એવું લાગે છે કે, RSS તથા ભાજપ વચ્ચે મતભેદો ભુલાઈ ને મનમેળ થઈ ગયો છે
- મોહન ભાગવતના દશેરા ભાષણથી નિરાશ થયો છું, આશ્ચર્ય નથી થયું
- ઓપિનિયન-પી.ચિદમ્બરમ્
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પ્રકૃત્તિ તથા માળખા અને સરસંઘસંચાલક તરીકેના હોદ્દાને કારણે તેમના શબ્દોને સંઘના સત્તાવાર શબ્દો માની લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સંઘના વડાને આરએસએસમાં સંપૂર્ણ સત્તા છે. માટે ભાગવતના ભાષણને ગંભીરતાથી લેવાવા જોઈએ અને લેવાઈ રહ્યા છે
- ભારત એક રાષ્ટ્ર તરીકે કેવું મજબૂત બન્યું છે, વૈશ્વિકભાઈચારાના આપણા સંદેશને વિશ્વ કેવી રીતે સ્વીકારી રહ્યું છે અને વિશ્વસ્તરે ભારતની છાપ, સત્તા તથા સ્થિતિ કેવી રીતે સતત ઊંચે જઈ રહી છે
મોહન ભાગવતને સમયની પરખ છે. તેઓ ભાગ્યેજ બોલે છે પરંતુ બોલવા માટે સમય તથા પ્રસંગ ઉચિત પસંદ કરે છે. શબ્દોની પસંદગી પણ તેમની શ્રેષ્ઠ હોય છે, જો કે તેમના ભાષણનું હું અંગ્રેજી અનુવાદ જ વાંચુ છું. તેમના મંતવ્યો સાથે અનેક લોકો અસહમત રહેતા હશે અને હું પણ. પરંતુ ભાગવતના ભાષણો ખાસ કરીને ૨૦૧૪ બાદ ધ્યાન ખેંચનારા રહ્યા છે તેને કોઈ નકારી શકશે નહીં.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પ્રકૃત્તિ તથા માળખા અને સરસંઘસંચાલક તરીકેના હોદ્દાને કારણે તેમના શબ્દોને સંઘના સત્તાવાર શબ્દો માની લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સંઘના વડાને આરએસએસમાં સંપૂર્ણ સત્તા છે. માટે ભાગવતના ભાષણને ગંભીરતાથી લેવાવા જોઈએ અને લેવાઈ રહ્યા છે.
ધ્યાન ખેંચનારા ભાષણ
વર્તમાન વર્ષના જૂનમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ, ભાગવતે કરેલા ભાષણમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે,ઃ
* ચૂંટણી પ્રચારોમાં જે ખોટા નિવેદનો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તે સંબંધિત પક્ષો પાસે જે સભ્યતાની અપેક્ષા રાખવામાં આવે છે, તેનાથી વિપરીત હોય છે.
* તમારો વિરોધી તમારો દૂશમન નથી. તે માત્ર તમારાથી વિરુદ્ધ મંતવ્ય ધરાવે છે. તેમને દૂશમન કહેવાને બદલે વિરોધીના મંતવ્યને ધ્યાનમાં લેવાવા જોઈએ, અને
* એક ખરો સેવક મર્યાદા જાળવે છે. બધું હું જ કરું છું તેવો તેનામાં અહંકાર ન હોવો જોઈએ.
ભાગવતની આ ટિપ્પણીઓ મોદી અને તેમણે કરેલા ચૂંટણી ભાષણો સામે હોવાનું અર્થઘટન કરાયું હતું.
ત્યારબાદ જુલાઈમાં તેમનું ભાષણ પણ ધ્યાન ખેચનારુ બની રહ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે એક વ્યક્તિ પહેલા ''સુપરમેન, પછી દેવ અને પછી ભગવાન'' બનવા માગતો હોય છે. પોતે 'બાયોલોજિકલી' જન્મ લીધો નહીં હોવાના મોદીના દાવા સાથે ભાગવત સહમત થયા નહોતા. જો મોદીએ ગર્ભધારણ, ગર્ભાવસ્થા તથા પ્રસુતિને નકારી કાઢયું હતું તો શું તેઓ પોતે એક 'સર્જન' હોવાનું કહેવા માગતા હતા? અને શું ભાગવતે એવો સંકેત આપ્યો હતો કે મોદીએ સીમા ઓળંગી છે?
ઠંડો પ્રવાહ
ભાગવતનું ત્રીજું ભાષણ ૧૨ ઓકટોબરના વિજયાદશમીના દિવસે આરએસએસના ૧૦૦માં વર્ષમાં પ્રવેશ નિમિત્તેનું હતું. મેં તેમનું આ ભાષણ જે અંગ્રેજી અખબારોમાં છપાયું હતું તે વાંચ્યું હતુ. શ્રી. ભાગવતે આરએસએસની સ્થાપિત વિચારાધારામાંથી પીછેહઠ કરી હોવાનું વાંચીને મને નિરાશા થઈ હતી પરંતુ આશ્ચર્ય નહીં. તેમનું ભાષણ શબ્દો અને કહેવતોથી ભરાયેલુ હતું જેમ કે ધર્મ, સંસ્કૃતિ, વ્યક્તિગત તથા રાષ્ટ્રીય લક્ષણ, અચ્છાઈ તથા સચ્ચાઈના વિજય તથા સ્વાભિમાનની તેમણે વાતો કરી હતી. તેમણે હમાસ તથા ઈઝરાયલના સંઘર્ષનો અછડતો ઉલ્લેખ કર્યો હતો પરંતુ થયેલા ૪૩૦૦૦ મૃત્યુનો અફસોસ વ્યકત કર્યો નહતો, તેમણે જમ્મુ અને કાશમીરની નવી સરકારને શુભેચ્છા આપી નહોતી. મણીપુરમાં અશાંતિ હોવાનું જ તેમણે જણાવ્યું હતું.
ભાગવતના આ ભાષણના બાકીના અંશો મોટેભાગે શ્રી. મોદીના ભાષણ જેવા જ લાગતા હતા. જેમ કે ભારત એક રાષ્ટ્ર તરીકે કેવું મજબૂત બન્યું છે, વૈશ્વિકભાઈચારાના આપણા સંદેશને વિશ્વ કેવી રીતે સ્વીકારી રહ્યું છે અને વિશ્વસ્તરે ભારતની છાપ, સત્તા તથા સ્થિતિ કેવી રીતે સતત ઊંચે જઈ રહી છે. હજુપણ બીજું ઘણું છે, દેશને અસ્થિર કરવાની ગતિવિધિઓ વધી રહી છે, જુઠાણા ચલાવી ભારતની પ્રતિભાને ખરડાવવાના આયોજિત પ્રયાસો વગેરે. કરેલા ગંભીર આક્ષેપોના ભાગવતે કોઈ પુરાવા આપ્યા નહોતા. બંગલાદેશનો ઉલ્લેખ કરતા તેમણે જોશમાં કહ્યું હતું કે ત્યાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તેમણે બંગલાદેશમાંથી ભારતમાં થઈ રહેલી ઘૂસણખોરીની વાત કરી હતી. છેવટે મોદી જેવા જ ઉચ્ચારણોમાં તેમણે જણાવ્યું હતું કે, 'વિશ્વભરના હિન્દુઓએ એ વાત સમજી લેવી જોઈએ કે, અસંગઠીત અને નબળા રહેવું એટલે, દુષ્ટોના અત્યાચારોને આમંત્રિત કરવા.'
જોનારની આંખ
શ્રી. ભાગવતના દરેક વિચાર અને શબ્દનો ઉપયોગ ભારતમાં મુસ્લિમ તથા દલિતો, અમેરિકામાં અશ્વેતો, વિશ્વ યુદ્ધ પહેલાના જર્મનીના યહુદી, પેલેસ્ટિનિયનોની તેમના જ વતનમાં, દરેક બહુમતિ દ્વારા ડરાવાતા લઘુમતિ અને દરેક સ્થળની મહિલાઓની સ્થિતિ વર્ણવવા માટે થઈ શકે છે. કોણ આક્રમણખોર છે અને કોણ ભોગ બને છે તેનો નિર્ણય જોનારની આંખ જ કરી શકે છે.
એવું લાગે છે કે આરએસએસે આ રાજકીય ભાષણને તૈયાર કર્યું હતું અને શ્રી. ભાગવતે આવા શબ્દોનો છૂટથી ઉપયોગ કર્યો હતો.
તેમણે આરબ ચળવળ અને તાજેતરમાં બંગલાદેશમાં શું થયું હતું તેનો ઉલ્લેખ કર્યો હતો અને સમગ્ર ભારતમાં આવાજ દૂષ્ટ પ્રયાસો થઈ શકે છે તેવી તેમણે ચેતવણી ઉચ્ચારી હતી. મને સવાલ થાય છે કે આરબ ચળવળ અથવા બંગલાદેશમાં સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓની ક્રાંતિમાં દૂષ્ટતા કયાં હતી?
એવું લાગે છે કે, આરએસએસ તથા ભાજપ વચ્ચે મતભેદો ભુલાઈ ગયા છે અને મનમેળ થઈ ગયો છે. મોદીના નિવેદનો તથા પગલાંઓનો કોઈ વિરોધ કરનાર નથી ત્યારે, ઉત્સાહિત થઈને મોદી પોતાની નીતિઓને આગળ ધપાવતારહેશે જેને કારણે ફુગાવા, બેરોજગારી, અસમાનતા, કોમી સંઘર્ષ તથા અન્યાય થઈ રહ્યા છે. મોદીના વધુ ભાષણો અને પગલાં માટે તમારી જાતને તૈયાર કરો.