Get The App

જુવાર તથા બાજરીના વાવેતર હેઠળના વિસ્તારમાં વૃદ્ધિ

Updated: Jul 23rd, 2023


Google NewsGoogle News
જુવાર તથા બાજરીના વાવેતર હેઠળના વિસ્તારમાં વૃદ્ધિ 1 - image


- ઉભી બજારે : દિલીપ શાહ

- જાડા-બરછટ અનાજની બજારમાં મિશ્ર હવામાન જોવા મળ્યું

દે શમાં અનાજ બજારમાં તાજેતરમાં સમીકરણો પલ્ટાતા જોવા મળ્યા છે. આ પૂર્વે ઘરઆંગણે જુવાર, મકાઈ, બાજરી, જવ, રાગી  વિ. જેવા જાડા અને બરછટ ગણાતા ધાન્યોની માગ મર્યાદિત રહેતી હતી  પરંતુ હવે આવા અનાજની માગમાં  નોંધપાત્ર વૃદ્ધી થયાના વાવડ મળ્યા છે. આવા જાડા ધાન્યો માટે  સરકારે પણ આવા અનાજને પ્રચલીત કરવા તાજેતરમાં ખાસ્સી સક્રિયતા બતાવી છે અને તેના પગલે આવા ધાન્યોની માગ પર તેની પોઝીટીવ અસર પણ દેખાઈ છે. દરમિયાન, દેશના અનાજ બજારમાં  તાજેતરમાં મકાઈના ભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. મકાઈ ઉગાડતા વિવિધ વિસ્તારોમાં  હવામાનની અનિશ્ચિતતા વચ્ચે તાજેતરમાં મકાઈના વાવેતરના નિર્દેશો ધીમી પ્રગતિ બતાવતા મળ્યા હતા અને તેના પગલે મકાઈનાબજારભાવ ઉંચા જતા જોવા મલ્યા હતા.  ખરીફ વાવેતરમાં મકાઈના વાવેતરમાં પ્રગતી ધીમી જણાઈ હતી. મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં આવું વાવેતર ધીમું રહ્યું હોવાના નિર્દેશો મળ્યા હતા. અનાજ બજારમાં  મકાઈના ભાવ વધ્યા છે. દક્ષિણ ભારતમાં મકાઈના ભાવ કિવ.ના રૂ.૧૮૦૦ વાળા હવે રૂ.૨૧૦૦ બોલાતા થયા હતા. દક્ષિણમાં ઈરોડ વિસ્તારમાં ભાવ રૂ.૨૪૦૦ સુધી જોવા મળ્યા હતા. સાંગલી મહારાષ્ટ્રમાં ભાવ વધી રૂ.૨૫૦૦ નજીક પહોંચ્યા હતા.  મકાઈના ટેકાના ભાવ સરકારે આ પૂર્વે કિવ.ના રૂ.૨૦૯૦ નક્કી કર્યા હતા અને અનાજ બજારમાં મકાઈના હાજર ભાવ આવા ટેકાના ભાવથી ઉંચા બોલાતા થયા છે. મકાઈના ખરીફ પાકની નવી આવકો બજારમાં  સપ્ટેમ્બરથી શરૂ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આવી આવકો શરૂ થાય એ પૂર્વેના ગાળામાં  મકાઈના બજારભાવ એકંદરે ઉંચા રહેવાનો અંદાજ અનાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

મકાઈના વાવેતરના આંકડાઓ તાજેતરમાં બહાર પડયા છે અને આ આંકડાઓ મુજબ જુલાઈ મધ્ય સુધીના ગાળામાં મકાઈના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૪૫થી ૪૬ લાખ હેકટર્સજેટલો નોંધાયો છે. આ ગાળામાં કર્ણાટકમાં  મકાઈનું વાવેતર ઘટી ૬થી ૭ લાખ હેકટર્સ જેટલા વિસ્તારમાં  થયું  છે જે પાછલા વર્ષે આ ગાળામાં ૧૦થી ૧૧ લાખ હેકટર્સ જેટલા વિસ્તારમાં થયું હતું.  મહારાષ્ટ્રમાં  મકાઈનું વાવેતર ૬ લાખ હેકટર્સથી ઘટી આશરે સાડા ત્રણ લાખ હેકટર્સમાં  થયાના વાવડ તાજેતરમાં  મળ્યા હતા.  

ઓરિસ્સામાં  તથા  તેલંગણામાં પણ મકાઈના વાવેતર હેઠળનો વિસ્તાર આ વર્ષે ઘટયાના નિર્દેશો મળ્યા હતા. કર્ણાટક તથા મહારાષ્ટ્રમાં આ ગાળામાં વરસાદની ચાલ અનિયમિત જોવા મળી હતી. જો કે આ ગાળામાં રાજસ્થાન, મધ્ય-પ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં  મકાઈનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ વધ્યંા હોવાના વાવડ પણ મળ્યા હતા. હિમાચલ પ્રદેશ, ગુજરાત તથા બિહારમાં પણ ખેડૂતોએ આ ગાળામાં મકાઈના વાવેતર હેઠળનો વિસ્તાર વધાર્યો હોવાના નિર્દેશો મળ્યા હતા. મકાઈનો વપરાશ પોલ્ટ્રી ક્ષેત્રે વધુ થાય છે અને આ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા મુજબ મકાઈના બજાર ભાવ તાજેતરના મહિનાઓમાં આશરે ૧૮થી ૨૦ ટકા જેટલા ઉંચા ગયા છે. દરમિયાન, તાપમાનમાં થઈ રહેલી વૃદ્ધીના પગલે ઘઉંના વિક્લપના સ્વરૂપમાં જુવારનો વિક્લપ હવે પછી વધુ આદર્શ પુરવાર થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. દરમિયાન, દેશના કૃષી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ મોન્સૂનમાં  વરસાદની પ્રગતિ મોસમના આરંભમાં  ધીમી  રહ્યા પછી  તાજેતરમાં  વરસાદની ચાલે વેગ પકડયો છે. દેશમાં બાજરીના વાવેતર હેઠળનો વિસ્તાર જોકે ખરીફ મોસમમાં આશરે ૪૮થી ૪૯ ટકા જેટલો વધી  ૫૩થી ૫૪ લાખ હેકટર્સના મથાળે પહોંચ્યો છે. 

જ્યારે આ ગાળામાં દેશમાં જુવારના વાવેતર હેઠળનો  વિસ્તાર આશરે  ૨૩થી ૨૪ ટકા વધી  ૯થી ૧૦ લાખ હેકટર્સની સપાટીએ પહોંચ્યો  છે. એકંદરે  આ ગાળામાં  દેશમાં વિવિધ જાડા ધાન્યોના વાવેતર હેઠળનો કુલ વિસ્તાર ૧૮થી ૧૯ ટકા વધી ૧૧૦થી ૧૧૧ લાખ હેકટર્સના મથાળે પહોંચ્યો હોવાનું  આ ક્ષેત્રના  સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, ઉત્તર પ્રદેશથી મળેલા નિર્દેશો મુજબ ત્યાં સરકાર દ્વારા શાળાઓમાં બાળકોને બાજરીના રોટલા, બાજરીની ચપાતીઓ તથા બાજરીની ખીચડી આપવા વિચારણા શરૂ થઈ છે. ઉત્તર-પ્રદેશમાં આશરે દોઢ લાખ શાળાઓમાં આવું વિતરણ કરવામાં આવનાર છે. આ યોજના માટે આશરે ૬૧થી ૬૨  હજાર ટન બાજરીની જરૂરિયાત ઊભી થનાર હોવાનું અનાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.


Google NewsGoogle News