ખાંડમાં જુલાઈમાં મુક્ત વેચાણનો જથ્થો દોઢ લાખ ટન ઓછો રહેશે

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
ખાંડમાં જુલાઈમાં મુક્ત વેચાણનો જથ્થો દોઢ લાખ ટન ઓછો રહેશે 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

- જો કે વરસાદી માહોલમાં ખાંડની માગ પણ ધીમી પડવાની શક્યતાઃ હવે નિકાસ છૂટ ક્યારે અપાય છે તેના પર બજારની નજર

દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગ જગતમાં સમીકરણો તાજેતરમાં ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. વરસાદના આગમન વચ્ચે દેશમાં મોન્સૂનની મોસમ શરૂ થઈ ગઈ છે તથા તેના પગલે ખાંડની માગ ધીમી પડવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. આ વર્ષે ઉનાળામાં ગરમી સખત પડતાં ઉનાળા દરમિયાન દેશમાં ખાંડનો વપરાશ નોંધપાત્ર વધતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ચૂંટણીના માહોલમાં પણ ચૂંટણી  પૂર્વે ખાંડની માગ વિશેષ વધી હતી. જો કે હવે સિનારિયો બદલાતો જોવા મળ્યો છે.  માગ વૃદ્ધી ધીમી પડી છે. બજાર ભાવ પણ ઉંચા મથાળે સુસ્તાઈ બતાવતા થયા છે. નવી મુંબઈની જથ્થાબંધ ખાંડ બજારમાં કિવ.ના ભાવ રૂ.૩૭૦૦થી ૩૭૮૫ તથા સારા માલોના ભાવ રૂ.૩૭૬૦થી ૩૮૯૦ આસપાસ તાજેતરમાં જોવા મળ્યા હતા.

દરમિયાન કેન્દ્ર સરકારે જુલાઈ માટે ખાંડનો મુક્ત વેંચાણનો ક્વોટા ૨૪ લાખ ટનનો છૂટ્ટો કરવાનો નિર્ણય તાજેતરમાં કર્યાના સમાચાર મળ્યા હતા.  આ પૂર્વે સરકારે જૂન મહિનાનો આવો ક્વોટા ૨૫ લાખ ૫૦ હજાર ટનનો સરકારે છૂટ્ટો કર્યો હતો એ જોતાં જુલાઈ મહિનાનો મુક્તવેંચાણનો ક્વોટા સરકારે ઓછો આપ્યાના સમાચાર મળ્યા હતા. જુલાઈમાં મોન્સૂનના પગલે ખાંડની માગ ઓછી રહેવાની ગણતરી વચ્ચે સરકારે જુલાઈનો આવો ક્વોટા જૂનની સરખામણીએ ઘટાડયો હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા. ખાંડમાં હાલ  ૨૦૨૩-૨૪ની મોસમ ચાલી રહી છે તથા ૨૦૨૪-૨૫ની નવી મોસમ ઓકટોબરથી શરૂ થવાની છે. આગામી ખાંડની નવી મોસમમાં દેશમાં ખાંડનું ઉત્પાદન વધુ થવાની શક્યતા બતાવાઈ રહી છે. જો કે આનો બધો આધાર વરસાદની પ્રગતિ પર  રહેશે એવું ખાંડ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાંથી હાલ ખાંડની નિકાસ પર સરકારના અંકુશો રહ્યા છે. હવે આગળ ઉપર સરકાર ખાંડની નિકાસ માટે કેવી અને ક્યારે મંજૂરી આપે છે તેના પર બજારની નજરરહી છે. જો કે બજારના અંદાજ મુજબ વર્તમાન ખાંડ મોસમ સપ્ટેમ્બરમાં  પુરી થાય ત્યાં સુધી કદાચ ખાંડની નિકાસ પરના અંકુશો ચાલુ રાખવામાં આવશે એવી શક્યતા જણાય છે. હવે પછી વરસાદ  કેવો આગળ વધે છે તથા આગામી નવી મોસમમાં ખાંડ ઉત્પાદનના અંદાજાઓ કેવા આવે છે તથા નવી મોસમના આરંભમાં  ખાંડનો પાછલી મોસમનો સિલ્લક સ્ટોક કેટલો રહે છે તેના આંકડાઓ સ્પષ્ટ થાય પછી જ કદાચ સરકાર ખાંડની નિકાસ છૂટ આપવા વિચારણા કરશે એવી ગણતરી ખાંડ ઉદ્યોગના જાણકારો બતાવી રહ્યા હતા. આ વર્ષે દેશમાં વરસાદ એકંદરે સંતોષકારક રહેવાનો અંદાજ હાલ બતાવાઈ રહ્યો છે. દરમિયાન, ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જી મેન્યુફેકચરર્સ  એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ વર્તમાન સુગર મોસમ જે સપ્ટેમ્બર અંતે પૂરી થવાની છે એમાં દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે ૩૨૦ લાખ ટન થવાની શક્યતા છે. સરકારે ખાંડની નિકાસ પર ટોટલ પ્રતિબંધ નથી મૂક્યો  પરંતુ નિકાસ માટે નવી પરમીટો સરકાર આપી નથી રહી તથા સરકાર દ્વારા બીજા દેશોની સરકારને અમુક જથ્થામાં ખાંડની નિકાસ કરાતી રહી છે એ વાતને બાદ કરતાં એકંદરે દેશમાંથી ખાંડની નિકાસ બંધ જેવી સ્થિતીમાં જ રહી છે. આ બંધ ક્યારે ખોલવામાં આવે છે તેના પર ખાંડ બજાર તથા ઉદ્યોગની નજર રહી છે.

શેરડીના પાકને પાણી વધુ જોઈએ છે ત્યારે રિસર્ચ દ્વારા એવી શેરડી વિકસાવવાના પ્રયત્નો શરૂ થયા છે. જેને પાણી ઓછું મળે તો પણ ચાલી જાય એવું જાણકારો જણાવી રહ્યા હતા. ઈન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં ૨૦૨૪-૨૫ની આગામી નવી ખાંડ મોસમમાં ઉત્પાદનમાં વૃદ્ધી થવાની  આશા છે. ખાંડ ઉદ્યોગમાં ખાંડ ઉપરાંત હવે ઈથેનોલના ઉત્પાદનનો પણ ઉમેરો થતાં આ ક્ષેત્રે સમીકરણો તાજેતરના વર્ષોમાં નેોંધપાત્ર બદલાયા છે. દેશમાં પેટ્રોલમાં ઈથેનોલના બ્લેન્ડીંગની ટકાવારી જે ૨૦૧૩-૧૪મા ૧.૨૦ ટકા હતી તે દસ વર્ષમાં વધી તાજેતરમાં ૧૨.૫૦ ટકાના સ્તરે પહોંચી છે. હવે પછી આ ટકાવારીનો ટારગેટ ૨૦ ટકાનો નક્કી કરાયો છે.



Google NewsGoogle News