આ દેશમાં ગ્રાહક બારમાસી એપ્રિલફૂલ છે .
- સ્માઇલ ઇન્ડેક્સ-વ્યર્થશાસ્ત્રી
- કદાચ એકાદો પ્રમાણિક નેતા હજુય મળી આવે, પણ ક્યારેય છેતરાયો ન હોય તેવો ગ્રાહક શોધવો અસંભવ છે
એપ્રિલ ફૂલનો દિવસ વર્ષે એક જ વાર આવે છે. જોકે દેશમાં કેટલાક લોકો બારમાસી એપ્રિલ ફૂલ બનતા રહે છે. આવા બારમાસી એપ્રિલ ફૂલનો એવોર્ડ મેળવવાની કોમ્પિટીશન શરુ થઈ.
એક સ્પર્ધક સ્ટેજ પર આવ્યો. 'દેશમાં શેરબજારના રોકાણકારને જ બારમાસી એપ્રિલ ફૂલ જાહેર કરો. ક્યારેક એફઆઈઆઈવાળા બનાવી જાય, ક્યારેક કંપનીઓના પ્રમોટરો બનાવી જાય, ક્યારેક રોકાણની સલાહ આપનારાઓ બનાવી જાય.'
હવે બીજા જણના હાથમાં માઈક આવ્યું. 'ફિલ્મો જોવામાં પૈસા ખર્ચનારાને બારમાસી એપ્રિલ ફૂલ જાહેર કરો. એક્ટિંગના નામે લાકડાંના હાલતાં ચાલતાં પૂતળાં જોવા મળે છે, સંગીતના નામે ઘોંઘાટ અને ફિઝિક્સના તમામ નિયમોનો ખુડદો બોલાવતી મારામારી જોઈને દર્શકો એપ્રિલ ફૂલ બને છે.'
ત્રીજો એક નાનો સ્પર્ધક મેદાનમાં આવ્યો. 'વાસ્તવમાં એપ્રિલ ફૂલ તો શાળા-કોલેજોના મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેમને વર્ષોનાં વર્ષો સુધી એમ કહેવામાં આવે છે કે ભણીગણીને ડિગ્રી મેળવશો તો સારી નોકરી મળશે, સારું કમાશો. કોલેજ પૂરી થયા પછી ખબર પડે છે કે આપણા આટલાં વર્ષોનાં ભણતર અને કોલેજની ડિગ્રીની કોઈ કિંમત જ નથી.'
ચોથા એક સ્પર્ધક યા..યા કરતા સ્ટેજ પર આવ્યા. 'મારી તો વિનંતી છે કે આ વર્ષ પૂરતાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા લોકોને જ એપ્રિલફૂલ જાહેર કરો. જેમને ટ્રમ્પ સાહેબે તગેડી મૂકયા એમને ઠીક છે, પરંતુ હજુ ત્યાં રહી પડયા છે એ જબરા ફસાયા છે. અહીંથી એજન્ટે મૂર્ખ બનાવીને મોકલ્યા અને ત્યાં હવે કામ આપનારાઓ મજબૂરીનો લાભ લઈ શોષણ કરી મૂર્ખ બનાવી રહ્યા છે.'
પાંચમો સ્પર્ધક સ્ટેજ પર આવતાં જ ધૂ્રસ્કું નાખીને કહે, 'અમારા જેવા સરકારી કચેરીઓમા ંવર્ષોનાં વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓને જ બારમાસી એપ્રિલ ફૂલ જાહેર કરો. આમ કહેવાય એમ કે સરકારમાં નોકરી કરીએ છીએ, પણ પગાર કે નોકરીની સલામતીનાં કાંઈ ઠેકાણાં નહીં.'
છઠ્ઠો સ્પર્ધક કહે, 'એવા ભોળા ટીવી દર્શકોને જ બારમાસી એપ્રિલફૂલનો ખિતાબ આપો જેઓ આઈપીએલથી માંડીને બિગ બોસ અને બીજા કેટલાય રિયાલિટી શો ટીવી પર જોઈને આ બધું સાચું છે એમ માની લે છે.'
સાતમો સ્પર્ધક કહે, 'સોશિયલ મીડિયા પર દરેક પ્રોફાઈલને સાચી પ્રોફાઈલ અને દરેક સોશિયલમ ીડિયા ઈન્ફ્લુએન્સરને જેન્યુઈન માની લેનારાને જ આ પદવી આપો.'
આઠમો સ્પર્ધક જરા ભારેખમ અવાજે કહે, 'આ દેશમાં હજુ પણ એકાદો પ્રમાણિક નેતા કદાચ ધોળા દિવસે દીવો લઈને શોધવા નીકળીએ તો મળી આવે, પરંતુ આ દેશમાં ક્યારેય છેતરાયો ન હોય તેવો ગ્રાહક શોધવો અસંભવ છે. દેશનો એક એક જણ આ અર્થમાં બારમાસી એપ્રિલ ફૂલ છે.'
બધા જ સ્પર્ધકો સ્ટેજ પર ધસી જઈ આ સ્પર્ધકને ભેટી પડયા. ઔપચારિક જાહેરાત વિના પરિણામ જાહેર થઈ ગયું.
સ્માઈલ ટિપ
માણસ પૈસાની શોધ કરી સદાકાળ માટે એપ્રિલફૂલ બન્યો છે!