ટ્રમ્પની ટેરિફ વોરથી ભારત અવઢવમાં, આત્મનિર્ભરતા ભ્રમ સાબિત થશે
- ઓપિનિયન-પી.ચિદમ્બરમ્
- વિદેશી હૂંડિયામણની સખત જરૂર હોય તેવા દેશમાં નિકાસ પર નિયંત્રણ મુકવામાં આવે તે સમજ બહારની વાત હતી
૨ એપ્રિલ પછીના દિવસોમાં આપણને જાણકારી મળશે કે વિશ્વ આધુનિક પાઈડ પાઈપરની ધૂન પર નાચશે કે નહિ. અમેરિકા જો અન્ય લક્ષ્યાંકિત દેશોમાંથી થતી આયાત પર દંડાત્મક ટેરિફ લાદશે તો તે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમો, બહુપક્ષીય અને દ્વિપક્ષીય વેપાર કરારો અને આંતરરાષ્ટ્રીય કાયદા અને સમ્મેલનોનું ઉલ્લંઘન ગણાશે. જો કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કાયદાની પરવા નથી કરતા પછી તે અમેરિકન કાયદા હોય કે અન્ય કોઈ હોય. તેઓ પોતાને તમામ કાયદાથી ઉપરવટ માને છે.
ટ્રમ્પએ કેટલાક દેશોને લક્ષ્ય તરીકે નક્કી કર્યા છે અને લક્ષ્યાંકિત દેશોમાંથી આયાત થતા ચોક્કસ ઉત્પાદનો પર ટેરિફ લાદવાનો તેમનો ઈરાદો છે. ભારત તેમની યાદીમાં છે.
ટેરિફનો ઉપયોગ વિદેશી ઉત્પાદનોને સ્થાનિક બજારમાં પ્રવેશીને સ્થાનિક ઉત્પાદનો સાથે સ્પર્ધા કરતા રોકવા માટે અવરોધ તરીકે કરવામાં આવે છે. ટેરિફ (એટલે કે કસ્ટમ ડયુટી) ઉપરાંત એન્ટી-ડમ્પીંગ ડયુટી અને સેફગાર્ડ ડયુટી જેવી અન્ય ડયુટીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ તેને વિશેષ સંજોગોમાં લાદવામાં આવે છે. જો કે આ કવાયત સ્થાનિક હોવાથી તેને માત્ર સ્થાનિક કોર્ટમાં જ પડકારી શકાય છે અને સામાન્યપણે વિદેશી નિકાસકારની સામે સ્થાનિક ઉદ્યોગની જ તરફેણ કરવામાં આવે છે.
ઉપરાંત ગુણવત્તા ધોરણો, પેકેજિંગ નિયમો, પર્યાવરણ માર્ગદર્શિકાઓ વગેરે જેવાના આંચળા હેઠળ બિન-ટેરિફ અવરોધો પણ હોય છે. આ સ્વ-હિતની રમતને રાષ્ટ્રવાદનું નામ આપવામાં આવે છે.
રાષ્ટ્રવાદ નહિ, પણ સંરક્ષણવાદ
આત્મ-નિર્ભરતા અથવા આત્મસન્માન હાંસલ કરવા સંરક્ષણવાદ મુખ્ય હથિયાર હતું. સંરક્ષણવાદને રાષ્ટ્રવાદ તરીકે ખપાવવાના પ્રયાસ થયા છે. આધુનિક આર્થિક સિદ્ધાંત અને પ્રયોગાત્મક પુરાવાએ આત્મનિર્ભરતાના સિદ્ધાંતને નકારી કાઢ્યો છે. આત્મનિર્ભરતા એક ભ્રમ છે. કોઈપણ દેશ પોતાના લોકો માટે જરૂરી તમામ વસ્તુઓ બનાવી ન શકે. સંરક્ષણવાદમાં માનતા દેશ મંદ વિકાસ, ઓછા રોકાણ, હલકી ગુણવત્તા, મર્યાદિત વિકલ્પ અને કંગાળ ગ્રાહક સેવાથી પીડિત હોય છે.
છેલ્લા પચાસ વર્ષના ઈતિહાસમાં નિર્ણાયક રીતે સ્થાપિત થયું છે કે એક ખુલ્લુ અર્થતંત્ર અને મુક્ત વેપાર, સંરક્ષણવાદ નહિ, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી શકે. વિશ્વના સૌથી સમૃદ્ધ દેશ મુક્ત વેપાર અને સ્પર્ધાને પ્રોત્સાહિત કરે છે.
ભારતે છેલ્લા ચાલીસ વર્ષોથી સંરક્ષણવાદ અપનાવ્યો હતો. આયાતો પર ભારે પ્રતિબંધો હતા. પરિણામે નિકાસ પણ ઓછી હતી. આપણે ત્યાં કોમર્સ મંત્રાલયમાં એક ડિવિઝન ઉપરાંત આયાત અને નિકાસના ચીફ કંટ્રોલર તરીકે નિર્ધારિત ઓથોરિટી હેઠળ અધિકારીઓની એક ફોજ હતી. ત્યારે કોઈએ સવાલ ઉપસ્થિત ન કર્યો કે તમારી પાસે આયાતના ચીફ કંટ્રોલર હોય તે સમજી શકાય, પણ નિકાસના ચીફ કંટ્રોલર શા માટે? વિદેશી હૂંડિયામણની સખત જરૂર હોય તેવા દેશમાં નિકાસ પર નિયંત્રણ મુકવામાં આવે તે સમજ બહારની વાત હતી.
નેતૃત્વમાં પરિવર્તન
૧૯૯૧માં ડો. મનમોહન સિંઘ નાણાં મંત્રી તરીકે દાખલ થયા. તેમની આર્થિક નીતિઓએ સંરક્ષણવાદને ફગાવી દેવાનો અને અર્થતંત્ર મુક્ત કરવાનો માર્ગ મોકળો કર્યો. ૧૯૯૧-૯૨માં જાહેર કરાયેલી નવી વિદેશ વેપાર નીતિએ લાલ પુસ્તિકા ફાડી નાખી અને જાહેર કર્યું કે ભારત મુક્ત વેપાર માટે તૈયાર છે.
સંરક્ષણવાદ ઔપચારિક રીતે ફગાવી દેવામાં આવ્યો, પ્રતિબંધાત્મક નિયમો અને વિનિયમો રદ કરવામાં આવ્યા, ટેરિફ ઉત્તરોત્તર ઘટાડવામાં આવી અને ભારતીય ઉત્પાદકોને પ્રતિસ્પર્ધાનો સામનો કરવાની ફરજ પડી. અર્થતંત્ર મુક્ત કરવાના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ભરપૂર લાભ હતા.
પણ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી ભારતે પારોઠના પગલા ભર્યા અને સંરક્ષણવાદ અપનાવી લીધો. સંરક્ષણવાદને આત્મનિર્ભરનું રૂપકડું નામ આપવામાં આવ્યું. સરકાર ઓળખ કરવામાં નિષ્ફળ ગઈ કે વિશ્વમાં પરિવર્તન આવ્યું છે, દેશોઓ તેમના જમા પાસા શોધી કાઢ્યા છે અને તેનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે. પૂરવઠાની શ્રુંખ્લા ખોળી કાઢવામાં આવી હતી. મોબાઈલ ફોન જેવી એક વસ્તુનું ઉત્પાદન એક દેશમાં નહિ પણ અનેક દેશોમાં થવા લાગ્યું. પ્રસિદ્ધ મેડ ઈન જર્મની અથવા મેડ ઈન જાપાનથી વિપરીત અનેક ઉત્પાદનો મેડ ઈન વર્લ્ડ થવા લાગ્યા. આત્મનિર્ભરતાને કારણે રદ કરાયેલા પુરાણા નિયમો, વિનિયમો, લાયસન્સ, મંજૂરી, પ્રતિબંધો અને સૌથી મહત્વના ટેરિફ ફરી અમલમાં આવ્યા.
વિશ્વ વેપાર સંસ્થાના મતે ભારતની સાદી સરેરાશ અંતિમ ટેરિફ ૫૦.૮ ટકા છે જ્યારે વેપાર આધારીત સરેરાશ ટેરિફ ૧૨ ટકા છે. આ બે આંકડા દર્શાવે છે કે ભારત કેટલું સંરક્ષણવાદી બની ગયું છે.
વાજબી વિ. દેખાડાના હિત
બીજી તરફ અન્ય કોઈપણ દેશની જેમ ભારતે પણ કૃષિ, મત્સ્યોદ્યોગ, ખનન અને હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ તેમજ પરંપરાગત વ્યવસાય જેવા કેટલાક વાજબી હિતો સાચવવા પડે છે. તેના પર લાખો જીવન અને રોજગાર નિર્ભર હોવાથી તેમનું સંરક્ષણ કરવાની જરૂર રહે છે. વિશ્વ આ વાજબી હિતો પ્રત્યે અસંવેદનશીલ નથી.
ટ્રમ્પએ પ્રથમ વાર કર્યો છે. તેમણે એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાતો પર ટેરિફ સાથે શરૂઆત કરી, પછી પાછી પાની કરી અને હવે નવી તારીખ જાહેર કરી. ૨૬ માર્ચે તેમણે ઓટોમોબાઈલ્સ અને ઓટો-પાર્ટ્સ પર ઊંચી ટેરિફ લાદી. મારી ધારણા મુજબ ટ્રમ્પ શાર્પ શૂટરની જેમ એક પછી એક લક્ષ્યાંકો તોડી પાડશે. ભારતનો પ્રતિસાદ હજી સુધી પ્રતિક્રિયાત્મક અને રહસ્યમય રહ્યો છે. સરકારે ૨૦૨૫-૨૬ માટેના બજેટમાં ટેરિફ ઘટાડો જાહેર કર્યો. પણ ટ્રમ્પ પર તેનો પ્રભાવ ન પડયો. મોદીએ તેમની પ્રશંસા કરી, પણ ટ્રમ્પને સંતોષ નથી થયો. નાણાં બિલ પસાર કરતી વખતે ડિજિટલ સર્વિસ ટેક્સ (ગૂગલ ટેક્સ) પાછો ખેંચવામાં આવ્યો. વધુ છૂટછાટો વિશે ચર્ચા થઈ રહી છે. તેના સ્થાને આપસી ચિંતા સંબંધિત તમામ ટેરિફ મુદ્દા વિશે વ્યાપક ચર્ચા અને સહમતિ થવા જોઈએ. સ્પષ્ટ છે કે મોદી વધુ પડતું ઝૂક્યા છે, પણ તેઓ વિજય હાંસલ કરશે તેની ખાતરી નથી. અન્ય દેશોને તેમની લડાઈમાં જેવી રીતે ભારતના સમર્થનની જરૂર છે તેવી જ રીતે ભારતને પણ આ લડાઈમાં મિત્ર દેશોની જરૂર પડશે.