જંગી લોકસંખ્યા સાથેના ભારતમાં AI થકી રોજગાર ખલેલ પરવડી શકે નહીં
- AI કોર્નર
- નવી ટેકનોલોજીની નોકરી પર અસર સંદર્ભમાં ચોક્કસ અભ્યાસ જોવા મળતો નથી
વિશ્વભરમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ-કૃત્રિમ બુદ્ધિ) થઈ રહેલા વિકાસ અને એઆઈના ઉપયોગના જોવા મળી રહેલા લાભોને ધ્યાનમાં રાખી ભારતના ઈનફરમેશન અને ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં ભારતના પોતાના જનરેટિવ એઆઈ મોડેલ વિકસાવવાની જાહેરાત કરી હતી. ચેટજીપીટી તથા ડીપસીક જેવું ભારતનું મોડેલ આગામી દસ મહિનામાં વિકસાવાશે એમ તેમણે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું. એઆઈના ડેવલપરો આ નવી ટેકનોલોજીના લાભો જણાવી રહ્યા છે ત્યારે નવી ટેકનોલોજી થકી રોજગારના બદલાનારા ચિત્ર પર પણ વિવિધ રિસર્ચ પેઢીઓ પ્રકાશ પાડી રહી છે.
નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ માટેના આર્થિક સર્વમાં એઆઈને કારણે રોજગાર નુકસાનના સંદર્ભમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. એઆઈ ક્ષેત્રે ઝડપથી થઈ રહેલા નોંધપાત્ર વિકાસે દેશની લેબર માર્કેટમાં ખલેલ અંગેની ચિંતા વધી રહી હોવાનું સર્વેમાં જણાવાયું હતું. જે રીતે એઆઈના નવા મોડેલ વિકસી રહ્યા છે અને બજારમાં મુકાઈ રહ્યા છે તેને જોતા દિવસો દૂર નથી કે હાલમાં જે કામગીરીઓ માનવ દ્વારા પાર પાડવામાં આવી રહી છે, તેમાંની અનેક કામગીરી પર સંપૂર્ણ રીતે એઆઈનો કબજો આવી શકે છે.
ભારતના આર્થિક વિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો મોટો છે અને માટે સેવા ક્ષેત્રમાં મોટુ કર્મચારી બળ સંકળાયેલું હોવાનું ધ્યાનમાં રાખતા એઆઈના વિકાસને કારણે સેવા ક્ષેત્રના રોજગાર પર અસરની શકયતા નકારાતી નથી. તાજેતરમાં આવેલા એક સર્વેમાં ભાગ લેનારા કર્મચારીઓમાંથી ૬૮ ટકા કર્મચારીઓએ આગામી પાંચ વર્ષમાં પોતાની કામ કરવાની પદ્ધતિ સંપૂર્ણ અથવા આંશિક રીતે એઆઈ દ્વારા પાર પડાશે તેવી ધારણાં વ્યકત કરી હતી. જો કે ભારત જેવા શ્રમિક દેશમાં ટેકનોલોજીને કારણે રોજગાર પર અસર પરવડી શકે નહીં. દેશમાં વધી રહેલા કર્મચારીબળને ધ્યાનમાં રાખતા ૨૦૩૦ સુધીમાં વાર્ષિક સરેરાશ ૭૮.૫૦ લાખ નવા રોજગાર ઊભા કરવાની આવશ્યકતા છે, ત્યારે નવી ટેકનોલોજી કંઈક અલગ જ ચિંતા ઊભી કરી રહી છે.
સેવા ક્ષેત્રમાં એઆઈના આક્રમણની સૌથી ગંભીર અસર ઈનફરમેશન ટેકનોલોજી સેગમેન્ટ પર જોવા મળવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. એઆઈને કારણે મોટેપાયે બેરોજગારીની સ્થિતિમાં પરિવારની એકંદર આવકમાં ઘટાડો થઈ શકે છે અને આવકમાં કોઈપણ ઘટાડાની સીધી અસર ઉપભોગ માગ પર પડે છે. ભારતનું અર્થતંત્ર ઉપભોગ માગ પર આધારિત હોવાથી કન્ઝમ્પશન માગમાં કોઈપણ ઘટાડાની સીધી અસર દેશના આર્થિક વિકાસ દર પર જોવા મળી શકે છે. નીચી આવકની સ્થિતિમાં ઉપભોગતાની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે.
અન્ય એક રિપોર્ટ પ્રમાણે, એઆઈના સ્વીકાર થકી ૨૦૩૦ સુધીમાં ૩.૮૦ કરોડ રોજગારમાં પરિવર્તન આવી શકે છે. એઆઈને કારણે પ્રોડકટિવિટીમાં વધારો પણ થવાની ધારણાં મૂકવામાં આવી છે. સેવા ક્ષેત્રમાં સૌથી વધુ કર્મચારીબળ રહેલુ હોવાથી પ્રોડકટિવિટીમાં વધારાનો સૌથી વધુ લાભ સેવા ક્ષેત્રમાં જોવા મળી શકે છે. જ્યારે ઉદ્યોગ ક્ષેત્રમાં વિવિધ કામગીરીમાં પ્રોડકટિવિટીમાં વૃદ્ધિનું સ્તર અલગઅલગ રહી શકે છે. ભારતમાં એઆઈનો સ્વીકાર વિશ્વની સરખામણીએ ધીમી ગતિએ થઈ રહ્યો છે ત્યારે રોજગાર પર તેની અસર પણ જોવા મળતા સમય લાગશે એવો પણ એક મત પ્રવર્તી રહ્યો છે. મેટા પ્લેટફોર્મ ઈન્કે. એઆઈ ટેલેન્ટને સમાવી લેવા પરંપરાગત રોજગાર સાથે સંકળાયેલા હજારો કર્મચારીઓની છટણી શરૂ કરી છે. જે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે તેમાંના મોટાભાગનાને નબળા વર્ક પરફોર્મન્સને કારણે રજા આપવામાં આવી રહી છે. જો કે આ છટણીનું કેન્દ્ર બિન્દુ એઆઈનું આક્રમણ માનવામાં આવી રહ્યું છે.
પેરિસ ખાતે ગયા સપ્તાહમાં યોજાઈ ગયેલી એઆઈ પરિષદમાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઈને કારણે રોજગાર ગુમાઈ જશે તેવી ચિંતાને હળવી કરી હતી અને જણાવ્યું હતું કે, એઆઈને કારણે કામની પદ્ધતિમાં બદલાવ આવશે. એઆઈ પ્રેરિત ભવિષ્ય માટે સ્કીલિંગ તથા રીસ્કીલિંગની આવશ્યકતા રહેશે. ટેકનોલોજીને કારણે રોજગાર અદ્રષ્ય થયા નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. આપણા લોકોને સ્કીલિંગ તથા રીસ્કીલિંગ કરવા ઈન્વેન્સમેન્ટની આવશ્યકતા હોવાનું મોદીએ વધુમાં જણાવ્યું હતું. એઆઈના વિકાસ અને સ્વીકારને જોતા વૈશ્વિક ધોરણોની રચના પર તેમણે ભાર આપ્યો હતો જેથી એઆઈના ઉપયોગ સંદર્ભમાં વિશ્વાસ જાળવી રાખવામાં મદદ મળી શકે.
એઆઈ માટે આવશ્યક એવી સ્કીલિંગ પર ભાર અપાઈ રહ્યો છે પરંતુ દેશમાં ઉચ્ચ શિક્ષણ સ્તરે પૂરી પડાતી વ્યવસાયીક તાલીમ સમકાલીન હોતી નથી અથવા તો ઉદ્યોગોની માગ પ્રમાણે તે પૂરી પડાતી નથી. વ્યવસાયીક તાલીમ કાર્યક્રમ રોજગારલક્ષી બનાવાશે તો જ તેનું મહત્વ રહેશે.
એઆઈના વિકાસ સાથે તાલીમબદ્ધ કર્મચારીબળની આવશ્યકતા પણ વધી રહી છે. રોજગારને લાયક કુશળતા સાથેના કર્મચારીબળનો અભાવ ઉદ્યોગો માટે એક મોટો પડકાર છે. બદલાતા સમયમાં ચાલી શકે તેવા તાલીમબદ્ધ કર્મચારીબળનો અભાવ દેશની વિકાસગાથાને ગતિ આપવામાં અવરોધરૂપ બનતું એક પરિબળ છે. ભારતના આઈટી સેવા ક્ષેત્રમાં નજીકના ભવિષ્યમાં મોટેપાયે રોજગાર ગુમાઈ જવાની શકયતા હાલમાં જણાતી નથી પરંતુ એઆઈના વિકાસ સાથે આઈટી સેવા ક્ષેત્રના રોજગારનું ચિત્ર બદલી રહ્યું છે તે સ્પષ્ટપણે જણાય રહ્યું છે.
આઈટી સેવા ક્ષેત્રના મોટાભાગના ઘટકમાં ઓટોમેશન પ્રવેશી ચૂકયું છે, પરંતુ તેની અસર અંગે વિરોધાભાષી મતો વ્યકત કરવામાં આવી રહ્યા છે. ઓટોમેશન કે એઆઈને કારણે કેવા પ્રકારની નોકરીઓ અદ્રષ્ય થઈ રહી છે અને કેવા પ્રકારની નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે અને તે માટે કેવા પ્રકારના શિક્ષણ અને તાલીમની આવશ્યકતા છે તે અંગે ચોક્કસ માર્ગદર્શિકા સરકારી સ્તરે બહાર પડાતી હોવાનું જોવા મળતું નથી. ઓટોમેશનથી નોકરી અને વેતનના સ્તરને કેવી અસર થશે તે જાણવા માટે સરકારે ચોક્કસ અભ્યાસ કરતા ધારણાંઓ પર વધુ આધાર રાખવો પડે છે જે આગળ જતાં અનિશ્ચિતતા ઊભી કરી શકે છે તે નકારી શકાય એમ નથી.