ઘઉંમાં ઓક્ટોબર મહિનાથી ખુલ્લા બજારમાં સપલાય વધશે છ સરકારે આપેલા સંકેતો
- ઊભી બજારે - દિલીપ શાહ
- સરકાર હસ્તક ઘઉંનો સ્ટોક એપ્રિલના તળિયે પહોંચ્યા પછી નવી ખરીદી વચ્ચે સ્ટોક વધ્યાના નિર્દેશો
દેશમાં અનાજ-કઠોળ-દાળ બજારમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. તહેવારોની મોસમ ખીલી છે તથા દશેરા-દિવાળી અને ત્યારબાદ નાતાલ સુધી આવી મોસમ આગળ ધપવાની ગણતરી વચ્ચે બજારોમાં મોસમી માગ અવારનવાર વધતી જોવા મળી છે. અનાજ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ઘઉંના બજાર ભાવ વધી ૮થી ૯ મહિનાની ટોચે પહોંચ્યા છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં સરકાર પાસે ઘઉંનો સ્ટોક ઘટી ૧૫થી ૧૬ વર્ષના તળિયે ઉતરી ગયો હતો. જો કે ત્યારબાદ સરકારના ગોદામોમાં નવો માલ આવ્યો છે. દેશમાં એક બાજુ તહેવારોની મોસમ શરૂ થઈ છે ત્યારે બીજી તરફ વિવિધ રાજ્યોમાં માથે ચૂંટણીઓ પણ આવી રહી છે એવા માહોલમાં સરકારની બારીક નજર ઘઉં બજાર તથા એકંદરે અનાજ-કઠોળની બજાર પર રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન દિલ્હીના સરકારી સૂત્રોમાંથી મળતા સંકેતો મુજબ સરકાર ઓકટોબર મહિનાથી ખુલ્લા બજારમાં ઘઉંનો પુરવઠો વધે એવા પ્રયત્નો શરૂ કરશેએવા નિર્દેશો મળ્યા હતા. કૃષી મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ઘઉંનો પાક ૨૦૨૨-૨૩માં ૧૧૦૫થી ૧૧૦૬ લાખ ટન આવ્યો હતો તે ૨૦૨૩-૨૪ના વર્ષમાં વધી ૧૧૨૯થી ૧૧૩૦ લાખ ટન આસપાસ પહોંચ્યો છે. દરમિયાન, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ઓકટોબરમાં સરકાર કદાચ આશરે ૧૦ લાખ ટન ઘઉં પોતાના સ્ટોકમાંથી ખુલ્લા બજારમાં વેંચવાની શરૂઆત કરશે એવી શકયતા છે. ઓકટોબરથી શરૂ કરી ત્યારબાદના દરેક મહિનામાં સરકાર દ્વારા ઘઉંનો આટલો જથ્થો ખુલ્લા બજારમાં છૂટ્ટો કરાતો રહેશે અને આવું વેંચાણ કદાચ ૨૦૨૫ના આવતા વર્ષના આરંભના મહિનાઓ સુધી ચાલુ રાખવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
આ તરફ કઠોળ-દાળ બજારમાંથી મળતા નિર્દેશો મુજબ ખરીફ પાકના નવા માગની આવકો વિવિધ ઉત્પાદક મથકોે શરૂ થઈ છે ત્યારે હવે કર્ણાટકમાં આવા નવા મગની સરકારી ખરીદી ટૂંકમાં શરૂ થવાની શક્યતા બજારમાં ચર્ચાઈ રહી છે. પ્રાઈસ સપોર્ટ યોજના હેઠળ આવી ખરીદી કરવામાં આવનાર છે. દિલ્હીથી કૃષી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટકમાં પ્રથમ તબક્કે આશરે ૨૨થી ૨૩ હજાર ટન નવા મગની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવનાર છે. નવા મગમાં સરકાર દ્વારા આવી ખરીદી કિવ.દીઠ રૂ.૮૬૮૨ના ભાવોએ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રૂ.૭૨૮૦ના ભાવોએ સરકાર ૧૩થી ૧૪ હજાર ટન સનફલાવરની ખરીદી પણ કરવાની છે. કર્ણાટકના કઠોળ-દાળ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ત્યાં નવા મગની આવકો શરૂ થઈ જતાં તથા વિશેષ રૂપે નોર્થ કર્ણાટકમાં આવી આવકો વિશેષ વધતાં મથકોએ નવા મગના ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ-સપોર્ટ ભાવથી નીચા ઉતર્યા હતા તથા હવે ત્યાં મગ ઉગાડતા ખેડૂતોની નજર સરકાર દ્વારા થનારી ખરીદી પર રહી છે . અમુક મથકોએ તો ભાવ ઘટી નીચામાં રૂ.૫૯૦૦થી ૬૬૦૦ સુધી ઉતર્યા હતા. જો કે નવા મગમાં શરૂઆતમાં ભેજનું પ્રમાણ પણ વિશેષ આવી રહ્યાના સમાચાર મળ્યા હતા. જો કે હવે સરકારી ખરીદી નિકળવાની આશાએ બજાર ભાવ વધુ નીચા ઉતરતા અટકયા હતા. મગનો પાક ૬૦ દિવસમાં તૈયાર થઈ જાય છે અને કઠોળમાં નવા મગની આવકો વહેલી શરૂ થતી હોય છે. આ વર્ષે મગના વાવેતરનો વિસ્તાર વધી દેશવ્યાપી ધોરણે ૩૪ લાખ હેકટર્સ નજીક પહોંચ્યો છે. દેશમાં રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર વિ. રાજ્યોમાં મગનું ઉત્પાદન વિશેષ થાય છે. દરમિયાન અનાજ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઘઉંના ભાવ જુલાઈમાં ૫થી ૬ ટકા વધ્યા હતા. સરકારે પાછલા નાણાંવર્ષમાં આશરે ૧૦૦ લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વંચ્યા હતા તેની સામે આ વર્ષે આવા વેંચાણનો ટારગેટ ૫૫થી ૬૦ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. ઓપન માર્કેટ સેલની યોજના હેઠળ સરકાર દર સપ્તાહે ઘઉંનું વેચાણ ઓકટોબરથી શરૂ કરશે એવી શક્યતા બજારમાં ચર્ચાઈ રહી છે. આ વર્ષે એપ્રિલ-મે-જૂનમાં સરકારે ૨૬૫થી ૨૬૬ લાખ ટન ઘઉંની ખરીદી-પ્રાપ્તી કરી છે.