થઈ નથી, ત્યારે જાહેર હેતુની જમીનો / સરકારી / ગૌચરની જમીનોના ક્ષેત્રફળમાં તો મોટા ફેરફારો થયા હોવાનું જણાય છે. સામાન્ય રીતે ગૌચર  (Pasture)  જમીનને ચરીયણની જમીન તરીકે ઓળખવામાં આવે છે અને સબંધિત ગામોના ઢોરને ચરાવવા (Grazing) માટેનો અગ્રહક્ક છે. આઝાદી પહેલાં જે સર્વે થયું (બ્રિટીશ હકુમતના વિસ્તારો) તેમાં જે ચરીયણ તરીકે જમીનનો ઉપયોગ થતો તેને સરકારી ગૌચર તરીકે ઓળખાતું આજે પણ જે ગૌચરની જમીનો સબંધિત ગ્રામપંચાયતને વહિવટ માટે નીમ (Assigned) કરવામાં આવી નથી તેવી જમીનોને સરકારી ગૌચર તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 'વીડી'ની જમીનો કે જે ખાનગી માલીકીની હતી અને ઘાસીયા જમીન / ચરીયણ તરીકે ઉપયોગ થતો આવી જમીનોને સબંધિત દેશી રજવાડાના રાજવીઓ / ગીરાસદાર હતા, તેઓને આ જમીનના કબજેદાર તરીકે શરતી ધોરણે ચાલુ રાખવામાં આવેલ, જ્યારે વીડીની જમીનનો ખેતવિષયક ઉપયોગ કરવામાં આવે ત્યારે કલેક્ટરની પરવાનગી લેવાની અને સબંધિત કબજેદારના ખેતી જમીનના ટોચમર્યાદાના નિયંત્રણો લાગુ પડે છે અને આ વીડીની જમીનના નિયમન માટે સરકારના મહેસુલ વિભાગે આ કેટેગરીની જમીનો માટે અલગ માર્ગદર્શક સુચનાઓ આપેલ છે.

આઝાદી મળી તે પહેલાં બ્રિટીશ હકુમતના વિસ્તારો સિવાય જમીનને લગતા સબંધિત રજવાડાઓના કાયદાઓ હતા અને જુદા જુદા સત્તાપ્રકાર હતા. (ઈનામ, દેવસ્થાન, પસાયતા, ચાકરીયાત વિગેરે) અને ઘણી જમીનોને જે તે રાજ્યએ સેવાના ભાગરૂપે મહેસુલ માફી આપેલ, આઝાદી બાદ જમીન સુધારાઓના ભાગરૂપે જુદા જુદા સત્તાપ્રકારો નાબુદ કરવામાં આવ્યા અને કબજેદારોને માલીકી હક્ક આપવામાં આવ્યા. તે સાથે તમામ જમીનોને મહેસુલને પાત્ર બનાવવામાં આવી.  (Liable for Land Revenue) સિવાય કે રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં શૈક્ષણિક / આરોગ્ય સેવાઓને ધ્યાનમાં લઈ જમીન મહેસુલ નિયમોની જોગવાઈઓ મુજબ મહેસુલ માફી આપવામાં આવી હોય. આ સિવાય તમામ જમીન / મિલ્કત ધારકોને તેઓએ ધારણ કરેલ જમીનનું મહેસુલ રાજ્ય સરકારને ભરવાપાત્ર છે. (સિવાય ખેતીની જમીનોને મુક્તિ)

ઉપર્યુક્ત પુર્વભુમિકા ગૌચર / વીડી જમીનોના સત્તાપ્રકાર અને ઉપયોગ સમજવા માટે છે. જેમ ગૌચરની જમીન સર્વે સેટલમેન્ટ સમયે ઉપયોગ સાથે જેમ વર્ગીકરણ કરવામાં આવ્યું હોય અને ગામના નમુના નં.-૧ કાયમી ખરડામાં દર્શાવવામાં આવ્યું હોય તેમ કલેક્ટર દ્વારા જમીન મહેસુલ અધિનિયમની કલમ-૩૭ હેઠળ પણ ગ્રામપંચાયતને વહિવટ માટે Assignee નીમ કરવામાં આવી હોય અને આવી જમીનો સાર્વજનિક હેતુ માટે હોય જમીન મહેસુલને પાત્ર થતી નથી. આ લેખનો જે મુદ્દો છે તે સુરતના ચોર્યાસી તાલુકાના મગોબ ગામનો છે. જોગાનુજોગ સુરતના ચોર્યાસી પ્રાન્ત તરીકે અમોએ ફરજ બજાવેલ અને અમારા કાર્યકાળ દરમ્યાન આ સવાલવાળી ખાનગી ગૌચરની જમીનનો આકાર (Assessment) કલેક્ટર દ્વારા મંજુર કરવામાં આવેલ, કેસની હકિકત એ પ્રકારની છે કે મગોબ ગામના રે.સંનં.-૮, બ્લોકને ૯ની જમીન જસવંતસિંહ રામસિંહના પૂર્વજોના નામે ખાનગી માલીકીની હતી અને આ જમીનમાં ઢોરોના ચરીયણ તરીકે ઉપયોગ થતો એટલે પુર્વજોએ ૧૯૪૦માં બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન (સુરત જીલ્લો બ્રિટીશ હકુમત હેઠળ હતો.) જમીન ખાનગી માલીકીની હોવા છતાં ખેતવિષયક ઉપાર્જન લેવામાં આવતું ન હતું. આ જમીન પૈકી ૧૯૬૧માં જમીન સંપાદનની કાર્યવાહી થતાં, સરકાર દ્વારા વળતરની રકમ પણ આ સર્વે નંબરના કબજેદારોને ચુકવવામાં આવેલ, એટલે કે પાયાની દ્રષ્ટિએ સવાલવાળી જમીન ખાનગી માલીકીની હતી. ફક્ત ગૌચર તરીકે ઉપયોગ થતો એટલે ૧૯૪૦માં જમીન મહેસુલમાંથી મુક્તિ આપવામાં આવેલ આ જમીન જે તે સમયે સુરત શહેરને અડીને આવેલ અને સુરત શહેરી વિકાસ સત્તા મંડળમાં (SUDA) રહેણાંક ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવેલ, એટલે ૧૯૯૪માં આ જમીનના અરજદારોએ આકાર-જમીન મહેસુલની (Assessment) આકારણી કરવાની રજુઆત કરતાં કલેક્ટરએ આ જમીનનું મહેસુલ નક્કી કરવામાં આવેલ, ત્યારબાદ આ જમીન સુડાના રહેણાંક ઝોનમાં આવતી હોવાથી જે તે સમયે આ જમીનની બિનખેતીની પરવાનગી સુરત જીલ્લા પંચાયતની કારોબારી સમિતિએ આપેલ હતી અને તે અંગેના વિધીવત હુકમો જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ. 

ઉપર્યુક્ત બિનખેતીના હુકમ સામે ગામલોકોએ રજુઆત કરતાં જીલ્લા પંચાયત સુરતના હુકમો રદ કરવા માટે સચિવશ્રી અપીલ્સ મહેસુલ વિભાગ સમક્ષ રીવીઝન અપીલ દાખલ કરતાં જીલ્લાવિકાસ અધિકારીનો હુકમ રદ કરવામાં આવેલ, તે સામે મૂળ જમીનના કબજેદારોએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ. એચસીએ નં.-૧૮૦૪૭/૨૦૦૩ દાખલ કરેલ જે ન્યાયમુર્તિ રવી. આર. ત્રિપાઠી દ્વારા તા. ૮/૮/૨૦૧૩ના ચુકાદાથી ઠરાવવામાં આવ્યું કે આ જમીન મૂળ અરદારના પુર્વજોની (Ancestor) હતી અને તેઓએ સારી ભાવનાથી ગૌચર તરીકે ઉપયોગ થતો હતો એટલે બ્રિટીશ સરકારે મહેસુલમાંથી મુક્તિ આપેલ હતી. જમીનના કબજેદાર તરીકે આ જમીનના કબજેદાર / માલીક હતા અને આ જમીનમાંથી જ્યારે જાહેરહેતુ માટે સરકારે જમીન સંપાદન કરી (કડોદરા-હાઈવે) ત્યારે વળતરની રકમ પણ કબજેદાર / માલીક તરીકે ચુકવવામાં આવી છે અને આ જમીનનું મહેસુલ કલેક્ટરે નક્કી કર્યું છે. એટલે મહેસુલ માફીની મુક્તિ રદ કરી છે. એટલે આ જમીનના માલીક હક્ક અંગે કોઈ વિવાદ નથી. નામદાર કોર્ટે વિગતવાર ઉક્ત દર્શાવ્યા મુજબના કારણોસહ જિલ્લાવિકાસ અધિકારીનો બિનખેતીનો હુકમ પણ પુનઃસ્થાપિત કર્યો છે. આમ સાર્વજનિક હેતુ માટે ગૌચરની જમીન નીમ કરી હોય તો નિયંત્રણો લાગુ પડે છે. 

આજ રીતે 'વીડીની' જમીનો જે સૌરાષ્ટ્રમાં છે તેને પણ 'ખાનગી વીડી'ની જમીનોમાં જ્યારે ખેતીવિષયક ઉપયોગમાં લેવામાં આવે તો 'આકાર નક્કી કરવાની કલેક્ટરની પરવાનગી લેવાની છે અને ખેત જમીન ટોચ મર્યાદા લાગુ પડે છે અને આ અવલોકનો સુપ્રિમકોર્ટે પણ માન્ય રાખ્યા છે.


Google NewsGoogle News