Get The App

હેલ્લો બાપુ, અમારે મોંઘવારીથી આઝાદી જોઈએ, અપાવશો?

Updated: Aug 13th, 2023

GS TEAM


Google News
Google News
હેલ્લો બાપુ, અમારે મોંઘવારીથી આઝાદી જોઈએ, અપાવશો? 1 - image


- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- અમુક ગાંધી ટોપી પહેરેલાઓને જોઈને તો હું ખુદ ડરી જાઉં છું! 

'હવે ટમેટાંના ભાવ ઘટશે, પરંતુ ડુંગળીના વધશે' અને 'રિઝર્વ બેન્કને ફરી મોંઘવારી વધવાનો અંદાજ' એવા બધા સમાચારો વાંચીને લાગી આવતાં  એક સામાન્ય માણસે આપઘાત કરવાનું નક્કી કર્યું. જોકે, બધી મોટી મોટી બિલ્ડિંગોની આગળ ચોકીદાર હતા અને નદી પરના તમામ બ્રિજ પર આઝાદી દિનની રોશની કરવાવાળા અને જોવાવાળાની ભીડ  જામી હતી, પણ ગાંધીજીના પૂતળાં પર કોઈ રોશની કે સફાઈનો માહોલ ન હતો.ઊંચા પ્લેટફોર્મ પર દાંડીકૂચની મુદ્રામાં બનાવાયેલી ગાંધીજી પ્રતિમાની ટોચ પરથી ભૂસ્કો મારીશ તો સો ટકા મોક્ષ મળશે એવું લાગતાં તેણે આ પ્રતિમા પર ચઢવાનો પ્રયાસ કર્યો.

'ખબરદાર...' અચાનક પૂતળું બોલ્યું. 

પેલો ડરી ગયો. તેને લાગ્યું  કે ભૂત છે કે શું? તે બોલી પડયો. 'હેંગાંધી, તમે ભૂત થયા છો?' તરત પૂતળું બોખું બોખું હસી પડયું. 'લ્યા, તારી વાત સાચી છે. ક્યારેક તો મને લાગે છે કે મેં જ અમથી બધી ભૂતાવળો પેદા કરી છે. અમુક ગાંધી ટોપી પહેરેલાને, અમુક ચરખા ચલાવનારાને  અને બીજી તારીખે મને હારતોરા પહેરાવવા આવનારાને જોઈને ક્યારેક તો હું ખુદ ડરી જાઉં છું.'

'હેં ?  તમે અન ેડર?  તમારી આત્મકથામાં ઉલ્લેખ છે કે તમે જ્યારે ડરતા ત્યારે રામનું નામ લેતા હતા. આજના અમારા નેતાઓ પણ ચૂંટણીની બીકે રામનું નામ લે છે.'

ફરી બોખું હાસ્ય આવ્યું. 'અરે ભાઈ,  હકીકતમાં તો ચૂંટણી એટલા માટે હોયે છે કે તારા નેતાઓને તારો ડર લાગે. જો  ન લાગતો હોય તો એમાં તારો દોષ છે.  '

'રહેવા દો હવે. બહુ મોટા ગાંધીજી થઈ ગયા એટલે જરુરી નથી કે દર વખતે  ઉપદેશો આપવા માંડવાનું. અહીં મારે મોંઘવારીથી મરવાનો વારો આવ્યો છે. તમને ખબર છે, અહીં ટમેટાં શું ભાવે મળે છે? હવે ડુંગળીના ભાવ વધવાના છે. ઘઉં-ચોખા-દાળના ભાવે માઝા મૂકી છે.  એસટીના ભાડાંમાં કમરતોડ વધારો થયો છે. આજે મારા જેવો માણસ છોકરાઓને સારું ભણાવી શકે તેવી હાલતમાં પણ નથી. શહેરના કોઈ સારા વિસ્તારમાં ઘર લેવું એટલે લગભગ અશક્ય જેવી વાત છે.ઉપરથી સરકાર એમ કહે છે કે આ તો અમે છીએ તો હજુ મોંઘવારી કાબૂમાં છે, બાકી ફાટીને ધૂમાડે ગઈ હોત. બોલો, હવે આમાં બાકી શું રહ્યું છે? તમે દેશને આઝાદી અપાવવા લડાઈ લડયા એ બરાબર પણ હવે તમે ફરી દેશમાં આવી આ મોંઘવારીથી આઝાદી અપાવી શકો ખરા?'

બાપુ હસતા રહ્યા. 'લ્યા, આ તો તું ભાષણને રવાડે ચઢી ગયો.'

'શું કરીએ બાપુ, ભાષણોથી પેટ ભરતાં ભરતાં  અમને પણ એવી ટેવ પડી ગઈ છે. પેલું કહ્યું છેને કે  યથા રાજા તથા પ્રજા.'

'અરે પણ આઝાદી પછી તો રાજાઓ ગયા.  અત્યારે દેશમાં લોકશાહી છે. કોઈ રાજા નથી. બધા પ્રજાના સેવક છે. ' બાપુએ જરા ટીખળના લ્હેકામાં કહ્યું. 

સામાન્ય માણસે હવે ખરેખર ભૂસ્કો મારવા પ્રતિમા પર ચઢવાનું શરુ કર્યું. પછી એક નિઃશ્વાસ નાખીને નીચે ઉતરી ગયો અને જતાં જતાં ગાંધી પ્રતિમાને કહેતો ગયો, 'જવા દો, ગાંધીની ઊંચાઈએ આંબનારાને આપઘાતનો જ વારો આવે એવું કહેવાની લોકોને તક મળે એવું મારે નથી કરવું.'

સ્માઈલ ટિપ

આઝાદી પછી દેશમાં શરુ થનારાં પહેલાં સ્ટાર્ટ-અપનું નામ 'ગાંધીજી ચિંધ્યા માર્ગે લોકસેવા' હતું. આ સ્ટાર્ટઅપમાંે કેટલાય માલદાર થઈ ગયા!

Tags :