ફુગાવો ડામવા ભરાતા પગલાની આર્થિક વૃધ્ધિ પર થતી અસર
- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- અર્થકારણની ખરી કસોટી તો માથાદીઠ આવક કેટલી છે તેના પર થાય છે
દુનિયાના દરેક દેશની સરકાર ફુગાવાના ઊંચા દરથી ગભરાય છે. ફુગાવાનો દર કોઈકવાર પાંચ કે છ કે કોઈકવાર સાત ટકાથી વધી જાય તો સરકાર ગભરાતી નથી અને તેને ડામવા વ્યાજના દરો (પ્રાઈમ રેટ કે બેંક રેટ) વધારી દે છે. પરંતુ ફુગાવો જો લાંબો ચાલ્યો અને કાબુમાં ના આવ્યો તો ભલભલી સરકારો ઉથલી પડે છે કે ચૂંટણીમાં હારી જાય છે. ઊંચો ફુગાવો કોઈપણ દેશનો મોટો અને ભયાનક લૂંટારો છે. તે લોકોની ખરીદ શક્તિ ખૂંચવી લે છે. આ લૂંટારો કે ચોર અદ્રશ્ય છે કારણ કે ચીજવસ્તુઓના ગ્રાહકોએ કેમ વધારો ભાવ આપવા પડે છે તેની સમજણ ગ્રાહકોને પડતી નથી. કદાચ પ્રથમ યુદ્ધ બાદ જર્મનીમાં હાયપર ઇન્ફલેશન (અતિશય ઉંચો ફુગાવાનો દર) ગજા બહારનું વધુ ગયું અને તેણે નાઝીવાદી હીટલરને જન્મ આપ્યો તે બીજા વિશ્વયુદ્ધનું એક કારણ હોઈ શકે. ઊંચા જતા ભાવો ઉત્તરોત્તર વધતા જ જાય તો લોકોની મહામહેનતે ઊભી કરેલી બચતની ખરીદ શક્તી તદ્દન ઘટી જાય છે. છૂટક બજારમાં ફુગાવાનો ઊંચો દર ક્યાં સુધી ચલાવી લેવાય તેની કોઈ નિશ્ચીત વ્યાખ્યા નથી. અમેરિકાએ ભાવવધારાના દરનું લક્ષ્યાંક બે ટકા રાખ્યું છે, જ્યારે ભારતે તેનો રેન્જ ૨ થી ૬ ટકાનો રાખ્યો છે અને ભારતની સરકાર કે રીઝર્વ બેંક ફુગાવાના ૪ ટકા લેખે વળગી રહેવા માગે છે. ધારો કે જગતમાં ફુગાવાનો દર ૪ ટકા હોય પરંતુ તમારા દેશમાં ૮ થી ૧૦ ટકા હોય તો તેની ઘણી ખરાબ અસર દેશના નિકાસ વ્યાપાર પર પડે છે. તમારી વધારે ઉંચા ભાવની પ્રોડકટસ વિદેશીઓ શું કામ ખરીદે ? ભારતના કન્ઝયુમર રીટેલ પ્રાઈમ ઇન્ડેક્ષ કરતા પણ વધુ અગત્યનો રીટેઇલ ફુડ પ્રાઈમ ઇન્ડેક્ષ છે.
કારણ કે ભારતમાં ગરીબોની પ્રચંડ વસતીને રેફરીજરેટર, કાર, સ્કુટર, ટીવી, ફર્નીચર, વોશીંગ મશીન, કલર ટીવી વગેરેના ભાવો ઊંચા જાય તેની પણ ફીકર હોતી નથી પરંતુ અનાજ, તેલ, ચા, ખાંડ, કોફી મરી મસાલા અને ખાસ કરીને શાકભાજી, દુધ દહીં, વગેરે ચીજવસ્તુઓ તેમના ફુડ પ્રાઈમ ઇન્ડેક્ષમાં ગણતરી થાય છે તેના ઊંચા ભાવો પરવડતા નથી અને તેઓ કુપોષણના શીકાર બને છે.
ચીજવસ્તુઓના અને ખાસ કરીને ખાદ્યપદાર્થોના ભાવો ઊપર જાય તો માત્ર સામ્યવાદી જ નહીં પરંતુ ડીક્ટેટરશીપ ધરાવતી કે મીલીટરીના આધીપત્યવાળી સરકારો પણ તૂટી પડે છે કે પછી તેમનો જમાવટ ગુમાવી બેસે છે. પાકિસ્તાનમાં સત્તાના ફેરબદલની ચર્ચાના સંદર્ભમાં ત્યાં રોજીંદા જીવનની (ફુડ અને નોન ફુડ) ચીજોના જબરજસ્ત ભાવવધારો કારણભૂત છે. આથી જગતની તમામ સરકારો ફુગાવાની બાબતમાં સાવધ રહે છે.
પરંતુ જેમ રીઢા ચોર કે ગુંડાને પકડવામાં ઘણી વાર લાગે છે તેમ સરકારને ફુગાવાને ડામવામાં વાર લાગે છે. કારણ કે ફુગાવાને ડામવા માટે જે પગલા લેવામાં આવે છે (બેંક રેટ વધારવો, બેંકો પર નિયંત્રણો મુકવા, ઓપન માર્કેટ ઓપરેશન્સ ચીજવસ્તુઓનું રેશનીંગ વગેરે) તેની આડ અસરરૂપે દેશનો આર્થિક વૃધ્ધિ દર ઘટી જાય છે.
આમ ફુગાવાનાં ઉંચા દરને કાબુમાં લાવવાના હથિયારો બેધારી તલવાર છે. ઊંચા ભાવ વધારો ધરાવતી પ્રોડકટસ કે અનાજ-કઠોળનું રેશનીંગ કરો તો તેના કાળાબજાર વધી જાય છે. મનમોહન સિંઘ સરકારના ૨૦૦૪થી ૨૦૧૪ ના દસ વર્ષીય ગાળામાં ભારતનો સરાસરી આર્થિક વૃદ્ધિ દર મનમોહન સિંઘના ગાળામાં શ્રી મોદીના દસ વર્ષીય ગાળામાં સરાસરી આર્થિક વૃદ્ધિ દર થોડોક વધારે હતો પરંતુ મનમોહન સિંઘની સરકાર ૨૦૧૪માં હારી કારણ કે તેમના દસ વર્ષીય ગાળામાં ભારતનો સરાસરી ફુગાવાનો દર ઘણો વધારે હતો. અત્યારે ભારતનું અર્થકારણ સાત ટકા કે તેની ઉપર આર્થિક વૃધ્ધિદરથી ધમધમી રહ્યું છે અને જગતના સૌથી વધુ જીડીપી ધરાવતા દેશોમાં યુએસએ, ચીન જાપાન, જર્મની પછી યુ.કે.ને હરાવી પાંચમું સ્થાન ધરાવતું થઈ ગયું છે તેથી આપણા રાષ્ટ્રવાદીઓની છાતી ગજ ગજ ફુલે છે પરંતુ આ એક અર્ધસત્ય છે. અર્થકારણની ખરી કસોટી માથાદીઠ આવકમાં છે.