GST કર પ્રણાલી હેઠળ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી અને વિવિધ કોર્ટોના ચુકાદાઓની માહિતી
- GSTનું Ato Z - હર્ષ કિશોર
- જો તપાસ દરમિયાન અધિકારી દ્વારા વેપારીને વેરો ભરવા માટે દબાણ કરવામાં આવે તો વેપારી આલમ માટે તપાસને અંતે ફરિયાદ કે ગ્રીવંસ ફાઈલ કરવાની સગવડ ઊભી કરવી જોઈએ
જીએસટી કર-પ્રણાલીની બે વિશેષતાઓ જોઈએ તો ઃ એક તે ઈન્વાઈસ બેઝ્ડકર પ્રણાલી છે અને બે તેમાં સેલ્ફ એસેસમેન્ટનું પાસુ ખૂબ જ મહત્વનું છે. સરકારી અધિકારીએ માત્ર વેપારીએ કરેલ સેલ્ફ એમસેસમેન્ટ બરાબર છે કે નહીં તે ચકાસવાનું રહે છે. જોકે ૧૦ થી ૧૫ ટકા કરદાતા જીએસટીના કાયદા અને નિયમોનું પાલન કરતા નથી અથવા ઈરાદાપૂર્વક બોગસ બિલીંગ કરીને કે પછી ખોટી વેરા શાખનું રિફંડ લઈને સરકારની આવકને નુકસાન પહોંચાડે છે. તેવા સંજોગોમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી જરૂરી બની જાય છે.
આમ તો જીએસટીના કાયદા કે નિયમોમાં એન્ફોર્સમેન્ટની વ્યાખ્યા આપવામાં આવેલ નથી. પરંતુ એમ કહી શકાય કે એન્ફોર્સમેન્ટએટલે “to make people obey a law, or to make a particular situation happen or be accepted.” એન્ફોર્સમેન્ટની કાર્યવાહીનો હેતુ કરચોરી શોધવાનો, તેના કારણોનો અભ્યાસ કરવાનો જેથી તે ફરીથી ન થઈ શકે, તેને રોકવાનો તેમજ ખોટું કરતા વેપારીઓ પાસેથી વેરાની વસુલાત કરાવવી હોય છે.
કોઈપણ વેપારી જ્યારે ધંધો કરે છે ત્યારે પોતાના ઉપરાંત કોઈ ટ્રાન્સપોર્ટર, ગોડાઉન કીપર કે વેરહાઉસ ધરાવનાર અથવા વે-બ્રિજ ધરાવનાર કે કોઈ એજન્ટની મદદ અને સેવાઓ લેતા હોય છે. તેથી જીએસટી હેઠળ એનફોર્સમેન્ટની કાર્યવાહીમાં વેપારી ઉપરાંત વેપારીના ધંધા સાથે સંકળાયેલ અન્ય લોકોના વહેવારોનું મોનિટરિંગ પણ કરવાનું અગત્યનું જણાયેલ છે. એન્ફોર્સમેન્ટ માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે જેમ કે બાહ્ય/આંતરિક ચેકપોસ્ટ હોય, મોબાઈલ ચેકિંગ હોય, ક્રોસ ચેક કરવાના હોય, સ્ટોક ટેકિંગ કરવાનું હોય, સમન્સ ઈશ્યુ કરવાના હોય, ઇન્સ્પેકશન/વિવેક યુક્ત તપાસો કરવાની હોય અથવા તો સર્ચ અને સીઝર હેઠળ વિગતવાર તપાસ કરવાની હોય અને છેલ્લે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની હોય. આ માટે જીએસટી કાયદામાં નીચે મુજબની વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે તેને ટૂંકી વિગતો જોઈએ તો
કલમ ૬૭(૧) : ધંધાના સ્થળનું ઇન્સ્પેક્શન અથવા જે જગ્યાએ માલ મુકેલ હોય તે જગ્યાનું ઇન્સ્પેક્શન કરવાની જોગવાઈ આ કલમ હેઠળ કરવામાં આવેલ છે. રીઝનટુ બીલીવ જરૂરી છે. આ કલમ ની જોગવાઈઓ વેરાપાત્ર વ્યક્તિ, ટ્રાન્સપોર્ટર, ગોડાઉન અને વેરહાઉસ ધરાવનારને લાગુ પડે છે. ઇન્સ્પેક્શનનો મુખ્ય હેતુ હિસાબી સાહિત્ય ચકાસવાનો હોય છે. આ માટેનો અધિકાર પત્ર ફોર્મ GST INS-01માં આપવામાં આવે છે. ઇન્સ્પેક્શન દરમિયાન કામ ચલાઉ ટાંચ મૂકી શકાય છે.
કલમ ૬૭(૨) : આ કલમની જોગવાઈઓ મુજબ રહેઠાણ સહિત કોઈ પણ વ્યક્તિના એટલે કે નોંધાયેલ હોય કે બિન નોંધાયેલ વ્યક્તિના ધંધાના સ્થળ તેમજ રહેઠાણના સ્થળે સર્ચ કરી શકાય છે. આવી કાર્યવાહી દરમિયાન પંચનામું બનાવવાનું જરૂરી છે. સર્ચ દરમિયાન ડોક્યુમેન્ટ કે માલ સામાન ને સીઝ કરી શકાય છે. આ માટેનો અધિકાર પત્ર ફોર્મ GST INS-01 માં આપવામાં આવે છે. સર્ચ અને સીઝર દરમ્યાન દરમિયાન કામ ચલાઉ ટાંચ મૂકી શકાય છે.જો માલ કે હિસાબો જપ્ત કરવામાં આવે તો તેનો જપ્તીનો આદેશ GST INS-02માં બનાવવામાં આવે છે. આ આદેશમાં જે ચીજો કે દસ્તાવેજો જપ્ત કરવામાં આવે છે તેની યાદી બનાવવામાં આવે છે અને માલના કિસ્સામાં જથ્થો અને અન્ય જરૂરી વિગતોનો સમાવેશ જપ્તી આદેશમાં કરવામાં આવે છે. અહીંયા જે વ્યક્તિ પાસેથી માલ કે હિસાબો જપ્ત કરવામાં આવે છે તેના હસ્તાક્ષર પણ મેળવવામાં આવે છે. જપ્ત કરેલો માલ સાચવવા માટે અથવા તેની કસ્ટડી માલના માલિક કે ટ્રાન્સપોર્ટરને સોંપી શકાય છે. જો માલ જપ્ત કરવાનું શક્ય ન હોય તો GST INS-03માં તે માલ ખસેડવા કે વેચવા ઉપર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરી શકાય છે.
કલમ ૬૭ ની પેટા કલમ ૧૦ મુજબ સીઆરપીસી, ૧૯૭૩ અને હવે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા ૨૦૨૩ ની જોગવાઈઓ મુજબ સર્ચ અને સીઝરની કાર્યવાહી કરવાની રહે છે.
કલમ ૭૦ : આ કલમની જોગવાઈઓ હેઠળ કોઈપણ વ્યક્તિને સમન કરીને કચેરીમાં બોલાવીને તેનું નિવેદન રેકર્ડ કરી શકાય છે અથવા માહિતી મેળવી શકાય છે.
કલમ ૭૧ : આ કલમની જોગવાઈઓ હેઠળ મર્યાદિત હેતુઓ માટે જેમ કે ઓડિટ, સ્ક્રૂટીની કે હિસાબોની ચકાસણી અથવા કોમ્પ્યુટરના ડેટાની ખરાઈ કરવા માટે સરકારની વેરાકિય આવકની સુરક્ષા માટેધંધાના સ્થળે જવા માટે અધિકારીને અધિકૃત કરતો એક સાદો પત્ર ઈશ્યુ કરવામાં આવે છે. આ કલમની જોગવાઈઓ માત્ર નોંધાયેલ વેપારીને લાગુ પડે છે. આવા કેસમાં માત્ર ધંધાના સ્થળે ખરાઈ અર્થે જઈ શકાય છે. રહેઠાણ ખાતે જઈ શકાતું નથી. ઉપરાંત રીઝનટુ બીલીવ જરૂરી નથી.
અગત્યના નિયમો : નિયમ ૧૩૯-ઇન્સ્પેકશન, સર્ચ અને સીઝર માટેની જોગવાઈઓ
-૧૪૦-માલ છોડાવવા માટે બોન્ડ અને સીક્યુરીટી પૂરી પાડવા માટે
-૧૪૧-નાશપાત્ર માલ અંગે કરવાની કાર્યવાહી અંગે
નારાજગી : સ્વાભાવિક રીતે જ કેટલાક વેપારીઓને એમાંય ખાસ કરીને ખોટું કરનાર વેપારીઓને GST વિભાગની એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પસંદ ના પડે અને એટલે જ અત્યાર સુધીમાં છેલ્લા સાડા સાત વર્ષમાં કલમ ૬૭ ને લગતા ૧૬૨, કલમ ૭૦ હેઠળ ૨૪૬, કલમ ૭૧ ને લગતા ૯ અને કલમ ૧૨૯ હેઠળ ૩૬૩ તેમજ કલમ ૧૩૦ હેઠળ ૧૭૮ કોર્ટ કેસ થઈને કુલ ૯૫૮ કોર્ટ કેસ થયેલ છે.
કેસ : આવો જ અગત્યનો એક કેસGujarat HC in Bhumi Associate v. Union of India [R/Special Civil Application Nos. 2426, 2515, 2618 and 3196 of 2021 dated 16.02.2021]નો છે.આ ચુકાદા થકી નામદાર કોર્ટે સીબીઆઇસી તેમજ એસજીએસટી અને સીજીએસટીના કમિશનરોને પોતાના તાબાના અધિકારીઓને સુચના આપવાનું જણાવ્યું હતું. સૂચનાઓ એવી આપવાની હતી કે કલમ ૬૭ હેઠળ થતી તપાસની કાર્યવાહી દરમિયાન ચેક, કેશ, ઈ-પેમેન્ટ કે આઈ.ટી.સી એડજસ્ટ કરીને કોઈ રિકવરી કરવી નહીં.વેપારી સામેથી DRC-03 થકી વેરો ભરવાની તૈયારી બતાવે તો પણ તેને એવી સલાહ આપવી કે તપાસ પૂર્ણ થાય અને અધિકારીઓ ધંધાનું સ્થળ છોડે પછી બીજા દિવસે વેરો ભરવો.
જો તપાસ દરમિયાન અધિકારી દ્વારા વેપારીને વેરો ભરવા માટે દબાણ કરવામાં આવે તો વેપારી આલમ માટે તપાસને અંતે ફરિયાદ કે ગ્રીવંસ ફાઈલ કરવાની સગવડ ઊભી કરવી જોઈએ અને જો કોઈ તપાસ અધિકારી કોર્ટ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનો અનાદર કરીને દબાણપૂર્વક વેરો ભરાવે તો તેની સામે ખાતાકીય રીતે સખત શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવી. CBICની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા સુચના ક્રઃ ૦૧/૨૦૨૨-૨૩ તા ૨૫.૫.૨૦૨૨ થી બહાર પાડવામાં આવેલ.
(૨) આવો અન્ય એક કેસ Delhi HC in M/s. Vallabh Textiles v. Senior Intelligence Officer and Ors [W.P.(C) No. 9834/2022 dated ૨૦.૧૨.૨૦૨૨ નો છે. આ કેસમાં વેપારી કમિશનથી રેડીમેડ ગારમેન્ટનો ધંધો કરતા હતા પરંતુ અવેજ રોકડમાં મળેલ હતો અને તેની વેરાકિય જવાબદારી અદા કરેલ ન હતી. વેપારીના ધંધાના સ્થળે તારીખ ૧૬ ફેબુ્રઆરી ૨૦૨૨ તેમજ ૧૭ ફેબુ્રઆરી ૨૦૨૨ ના રોજ રેડ પડેલ.વેપારી બિન નોંધાયેલ જણાયા હતા. વેપારીને કોઈપણ પ્રકારની નોટીસ આપવામાં આવેલા ન હતી કે વેરો, વ્યાજ અંદ દંડની ગણતરી પણ અગાઉથી જણાવવામાં આવેલ ન હતી અને મોટી રકમ ભરાવવામાં આવેલ હતી. તપાસ સમયે જે પંચો હતા તે તપાસ કરનાર અધિકારીના ડ્રાઇવર હતા અને અન્ય એક પાંચ તેમના કોમ્પ્યુટર ઓપરેટર હતા. વેપારી પાસેથી નિવેદન અને અન્ય દસ્તાવેજો ઉપર દબાણપૂર્વક સહીઓ મેળવવામાં આવેલ હતી.
અધિકારી દ્વારા તારીખ ૨૨. ૨. ૨૦૨૨ ના રોજ ઈશ્યુ કરવામાં આવેલ સમાન્સના આધારે વેપારીશ્રી તારીખ ૨૪. ૨.૨૦૨૨ ના રોજ તેઓ સમક્ષ હાજર રહેલ ત્યારે તેઓને કલાકો સુધી બેસાડી રાખવામાં આવેલ અને ટ્રેડીંગ એકાઉન્ટ, પાર્ટી વાઈઝ લેઝર તેમજ પેન ડ્રાઈવ વગેરે ઉપર તેઓની સહી મેળવવામાં આવેલ. વેપારીશ્રી દ્વારા ડી.આર.સી-૦૩મારફત એક કરોડ ૮૦ લાખ રૂપિયા ભરવામાં આવેલ.જીએસટીના નિયમ ૧૪૨(૧) અને ૧૪૨(૨) ની વિરુદ્ધ આ પેમેન્ટ કરવામાં આવેલ છે.
સમગ્ર કેસની હકીકતો જોઈને કોટે જણાવેલ કે આ કેસમાં વેપારી પાસેથી જે રકમ ભરાવવામાં આવેલ છે તે વેપારીએ સ્વયંભૂ ભરવાના બદલે અધિકારીના દબાણ હેઠળ ભરેલ છે તેથી આ રકમ વ્યાજ સહિત પરત કરવાની થાય. આ કેસમાં ઠરાવેલ કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી થયેલ જણાતી નથી.