બજેટમાં બાંધકામ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને બુસ્ટર ડોઝ અપાશે
- ઊભી બજારે - દિલીપ શાહ
- ઇન્ફ્રામાં પબ્લિક કેપિટલ એક્સપેન્ડીચરમાં વૃદ્ધિ થવાની શક્યતા
દેશના વેપાર તથા ઉદ્યોગ જગતની નજર હવે કેન્દ્રના બજેટ પર રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સરકારે રજૂ કરેલા ટૂંકાગાળાના બજેટ-વોટ-ઓન-એકાઉન્ટમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને બુસ્ટ આપવાના સંકેતો આપ્યા હતા એ જોતાં હવે રજૂ થનાર ફુલ-ફલેઝડ બજેટમાં નાણાંપ્રધાન ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રના વિકાસને વેગ આપવા વિવિધ જાહેરાતો- ભલામણો કરશે એવી શકયતા આ ક્ષેત્રના જાણકારો બતાવી રહ્યા છે. દેશમાં ફિસ્કલ ડેફીસીટ વેરાકિય ખાધનો ટાર્ગેટ જીડીપીના ૫.૧૦ ટકાથી ઘટાડી ૫.૦૦ ટકા કરવામાં આવશે એવી શક્યતા હાલ ચર્ચાઈ રહી છે. કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડકશનની મર્યાદા વધારવામાં આવશે એવી આશા પણ જાણકારો બતાવી રહ્યા હતા. પર્સનલ ઈન્કમ ટેક્સમાં પણ રાહત અપાવાની શક્યતા છે.ખાસ કરીને વાર્ષિક રૂ.૫ લાખથી ૧૫ લાખ સુધીની આવક ધરાવતા આવા કરદાતાઓ માટે આવી રાહત આપવામાં આવશે એવી શક્યતા ચર્ચાતી રહી છે. ગ્રામિણ વિસ્તારોના વિકાસ માટે હાઉસિંગ સબસીડીઓમાં વૃદ્ધી થવાની શક્યતા બજારમાં ચર્ચાઈ રહી છે. ગ્રામિણ વિસ્તારોમાં રોડ બાંધવા તથા વિકસાવવા અને અપગ્રેડ કરવા બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવશે એવી આશા વચ્ચે દેશના સિમેન્ટ બજાર તથા સ્ટીલ-લોખંડ બજારના ખેલાડીઓ ઉત્સાહભરી નજર બજેટ પર હાલ માંડતા જોવા મળ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોના સંદર્ભમાં પબ્લીક કેપિટલ એક્સપેન્ડીચર (કેપેક્સ) જીડીપીના ૩.૪૦ ટકાથી વધારી ૩.૫૦ ટકા કરવામાં આવશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. કેન્દ્ર દ્વારા રાજ્યોને ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે વ્યાજમુક્ત ધિરાણો અપાવાની શક્યતા છે.
દેશનો મધ્યમ વર્ગ તેની હાઉસિંગની માગ સરળતાથી પુરી કરી શકે એ માટે બજેટમાં હાઉસિંગ ક્ષેત્રમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવશે એવી શક્યતા બતાવાઈ રહી છે. મધ્યમ વર્ગ પોતાનું ઘર પોતે જ બાંધી શકે એ વિષયક રાહતો બજેટમાં આવવાની શક્યતા છે. અને તેના પગલે સિમેન્ટ તથા સ્ટીલ બજારમાં માગ વધવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. પ્રોપર્ટી બજાર તથા રિઅલ એસ્ટેટ ક્ષેત્રના ખેલાડીઓની નજર આના પગલે બજેટ પર વિશેષ મંડાઈ છે. ભાડાના ઘરમાં તથા સ્લમ વિસ્તારમાં અને ચાલમાં રહેતા અથવા તો અનઓર્થોરાઈઝડ કોલોનીઓમાં રહેતા મધ્યમ વર્ગ માટે બજેટમાં વિશેષ રાહત અપાશે એવા સંકેતો આ પૂર્વે નાણાંપ્રધાને આપ્યા હતા. પીએમ આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ આવતા પાંચ વર્ષમાં આશરે બે કરોડ ઘરો બાંધવામાં આવનાર છે. દેશમાં કોરોના પછીના બે વર્ષમાં હાઉસિંગ માગ ખાસ્સી વધી છે. હોમ લોનના વ્યાજના સંદર્ભમાં ડિક્કશન રૂ.૨ લાખથી વધારી રૂ.પાંચ લાખ (વાર્ષિક) કરાય તો આ ક્ષેત્રને બુસ્ટર ડોઝ મળી શકે તેમ છે. એફોર્ડેબલ હાઉસિંગનો વિષય બજેટ પૂર્વે ટોક-ઓફ-ધી-ટાઉન બન્યો છે. ઈન્ફ્રાસ્ટ્રકચર વિષયક સરકારી ખર્ચનો ટાર્ગેટ ૧૧થી ૧૨ ટકા વધી ૧૧થી ૧૨ લાખ કરોડ થતાં રોડ બાંધકામને વિશેષ વેગ મલે તેમ છે. આ બધાના પગલે સિમેન્ટ તથા સ્ટીલની માગ બજેટ પછી વધવાની આશા જણાઈ રહી છે. દરમિયાન, દેશમાં તાજેતરમાં ચીનથી સ્ટીલની આયાતમાં વિશેષ વૃદ્ધી થઈ છે અને તેના પગલે ઘરઆંગણાના સ્ટીલ ઉત્પાદકોએ નારાજગીનો સૂર પણ દર્શાવ્યો છે. સિમેન્ટ બજારમાં તાજેતરમાં માગ ધીમી પડતાં ભાવમાં પીછેહટ જોવા મળી છે પરંતુ બજેટ પછી માગ ફરી ઉંચી જવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા છે.