નવી નીતિથી ભારતીય નિકાસકારોમાં વેપાર ઘટવાની દહેશત
- કોમોડિટી કરંટ -
- અમેરિકામાં ભારતીય મસાલાની નિકાસ વધતાં વર્ષે દહાડે કરોડોનું રેવન્યુ
આજકાલ ટ્રમ્પના ટેરિફની ચર્ચા વિશ્વભરમાં બહુચર્ચિત બની છે. ટેરિફ યુદ્ધના કારણે બુલિયન કોમોડિટીઝમાં લાલચોળ તેજી છવાઈ છે. સોનાના ભાવો નેવું હજારની અને ચાંદીના ભાવો ૯૪૦૦૦ ની પાર કરી ગયા છે. ટ્રમ્પ ટેરિફના કારણે વિશ્વભરના વેપારના સમીકરણો દરરોજ બદલાઈ રહ્યા છે. ભારતીય નિકાસકારોના પેટમાં પાણી રેડાયું છે. જોકે સ્થાનિક નિકાસકારોના જણાવ્યા મુજબ ટ્રમ્પ ટેરિફની જાહેરાતો થઈ છે પરંતુ ડોક્યુમેન્ટલી હજુ સુધી કઈ ચીજ ઉપર કેટલી જકાત લાગશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નહિ હોવાથી હાલમાં વેઈટ એન્ડ વોચની સ્થિતિ છે. જોકે ઉંચા વેરાઓના કારણે ભારતીય નિકાસકારોમાં અફડાતફડીનો માહોલ છવાયો છે. ઉંચા ટેક્ષ સ્લેબના કારણે નિકાસકારોના માર્જીન ઘટવાના અને વૈશ્વિક સ્તરે વેપારની હરિફાઈમાં પણ તકલીફો પડવાની ભીતિ સેવાઈ રહી છે. અમેરિકાએ ભારત, ચીન, વિયેટનામ સહિત દુનિયાના ૬૦ ઉપરાંત દેશો ઉપર નવા ઉંચા વેરા લાદવાનું એલાન કરેલ છે. ભારતીય ઉત્પાદનો ઉપર ૨૬ ટકા આસપાસ ટેરિફ લાદવાની વાત છે. જો નિકાસ થતી અનેક ચીજો પૈકી કેટલીક ચીજો ઉપર મામુલી જકાત અથવા કેટલીક ઉપર મામુલી વધારો કરવામાં આવી રહ્યો હોવાની બજાર વર્તુળોમાં ચર્ચા છે. ભારત સરકારની પણ આ મામલે અમેરિકા સાથે વાર્તાલાપ પ્રક્રિયા ચાલું છે. જોકે ટેરિફના પગલાંને કારણે ભારતીય મસાલા ક્ષેત્રની નિકાસ સ્પર્ધા, સપ્લાય વ્યવસ્થા તેમજ લાંબા ગાળાના વેપારો ઉપર પણ નેગેટીવ અસરો પડવાની ભીતિ છે. ભારતીય મસાલાનું અમેરિકામાં ખૂબ ચલણ છે. અહેવાલો પ્રમાણે વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન અમેરિકામાં ભારતીય મસાલાની કુલ નિકાસ વધીને ૧.૧૨ લાખ ટન ઉપરાંતની થઈ હતી. જેનાથી ભારતને લગભગ પાંચ હજાર કરોડ રૂપિયા ઉપરાંતની આવક થઈ હતી. જેના કારણે અમેરિકન બજાર ભારતીય નિકાસકારો માટે અત્યંત મહત્વનું બની ગયું છે.
ભારતીય ખાધ ચીજો ઉપરાંત આયર્ન-સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટસનો પણ અમેરિકા સાથે વેપાર બહોળા પ્રમાણમાં છે. ટ્રમ્પે પચીસ ટકા વધારાની ટેરિફ લાદી હોવાથી ભારતથી રવાના થઈ ગયેલ હજારો શિપમેન્ટને ગંભીર અસરો ઉભી થવાની દહેશત છે. અમેરિકન બાયરો પણ પ્રાઈઝ સેટલમેન્ટની રાહ જોઈ રહ્યા હોવાથી મોટાભાગના ઓર્ડરો વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે. ઘણા અમેરિકન બાયરો તથા ભારતીય સપ્લાયરો પણ ઉભી થનાર પરિસ્થિતિ સામે પારસ્પરિક સમાધાનથી ઉકેલ લાવવાની દિશામાં જઈ રહ્યા છે.
હાલમાં ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર લગભગ ૧૩૦ ડોલર અબજ હોવાના અહેવાલો છે. ભારતીય નિકાસનું મુલ્ય આયાત કરતાં વધુ છે. ભારતમાંથી મુખ્યત્વે કાપડ, રત્નો તથા ઘરેણાં, સીફૂડ, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો તથા કૃષિ ખાધ ચીજોની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. જોકે અમેરિકાએ ભારત કરતાં અન્ય દેશો ઉપર પણ વધુ ટેરિફ લાદયો છે. જેમ કે વિયેટનામ, ચીન જેવા દેશો ઉપર વધુ ટેક્ષ છે. અમેરિકાથી ચીનમાં મોટા પ્રમાણમાં સોયાબીન નિકાસ થાય છે અને સામે ચીનથી અમેરિકામાં બીફ, ડુક્કરનું માંસ તથા સોયા વગેરે ચીજો નિકાસ થાય છે. ઉપરોક્ત ઉંચા ટેરિફથી ચાઈનાની ચીજો અમેરિકામાં વધુ મોંઘી બનશે તે નક્કી છે. આ સંજોગોમાં ભારતીય સોયાબીન જેવી કેટલીય ચીજોનો વેપાર અમેરિકા માટે સસ્તો અને ભારતને લાભકર્તા થાય તેમ છે. જોકે ભારત તથા અમેરિકન સરકારો બંને વચ્ચેના વેપાર તથા રોકાણ સંબંધે ચર્ચાનો દોર ચાલુ છે. વર્ષ ૨૦૩૦ સુધી બંને દેશો વચ્ચે વેપારમાં લગભગ ૫૦૦ અબજ ડોલરનો લક્ષ્યાંક જાહેર થયેલ છે.
દરમ્યાન હાલમાં મસાલાની સીઝન પૂરજોશમાં છે. ઘઉં તથા મસાલા, દાળોની ખરીદીનું પ્રમાણ ઘર વપરાશમાં વધી રહ્યું છે. માર્ચ એન્ડીંગ બાદ માર્કેટયાર્ડ ખુલતાં જીરૂ, ધાણા, ચણા, મેથી તથા ઘઉંની આવકોનું પ્રમાણ નોંધપાત્ર વધી રહ્યું છે. જીરાની ડિમાન્ડમાં ઉછાળો રહેતાં બજારમાં તેજી પકડાઈ છે. ખાડી ક્ષેત્રના દેશો તથા યુરોપીય દેશોમાંથી પૂછપરછ વધતાં નિકાસ વેપારો વધવાની શક્યતા છે. ગયા અઠવાડિયામાં જીરા વાયદો ૨૩૫૦૦ ની સપાટી સુધી ઉંચો થયો છે. વૈશ્વિક સ્તરે જીરા ઉપ્તાદિત અન્ય દેશો તુર્કી, સિરીયા જેવા દેશો પાસે જીરા સ્ટોક ઓછો હોવાની વકી છે. સાથે સાથે અન્ય દેશોના જીરાના ભાવો પણ ભારત કરતાં ઉંચા હોવાથી જીરાની વિદેશી ડીમાન્ડ તથા નિકાસ વધવાની શક્યતા વધુ છે.