Get The App

ચીન ખાતેથી ઊંચી આયાત દેશના MSME માટે ખતરાની ઘંટડી સમાન

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ચીન ખાતેથી ઊંચી આયાત દેશના MSME માટે ખતરાની ઘંટડી સમાન 1 - image


- પડોશી દેશ ખાતેથી આવતા માલસામાનનું એમએસએમઈ ઘરઆંગણે  જંગી ઉત્પાદન કરે છે

વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતે અમેરિકા તથા નેધરલેન્ડસ સહિત ૧૫૧ દેશો સાથે વેપાર પુરાંત હાંસલ કરી છે જ્યારે ચીન તથા રશિયા સહિત ૭૫ દેશો સાથે વેપાર ખાધ જોવા મળી છે.  ક્રુડ તેલ, કોલસા તથા સોનાની ઊંચી આયાતને કારણે ભારતની વેપાર ખાધનું સ્તર ઊંચુ જોવા મળે છે. વેપાર ખાધ કરતા ચીન જેવા દેશો ખાતેથી વધી રહેલી આયાત ભારત માટે વધુ ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) માટે ચીનના માલસામાનની આયાત પડકારરૂપ બની  રહે છે. ૨૦૨૪ના જાન્યુઆરીથી જૂનના ગાળામાં  જે ૧૫૧ દેશો સાથે વેપાર પુરાંત જોવા મળી છે, તે દેશોમાં ભારતની કુલ નિકાસમાંથી ૫૫.૮૦ ટકા નિકાસ થાય છે. કુલ આયાતમાંથી ૧૬.૫૦ટકા આયાત આ દેશો ખાતેથી થાય છે એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવના એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. આ ૧૫૧ દેશો ખાતે વેપાર પુરાંતનો આંક ૭૨.૧૦ અબજ ડોલર રહ્યો હતો. બીજી બાજુ જે ૭૫ દેશો સાથે આપણી વેપાર ખાધ રહી છે તે  દેશો ખાતે ભારતની કુલ નિકાસમાંથી ૪૪.૨૦ ટકા  નિકાસ થાય છે. કુલ આયાતમાંથી ૮૩.૫૦ ટકા આયાત આ દેશો ખાતેથી થાય છે. જેને પરિણામે વર્તમાન વર્ષના  પ્રથમ ૬ મહિનામાં આ દેશો સાથે ૧૮૫.૪૦ અબજ ડોલરની વેપાર ખાધ જોવા મળી છે.

ઊંચી વેપાર ખાધ દેશમાં આયાત ઘટાડી ઘરઆંગણે ઉત્પાદન વધારવાની આવશ્યકતા હોવાનું સૂચવે છે. દેશની વેપાર ખાધમાં સૌથી મોટો ફાળો ચીન ખાતેથી થતી આયાતનો છે. જાન્યુઆરીથી જૂનના ગાળામાં ચીન ખાતે ભારતની નિકાસ ૮.૫૦ અબજ ડોલર રહી છે જ્યારે આયાત ૫૦.૪૦ અબજ ડોલર રહી છે જેને કારણે ચીન સાથે ભારતની વેપાર ખાધનો આંક ૪૧.૯૦ અબજ ડોલર રહ્યો છે. ચીન ખાતેથી કરાતી આયાતમાંથી ૯૮ ટકાથી વધુ આયાત ઔદ્યોગિક માલસામાનની રહે છે, જેમાં અસંખ્ય માલસામાન જેમ કે છત્રી, રમકડાં, ઈલેકટ્રોનિક સાધનો, સંગીત સાધનો વગેરનું ભારતમાં મોટેપાયે ઉત્પાદન થાય છે અને તે પણ ખાસ કરીને એમએસએમઈ દ્વારા. આમ આવા સાધનોની સસ્તી આયાત દેશના એમએસએમઈને પ્રતિકૂળ અસર કરી રહી છે. ચીન ખાતેથી આયાત નિર્ભરતા ઘટાડવા ભારતે એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન પૂરા પાડવાની આવશ્યકતા રહેલી છે. ચીનની સસ્તી આયાતને કારણે આ ક્ષેત્ર માટે બજારમાં ટકી રહેવું મુશકેલ બની રહ્યું છે. જો કે સરકાર દ્વારા ચીન ખાતેથી એમએસએમઈ  માલસામાન જેમ કે રમકડાં, લેધર તથા સંગીત સાધનોની આયાતમાં ઘટાડો થઈ રહ્યાનો દાવો કરાયો છે. 

દેશમાં વેચાતી છત્રીઓમાંથી ૯૫ ટકા છત્રીઓ ચીનમાંથી આવતી હોવાનો અંદાજ છે. આ ઉપરાંત ગ્લોસવેર, ચામડામાંથી બનતા પ્રોડકટસની સ્થાનિક બજારમાં ચીનનો જ માલ વધુ પડતો જોવા મળે છે. ફર્નિચર, લેમ્પસ, ઈલેકટ્રિક સાધનોની બજારમાં પણ એમએસએમઈએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની સિલ્કની કુલ આયાતમાંથી ૪૧ ટકા સિલ્ક ચીન ખાતેથી આવ્યું હતું. ચીન ખાતેથી આયાત થતા માલસામાનના સ્થાનિક ઉત્પાદનમાં દેશના એમએસએમઈ મોટેપાયે સંકળાયેલ છે અને જંગી ઈન્વેસ્ટમેન્ટસ રહેલું છે. 

દેશના ઉત્પાદન ક્ષેત્રમાં એમએસએમઈનું મોટું યોગદાન રહેલું છે. કૃષિ ક્ષેત્ર બાદ  રોજગાર પૂરા પાડવામાં એમએસએમઈનો  ક્રમ આવે છે, આવી સ્થિતિમાં એમએસએમઈને  ચીનની  હરિફાઈ સામેથી રક્ષણ મળી રહે તે જરૂરી છે.નિકાસમાં વધારો અને દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી વિકાસનું એન્જિન બનવાની એમએસએમઈ વિપુલ તકો ધરાવે છે. પરંતુ પ્રાપ્ત આંકડા પર નજર નાખતા જણાય છે કે દેશની નિકાસમાં એમએસએમઈનો  હિસ્સો સતત ઘટી રહ્યો છે.  દેશની નિકાસમાં એમએસએમઈના યોગદાનને વધારવા નીતિ આયોગ વારંવાર સૂચનો કરતું રહે છે ત્યારે  સ્પર્ધાને કારણે આ ક્ષેત્રની સ્થિતિ પડકારરૂપ ન બને તેની સરકારે ખાતરી રાખવાની રહેશે.

હેન્ડીક્રાફ્ટસ, ઈમિટેશન જ્વેલરી, લેધર ગુડસ, ટેકસટાઈલ જેવા ક્ષેત્રો જેમાં લઘુ ઉદ્યોગો પરંપરાગત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેવા ક્ષેત્રોમાં હાજરી વધારી એમએસએમઈ તેને વૈશ્વિક સ્તરે વધુ વિસ્તારવાની ક્ષમતા ધરાવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશથી એમએસએમઈ ક્ષેત્રમાં રોજગારની તકો પણ વધતી જોવા મળશે. દેશને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ આગળ વધારવો હશે તો  એમએસએમઈ માટે  સાનુકૂળતા ઊભી કરવાની રહેશે.

ભારતમાં ૬ કરોડ જેટલા એમએસએમઈ કાર્યરત છે. દેશના જીડીપીમાં આ ક્ષેત્રનો હિસ્સો ૩૦થી ૩૨ ટકા આસપાસ  છે અને ૧૧  કરોડથી વધુ  કર્મચારીબળ સીધી અથવા આડકતરી રીતે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. દેશના ૩૩ ટકા એમએસએમઈ ઉત્પાદન પ્રવૃતિ સાથે સંકળાયેલ છે અને કુલ ઉત્પાદનમાં તેમનો હિસ્સો પચાસ ટકા જેટલો છે. આ આંકડાને ધ્યાનમાં રાખતા મેક ઈન ઈન્ડિયા સુત્રને સફળ બનાવવા આ ઉપક્રમોની તંદૂરસ્તી મહત્વની બની રહે છે. 

નાણાંભીડ સહિતના કારણોસર  એમએસએમઈ વિસ્તરણ યોજના હાથ ધરી શકતા નથી.  વિસ્તરણના અભાવે તેમની ઉત્પાદન ક્ષમતા વધતી નથી અને વર્ષો સુધી એક જ સ્થિતિમાં જોવા મળે છે.  અત્યારસુધીની દરેક સરકારોએ  એમએસએમઈના વિકાસ માટે અનેક નીતિઓ તથા કાયદાઓની રચના કરી હોવા છતાં તેનું કોઈ  મજબૂત પરિણામ જોવા મળ્યું નથી.  એમએસએમઈ ક્ષેત્રના વિકાસ વગર ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનું શકય નથી ત્યારે  ઘરઆંગણે ઉપરાંત વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરી  રહેલા  આ ક્ષેત્રમાં મજબૂતાઈ પૂરી પાડવાની તિવિષયકોની જવાબદારી બની રહે છે.  


Google NewsGoogle News