ભારતીય જીરાની મોનોપોલીથી બમણી નિકાસ અને તેજીનો અવકાશ
- કોમોડિટી કરંટ
- વરીયાળી બજારમાં ધારણા કરતાં વધુ મંદી રહેવાની શક્યતા
વિશ્વના સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર યુદ્ધ છેડાતાં પરિસ્થિતિ ખતરનાક મોડ ઉપર આવી ગઈ છે. અમેરિકાએ ચાઇનીઝ ઉત્પાદનો ઉપર ૧૨૫ ટકા અને ચીને અમેરિકન ઉત્પાદનો ઉપર ૮૪ ટકા અતિ ભારે આયાત ડયુટી ટેરિફ લાદતાં બંને દેશોના વેપારો ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેની અસર વૈશ્વિક બજારો ઉપર થવાની શક્યતાઓ તીવ્ર છે. અમેરિકાથી ઘઉં, સોયાબીન, મકાઈ જેવી મહત્વની કૃષિ ખાધ ચીજો ચીનમાં જાય છે. હવે ૮૪ ટકા ચીનની આયાત ડયુટીથી બંને દેશો વચ્ચે આદાન-પ્રદાન ઠપ્પ થઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે. ઉંચા ટેરિફના કારણે બંને દેશોમાં મોંઘવારી વધવાની સાથે સાથે વિશ્વના વેપારના સમીકરણો પણ બદલાઈ જવાની શક્યતાઓ ભરપૂર છે. જોકે અમેરિકાએ આગામી ત્રણેક મહિનાનો સમય ટેરિફ અમલીકરણ માટે જાહેર કરતાં થોડીક રાહત મળી છે પરંતુ વેપારી વર્તુળોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. નવા ઓડરોથી માંડીને પેમેન્ટ સુધીની રાબેતા મુજબ ચાલતી સીસ્ટમમાં અનેક અવરોધો સર્જાયા છે.
ટેરિફ યુદ્ધના કારણે સૌથી સેન્સીટીવ બુલિયન કોમોડિટીઝમાં લાલચોળ તેજી છવાઈ છે. ગયા અઠવાડિયાના છેલ્લા દિવસે સૌથી મોટા છ હજારના ઉછાળા સાથે સોનાના ભાવો પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૯૬૪૫૦ રૂપિયા અને ચાંદીના ભાવો પણ ૨૩૦૦ રૂપિયાના ઉછાળા સાથે પ્રતિ કિલોએ રૂપિયા ૯૫૫૦૦ની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. ટેરિફ યુદ્ધ છેડાતાં વેપારિક ટેન્શન વધતાં સૌથી મજબૂત સુરક્ષિત રોકાણ માંગને કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમતી ધાતુના ભાવો ઓલટાઇમ હાઈ સપાટીએ રહ્યા છે. ચીનથી માંડીને વિશ્વના મોટા ભાગના દેશો ગોલ્ડ રિઝર્વ વધારવાના હોડમાં આવી જતાં ગોલ્ડની ડિમાન્ડમાં અકલ્પનીય ઉછાળો થતાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. જો ટેરિફ ટેન્શન યથાવત રહેશે તો સોના બજાર એક લાખ રૂપિયાની સપાટી પાર કરશે કે કેમ ? તેની ઉપર મીટ મંડાઈ છે. આ ઉપરાંત યુએસ ફંડ દ્વારા ૨૦૨૫માં બે વખત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતાને કારણે પણ સોનામાં તેજીના નવા રેકોર્ડ જોવા મળે તેવી સંભાવના કોમોડિટીના જયવદન ગાંધીએ વ્યક્ત કરી છે.
બીજી તરફ એગ્રી કોમોડિટીઝમાં જીરૂ, હળદર, ગવાર જેવી ચીજોમાં વાયદા વેપાર ઉપર બજાર ટકેલી જોવા મળી રહી છે. આજકાલ રાજ્યના કૃષિ બજારોમાં તમામ રવિ પાકોની આવકોનો પ્રવાહ ધમધમી રહ્યો છે. મસાલાની સીઝનમાં ઘરેલુ માંગ મજબૂત ચાલતાં મસાલા બજાર ટકેલી છે. જોકે જીરામાં સ્થાનિક ડિમાન્ડની સાથે સાથે વિદેશી ખાસ કરીને ખાડી દેશોની માંગ નીકળતાં જીરા બજારમાં તેજીની લહેર દોડી છે. છેલ્લા પખવાડિયામાં જીરા હાજરમાં પ્રતિ મણે રૂપિયા એક હજારની તેજી છવાતાં ભાવો ૪૮૦૦થી ૫૦૦૦ની રેન્જમાં ઉચા સ્તરે રહ્યા છે. જ્યારે જીરા વાયદો પણ પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૨૪૪૦૦ થી ૨૪૭૦૦ની રેન્જમાં ઊંચા લેવલે છે. ભારતીય જીરાના હરિફ દેશો તુર્કી તથા સિરીયા જેવા દેશોમાં મર્યાદિત સ્ટોક તથા ઉંચા ભાવોને કારણે સસ્તા ભારતીય જીરાની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે.
ભારતીય જીરાના નિકાસની ઓફર ૩૦૫૦ ડોલર પ્રતિ ટન આસપાસ રહેતાં ડિમાન્ડ પકડાઈ રહી છે. મસાલા બોર્ડના અહેવાલો પ્રમાણે એપ્રિલ-૨૦૨૪થી જાન્યુઆરી- ૨૦૨૫ દરમ્યાન જીરાની નિકાસ ગત વર્ષ કરતાં ૬૦ થી ૬૫ ટકાના ઉછાળા સાથે લગભગ ૧.૮૨ લાખ ટનની ઉંચી સપાટીએ છે. જો કે ફેબુ્રઆરી-માર્ચના આંકડા બહાર પડયા નથી પરંતુ વર્ષ ૨૦૨૪-૨૫માં સરેરાશ જીરાની કુલ નિકાસ બે લાખ ટનને પાર કરે તેવી શક્યતા જયવદન ગાંધી દર્શાવી રહ્યા છે. જ્યાં સુધી તુર્કી, સિરીયા, ઈરાન તથા અફઘાનીસ્તાન જેવા જીરા ઉત્પાદિત દેશોની નવી આવકો શરૂ નહિ થાય ત્યાં સુધી ભારતીય જીરાની માંગ મજબૂત રહેશે અને તેજીનો માહોલ પણ રહેશે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે.
દરમ્યાન વરીયાળી બજારમાં ધારણા કરતાં વધુ મંદી રહેશે તેવી શક્યતાઓ ઓછી હોવાનું ચર્ચામાં છે. ગત વર્ષે ૩૮થી ૪૦ લાખ બોરી વરીયાળીના ઉત્પાદનને કારણે ખેડૂતોને પડતર ભાવો પણ નહિ મળતાં આ વર્ષે ખેડૂતોએ વરીયાળીની ખેતી ઓછી કરતાં ઉત્પાદન પણ અડધું થઈને ૧૮ થી ૨૦ લાખ બોરી રહેશે તેવી વકી છે. હાલમાં વરીયાળી નિકાસ માંગ પણ પ્રતિ કિલોએ ૯૦ થી ૧૦૫ની રેન્જમાં ચાલી રહી છે. જેમાં પણ વધારો થવાની ગણત્રી વધુ છે.