વીજબિલમાં FPPPAની ફોર્મ્યુલા હેઠળ લાગતા છુપા ચાર્જિસ
- એન્ટેના-વિવેક મહેતા
- જર્કે વીજ કંપનીઓને સિફતથી જોગવાઈ કરી આપી અને ઉદ્યોગોને વીજળીના ઊંચા બિલ ચૂકવવાની પડી રહેલી ફરજ ઃ દર ત્રણ મહિને વધી રહેલા વીજળીના બિલ
ગુજરાતમાં ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વીજળીના દરમાં સતત વધારો કરી રહ્યા છે. એફપીપીપીએ હેઠળ લેવાતો યુનિટદીઠ ચાર્જ વધીને રૂ. ૨.૯૮ થયો છે.ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ ૬૨માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ દર વર્ષે વીજદરમાં સુધારો કરવામાં આવે છે. છેલ્લા છ વર્ષથી વીજ દરમાં કોઈ જ વધારો ન કરાયો હોવાનો પોકળ દાવો કરાય છે. ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ ૬૩(૪)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ વીજ વિતરણ કંપનીઓ ઇંધણ ખર્ચમાં કે પછી બહારની કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાના ખર્ચમાં આવતા વધારાના બોજ ગ્રાહકોને માથે નાખીને વીજ કંપનીઓને નુકસાન ન જાય તેવી વ્યવસ્થા કરવા એફપીપીપીએની ફોર્મ્યુલા બનાવવામાં આવી છે.
ગુજરાત વીજ નિયમન પંચ-જર્કે આ ફોર્મ્યુલાને માન્ય પણ કરી છે. કલમ ૬૨(૪)માં જણાવવામાં આવ્યું છે કેઃ 'વીજદરમાં કે વીજદરના કોઈ હિસ્સોમાં સામાન્ય રીતે કોઈ જ સુધારો ન કરવો. બહુ જ જરૂર જણાય તો વરસમાં એકવાર તેમાં સુધારો કરી શકાય છે. ફોર્મ્યુલામાં ફ્યુઅલ સરચાર્જની કોઈ શરત હેઠળ સ્પષ્ટ રીતે પરવાનગી આપવામાં આવી હોય તેવી સ્થિતિને બાદ કરતાં તેમાં કોઈ જ ફેરફાર કરવો નહિ.' આ જોગવાઈનો ગુજરાતની વીજ કંપનીઓને ભરપૂર લાભ કરાવવા જર્કે તેમાં પાવર પરચેઝ કોસ્ટનો ઉમેરી દીધી છે. વાસ્તવમાં પાવર પરચેઝ કોસ્ટ તો વીજળીના દરના વિભાગ સાથે જ જોડીને નક્કી કરવા જોઈતા હતા. વીજ વિતરણ કંપનીની એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટ હેઠળ વરસમાં એક જ વાર મંજૂર કરવામાં આવે છે. પરંતુ જર્કે કરી આપેલી સુવિધાને કારણે વીજ વિતરણ કંપનીઓ પોતાની ઇચ્છા મુજબ દર ત્રણ મહિને યુનિટે ૧૦ પૈસાનો વધારી જ દે છે. વીજવપરાશકાર ઉદ્યોગ હોય કે રેસિડેન્શિયલ-કોમર્શિયલ હોય દરેકને માથે બોજ આવ્યા જ કરે છે.
ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ બે પેરામીટર્સને જોડતા એફપીપીપીએની ફોર્મ્યુલા બને છે. ફ્યુઅલ કોસ્ટમાં વીજળી પેદા કરવા માટે વપરાતા કોલસા, ગેસ કે પછી લિગ્નાઈટના દરમાં થતાં વધારાને કારણે વધતો ઉત્પાદન ખર્ચ. જ્યારે પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં રાજ્યની જરૂરિયાત વધે તે તબક્કે ઉત્પાદન ઓછું થતું હોય તો બહારની એટલે કે ખાનગી વીજ કંપનીઓ પાસેથી ખરીદવી પડતી વીજળીને કારણે આવતા વધારાનો ખર્ચનો બોજો છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને ગુજરાત વીજ નિયમન પંચે તેમાં જનરેટિંગ કંપનીથી ડિસ્ટ્રીબ્યુશન કંપની સુધી પાવર પહોંચાડવાના ખર્ચને પણ ઉમેરી દીધો છે. જેટકો- ઓપીજીસીઆઈએલ ટ્રાન્સમિશન ચાર્જ વસૂલે છે. જેટકો રોજ એક મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરવા માટે રૂા.૪૦૪૮નો ચાર્જ લે છે. આ બધાં જ ખર્ચાએ અલગથી દર્શાવવાની માગણી વીજગ્રાહકોના હિતનું રખોપું કરતાં ગ્રાહક યુનિયનો કરી જ રહ્યા છે.
ઇંધણ ખર્ચ અને પાવર પરચેઝ માટે થતો ખર્ચ અલગથી દર્શાવવાની ગ્રાહક યુનિયનોની માગણી પણ સ્વીકારવામાં આવતી નથી. જર્ક અને જીયુવીએનએલ મિલીભગતમાં આ ચાર્જ અલગથી બતાવતા જ નથી. તેથી ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ ગ્રાહકોને માથે વરસે રૂ. ૪૦૦ કરોડનો વધારાનો બોજ આવી રહ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વીજ બિલમાં યુનિટદીઠ ચાર પૈસાનું કમિશન જ વસૂલે છે. ઇંધણ ખર્ચ અને પાવર પરચેઝ કોસ્ટને અલગથી જોવામાં આવે તો તેઓ કેવું કૌભાંડ કરી રહ્યા છે તેના પરથી પડદો ઊંચકાઈ જશે.
GUVNL દ્વારા FPPPA હેઠળ લેવાતા ચાર્જમાં ઊંડા ઉતરીએ. જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧માં ફિક્સ કોસ્ટ પેટે રૂ. ૨૬૯૮ કરોડ એટલે યુનિટદીઠ રૂ. ૧.૦૧નો ખર્ચ થયો હતો. જાન્યુઆરી-માર્ચ ૨૦૨૨માં ફિક્સ કોસ્ટ વધીને રૂ. ૩૧૨૫ કરોડ એટલે કે યુનિટદીઠ રૂ. ૧.૦૯ થઈ ગઈ હતી. આમ યુનિટદીઠ ૮ પૈસાનો વધારો આવી ગયો હતો. હવે અને ફ્યુઅલ કોસ્ટ તરીકે ૭૯૪૫ કરોડ એટલે કે યુનિટદીઠ રૂ. ૨.૯૮ વસૂલવામાં આવ્યા હતા. ફ્યુઅલ કોસ્ટ જાન્યુઆરી-માર્ચ ૨૦૨૨માં વધીને રૂ. ૯૯૫૬ કરો એટલે કે યુનિટદીઠ રૂ. ૩.૪૭ થઈ ગઈ હતી. આમ યુનિટે ૪૯ પૈસાનો વધારો આવી ગયો હતો. છતાંય દાવો કરાય છે કે કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. તદુપરાંત ગેટકોના ચાર્જ માર્ચ ૨૦૨૧માં રૂ.૯૫૦ કરોડ હતો તે માર્ચ ૨૦૨૨માં રૂ. ૯૫૯ કરોડ થઈ ગયો હતો. પીજીસીઆઈએલ કોસ્ટ માર્ચ ૨૦૨૧માં રૂ. ૫૦૮ કરોડ હતી માર્ચ ૨૦૨૨માં ૭૧૬ કરોડ થઈ હતી.
તેમાં યુનિટે ૬ પૈસાનો વધ્યા છે. આ એક વર્ષના ગાળામાં જીયુવીએનએલની કોસ્ટ રૂ. ૧૦૫ કરોડ(માર્ચ ૨૦૨૧)થી વધી માર્ચ ૨૦૨૨માં રૂ.૧૧૫ કરોડ થઈ ગઈ હતી. આમ યુનિટદીઠ ખર્ચ રૂ. ૪.૫૮થી વધીને રૂ. ૫.૧૮ થઈ ગયો હતો. આમ એક વર્ષમાં યુનિટદીઠ ચાર્જમાં ૬૦ પૈસાનો વધારો આવી ગયો હોવા છતાંય કોઈ ચાર્જ વધ્યો ન હોવાનો દાવો કરવામાં આવે છે. આમ ફ્યુઅલ કોસ્ટમાં યુનિટે ૪૯ પૈસા અને પાવર પરચેઝકોસ્ટમાં યુનિટે ૧૧ પૈસાનો વધારો થયો હતો. જેટકોએ યુનિટદીઠ ૩૩ પૈસા વસૂલ્યા હતા.