Get The App

મોંઘવારી બેકાબુ રહેતાં સરકાર માટે વધેલો માથાનો દુઃખાવો

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
મોંઘવારી બેકાબુ રહેતાં સરકાર માટે વધેલો માથાનો દુઃખાવો 1 - image


- કોમોડિટી કરંટ

- રવિ સીઝન લેટ રહેતાં વાવેતરમાં વિલંબથી ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા

-  ખરીફ સીઝનમાં તેલીબીયાંમાં મગફળીનું ઉત્પાદન દશેક ટકાના વધારા સાથે એકાદ કરોડ ટનની આસપાસ થવાની ધારણા છે

આજકાલ ગ્લોબલ વોર્મિંગને કારણે શિયાળો, ઉનાળો, ચોમાસુ જેવી દરેક સીઝનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જેના લીધે ખાદ્ય ચીજોના વાવેતરથી લઈને ઉત્પાદન સુધી અપેક્ષિત ગણત્રીઓ પૂર્ણ થવામાં ખાત્રીનો અભાવ રહ્યો છે. ખાદ્યચીજોનું ઉત્પાદન સામે દિનપ્રતિ દિન વપરાશમાં પણ દર વર્ષે ક્રમશઃ સતત વધારો થઈ રહ્યો હોવાથી મોંઘવારી બેકાબુ રહી છે. સરકાર માટે બાર સાંધે અને તેર તુટે તેવી સ્થિતિ હોવાથી મોંઘવારીનો પ્રશ્ન સરકારની સાથે સાથે પ્રજા માટે શિરદર્દ બની રહ્યું છે. મોંઘવારીનો દર છેલ્લા ૧૪ મહિનાના ઉંચા સ્તરે ૬.૨ ટકા સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ મોંઘવારી શાકભાજીમાં રહી છે.

 થોડાક અઠવાડિયા પહેલાં જાહેર થયેલા વર્ષ ૨૦૨૪-૨૫ ખરીફ સત્રના અનુમાનો પ્રમાણે હાલમાં પૂર્ણ થયેલ ખરીફ સીઝનમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન લગભગ ૧૨ કરોડ ટનની આસપાસ થવાનો અંદાજ છે. જે ગત વર્ષ કરતાં લગભગ છ ટકા જેટલું વધુ હોવાની ગણત્રી છે. ચોખાના ઉંચા બજારોને કારણે ખેડૂત વર્ગ દાળો તથા કપાસ છોડીને ચોખાની ખેતી તરફ ફંટાયો હતો. ચોખાનું ઉત્પાદન વધતાં સરકારે તાજેતરમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસને લીલી ઝંડી આપી પ્રતિબંધ દૂર કરતાં ચોખાની બજારમાં ૧૦ થી ૧૫ ટકાનો ગરમાવો રહ્યો છે. ગત વર્ષે લગભગ ૪૫ હજાર કરોડ રૂપિયાની ચોખાની નિકાસ થઈ હતી. જેમાં આ વર્ષે વધારો થવાની ધારણા છે. જોકે ઘણા વર્ષોથી ભારત ઘઉં અને ચોખાની નિકાસમાં વિશ્વમાં અગ્રેસર રહ્યા છે. હાલમાં દેશમાંથી લગભગ ૧૮૦ થી ૨૦૦ લાખ ટન ચોખાની વર્ષે દહાડે સરેરાશ નિકાસ થઈ રહી છે. ચોખા ઉપરાંત ઘઉં તથા મકાઈનું ઉત્પાદન પણ રવિ સીઝનમાં નોંધપાત્ર થવાની ગણત્રી છે.

આ વર્ષે મકાઈના ઉત્પાદનમાં દસેક ટકાનો વધારો થવાની શક્યતા છે. અનાજ ઉપરાંત દાળોનું ઉત્પાદન વધે તે પણ દેશ માટે અત્યંત જરૂરી બન્યું છે. દાળો તથા તેલીબીયાંના ઉત્પાદનમાં હજુ આત્મનિર્ભર થવાની તાતી જરૂર છે. આ વર્ષે દાળોનું ઉત્પાદન ૫૦ થી ૬૦ લાખ ટન જેટલું ઓછું થવાના અહેવાલો છે. જેમ કે ગત વર્ષે અડદના ૧૬ લાખ ટન ઉત્પાદનની સામે હાલમાં ખરીફ સીઝનમાં ઉત્પાદન ઘટીને ૧૨ લાખ ટન થવાની ધારણા છે. જે છેલ્લા ૧૦ વર્ષે કરતાં ઓછું હોય તેવા અહેવાલો છે. વર્ષ ૨૦૧૭ માં સૌથી વધુ લગભગ ૨૭ લાખ ટનની આસપાસ રહ્યું હતું. અડદના મુખ્ય ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં ઓછું વાવેતર રહ્યું હતું.

 દેશમાં અડદની માંગ પ્રમાણે પુરવઠો પૂર્ણ કરવા માટે હાલમાં અડદની આયાત ઉપર આધાર રાખવો પડી રહ્યો છે. જેમાં આયાતમાં ૪૧ થી ૪૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. આ જ પ્રમાણે તુવેરમાં પાક ઘટાડાની સ્થિતિ યથાવત છે. દાળોની સામે તેલીબીયાંનું ઉત્પાદન અપેક્ષિત નથી પરંતુ સંતોષકારક હોવાની ચર્ચા છે. ખરીફ સીઝનમાં તેલીબીયાંમાં મગફળીનું ઉત્પાદન દશેક ટકાના વધારા સાથે એકાદ કરોડ ટનની આસપાસ થવાની ધારણા છે. સોયાબીનનું ઉત્પાદન પણ સવા કરોડ ટન ઉપરાંત થવાની ગણત્રી છે. જેના સ્થાનિક સ્તરે ખાદ્યતેલનું ઉત્પાદન માંગ પ્રમાણે થવાની શક્યતા છે. તેના કારણે ખાદ્યતેલની આયાતમાં પણ દશેક લાખ ટનનો ઘટાડો થાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

 તેલીબીયાંમાં તલને બાદ કરતાં મગફળી તથા સોયાબીનમાં ખેડૂતોને ફાયદો થાય તેવી ગણત્રી ઉપરાંત ચુંટણીઓના માહોલમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને સરકારે ટેકાના ભાવોથી મગફળી તથા સોયાબીનની ખરીદી શરૂ કરી છે.

અન્ય પાકોમાં આ વર્ષે શેરડીનું ઉત્પાદન ૪૨ થી ૪૪ કરોડ ટન થવાની ગણત્રી છે. ત્રણ થી ચાર ટકા ઓછું ઉત્પાદન થવાની વકીથી હાલમાં લાગેલ નિકાસ પ્રતિબંધ પણ યથાવત રહે તેમ છે. કપાસનું ઉત્પાદન પણ લગભગ સાત થી આઠ ટકા ઓછું એટલે કે ત્રણેક ગાંસડી આસપાસ થવાનો અંદાજ છે. 

કપાસનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતાઓને કારણે નિકાસ કરતાં આયાતનું પ્રમાણ વધે તેમ છે.દરમ્યાન રવિ સીઝન આ વર્ષે શિયાળો લેટ રહેતાં વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે. રવિ પાકોનું કેટલું વાવેતર થશે તેના ઉપર વિવિધ કૃષિ ચીજોના બજારોમાં તેજી-મંદીનો આધાર હોવાની હાલની સ્થિતિ છે.


Google NewsGoogle News