Get The App

નેપાળી ખાદ્ય તેલોની એન્ટ્રીથી ભારતીય કંપનીઓ પરેશાન

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
નેપાળી ખાદ્ય તેલોની એન્ટ્રીથી ભારતીય કંપનીઓ પરેશાન 1 - image


- કોમોડિટી કરંટ

- વૈશ્વિક ટેરિફ યુદ્ધના કારણે વર્ષ આખર સુધીમાં સોનુ દોઢેક લાખ સુધી જશે તેવી ધારણા

એગ્રી કોમોડિટી સેકટરમાં મોટેભાગે સુસ્તીનો માહોલ છે. કૃષિ બજારોમાં હાલમાં રવિપાકોની આવકોનો પ્રવાહ સૌથી ટોપ ઉપર હોવાને કારણે વેપારી વર્ગ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. સરકારની કેટલીક પોલિસીઓને કારણે ભારતની મોટી-મોટી ખાધતેલની કંપનીઓને નુકશાની ભોગવવી પડી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નેપાળી ખાધતેલના વેપારથી પરેશાન ભારતીય ખાધતેલ કંપનીઓએ ભારત સરકારના દરવાજા ખટખટાવ્યા છે. નેપાળ-ભારત વચ્ચે દક્ષિણ એશિયા મુક્ત વેપારની સમજુતી સાફટા (SAFTA) કરાર હેઠળ હાલમાં નેપાળથી ભારતમાં ઝીરો ડયૂટી  સાથે ખાદ્યતેલ આયાત થઈ રહ્યું છે. કંપનીઓ નેપાળ સિવાય મલેશિયા, ઈન્ડોનેશિયા જેવા અન્ય દેશોમાંથી ખાધતેલોની આયાત કરે તો ૨૭ થી ૩૫ ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. નેપાળમાં ખાધતેલો ઉપર આયાત ડયુટી ઝીરો છે. જેના કારણે નેપાળી ખાધતેલો ભારતમાં સસ્તા પડતા હોવાથી આજકાલ તેની ઘુસણખોરી બહોળા પ્રમાણમાં ચાલી રહી છે. ઉપરોક્ત સ્થિતિને કારણે સરકારને પણ ટેક્સનું નુકશાન ભારે પડી રહ્યું છે. ખાધતેલો બાબતે ભારત હજુ પણ વિદેશો ઉપર નિર્ભર છે. તેલીબીયાંના સ્થાનિક ઉત્પાદકોને ઉંચા ભાવ મળે તે હેતુથી સરકારે ગત સપ્ટેમ્બર-૨૦૨૪ માં ક્રુડ એડિબલ તથા રિફાઈન્ડ તેલો ઉપર ૨૦ ટકાનો ટેક્ષ વધારો કર્યો હતો. જેના લીધે સ્થાનિક બજારો ઉપર અવળી અસર પડતાં પામ ઓઈલ, સોયાબીન તથા સુરજમુખી તેલોમાં મોંઘવારી વધી ગઈ હતી.

કોમોડિટી સેકટરમાં સૌથી વધારે સેન્સીટીવ ગણાતી બુલિયન કોમોડિટીઝ સોનુ તથા ચાંદી આજકાલ વર્ષ ૨૦૨૫ની ઈયર ઓફ કોમોડિટી બની ગઈ છે. વર્ષ ૨૦૨૫ થી થયેલી તેજીની શરૂઆત વર્ષની આખર સુધીમા ક્યાં જઈને અટકશે કહેવું મુશ્કેલ છે. એકે વર્ષ ૨૦૨૫ના પ્રારંભિક ચાર માસમાં સોનામાં છવાયેલી તેજીના કારણે ૨૫ ટકાના વળતર સાથે ભાવો એક લાખની સપાટી સુધી પહોંચી ગયા છે. જો ટ્રમ્પ ટેરિફ વોર તથા વૈશ્વિક પરિસ્થિતિઓ તણાવપૂર્ણ રહેશે તો સોનામાં ૭૦ થી ૭૫ ટકાના વળતર સાથે ભાવો દોઢેક લાખ રૂપિયા સુધી ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચે તો નવાઈ નહિ તેવી સ્થિતિ હાલમાં પ્રવર્તી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેડેલા ટેરિફ વોરમાં ખુદ અમેરિકાને નુકશાન થવાની ભીતિ સાથે સાથે વેપારોમાં પણ જડમૂળથી ફેરફારો થવાના સંકેતો ચર્ચાસ્પદ બન્યા છે. ખાસ કરીને અમેરિકા તથા ચીન વચ્ચેનું વેપારી યુદ્ધ દુનિયાના કેટલાય દેશોને દઝાડશે તે નિશ્ચિત બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫ ની શરૂઆતમાં સોનાના ભાવો વૈશ્વિક સ્તરે ૨૬૦૦ ડોલર અને સ્થાનિક સ્તરે ૭૫૦૦૦ ની આસપાસ રહ્યા હતા. જે હાલની જોખમી પરિસ્થિતિઓને કારણે વર્ષની આખર સુધીમાં ૪૫૦૦ ડોલર સુધી ઉંચે જવાની ધારણાઓ ગોલ્ડ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ટ્રમ્પ સરકારની આક્રમક રેસિપ્રોકલ ટેરિફ પોલિસીના કારણે વેપારોનું જોખમ સતત વધી રહ્યું છે. જેના લીધે સમગ્ર વિશ્વ ગ્લોબલ મંદી તથા આર્થિક સુસ્તી તરફ ધકેલાઈ છે. આ સ્થિતિમાં એકમાત્ર સોનાની ચમક સતત ઉછળી બની રહી છે. હાલની વિશ્વભરના દેશો ગોલ્ડ રિઝર્વ વધારવા સતત પ્રયત્નશીલ છે. વૈશ્વિક રોકાણકારોનો મોટો વર્ગ ઈક્વીટીમાંથી બહાર આવી ગોલ્ડ તરફ ફંટાઈ રહ્યો છે. જેના લીધે હાલમાં સોનામાં રોકાણ એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની ગયું છે.

દરમ્યાન કૃષિ બજારોમાં જીરૂ, વરીયાળી, એરંડા, ઈસબગોલ, ગવાર સહિત મોટા ભાગની ચીજોની ખેડૂત આવકોનું પ્રેસર આજકાલ વધુ છે. જીરાના ઉંચા ભાવોને કારણે સ્ટોકિસ્ટોની લેવાલી અટકી જતાં બજાર નરમ પડયું છે. જીરા વાયદો પણ પ્રતિ ક્વિન્ટલે ૨૪૦૦૦ ની આસપાસ છે. વરીયાળીમાં પણ વિદેશી તથા સ્થાનિક ડિમાન્ડ નબળી રહેતાં બજારમાં સુસ્તી રહેતાં ભાવો સતત ડાઉન તરફી ચાલી રહી છે. ઈસબગુલમાં પણ મોટી આવકો સામે ઓછી લેવાલીને કારણે બજાર નરમ ટોનમાં છે. જોકે એરંડામાં પણ રોજિંદી આવકો સામે સ્ટોકિસ્ટો તથા બદલાવાળાઓની લેવાલી રહી છે. ગત વર્ષે એરંડા બજાર ૧૨૦૦ થી ૧૩૦૦ ની રેન્જમાં ચાલી હતી. અખાત્રીજ તથા લગ્નસરાની મોસમને કારણે એપ્રિલના અંત સુધીમાં ખેડૂત આવકોનો પ્રવાહ સતત રહેશે તેવી અપેક્ષા છે.

Tags :