ઉદ્યોગો દ્વારા મૂડી રોકાણમાં વધારો
ભારતીય રિઝર્વ બેંકે તાજેતરના મહિનાઓમાં ખાનગી ક્ષેત્રના મૂડીપક્ષમાં બે આંકડામાં વૃદ્ધિ દર્શાવ્યા બાદ ભારતીય કંપનીઓ તેમની મૂડી ખર્ચ યોજનાઓને વેગ આપી રહી છે.રિઝર્વ બેંકે કહ્યું હતું કે ક્ષમતાના વપરાશમાં વધારો અને સેન્ટિમેન્ટમાં સુધારાની સાથે, બેંકો અને કંપનીઓની મજબૂત બેલેન્સ શીટ પણ ખાનગી ક્ષેત્રના રોકાણમાં સતત વધારો કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવી રહી છે. ભારતીય ઉદ્યોગ જગતનું કહેવું છે કે આગામી કેટલાક વર્ષોમાં જંગી મૂડી રોકાણ જોવા મળશે.
અમેરિકામાં ફુગાવો વધતા રૂપિયો અને બોન્ડમાં પીછેહઠ
અમેરિકામાં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો માર્ચમાં ૩.૫ ટકાની ધારણા કરતાં ઊંચો રહ્યો હતો. તેના કારણે રૂપિયા અને સરકારી બોન્ડમાં નબળાઈ જોવા મળી હતી. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં થયેલા વધારાના સંકેતોને લઈને, ૧૦-વર્ષના સરકારી બોન્ડની ઉપજ ૭ બેસિસ પોઈન્ટ વધીને લગભગ બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. એપ્રિલમાં અત્યાર સુધીમાં બેન્ચમાર્ક યીલ્ડમાં ૧૨ બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે.
આગામી દાયકામાં ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ ત્રણ ગણું વધશે
દેશનો રિયલ એસ્ટેટ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી વિકાસ કરી રહ્યો છે. મકાનો અને ઓફિસોની માંગ વધી છે. નિષ્ણાતોના મતે આગામી દાયકો પણ આ ઉદ્યોગ માટે સારો સાબિત થવાનો છે અને આ ઉદ્યોગનું કદ ૧.૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. આ અંદાજ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ મૂક્યો છે. વર્ષ ૨૦૨૩માં તે લગભગ ૪૮,૨૦૦ કરોડ ડોલર હતું. આર્થિક ઉત્પાદનમાં રિયલ એસ્ટેટનો હિસ્સો આગામી દાયકામાં ૭.૩ ટકાથી વધીને ૧૦.૫ ટકા થવાની ધારણા છે.